અમેરિકામાં ગેરકાયદેસર ગેમિંગ મશીનો ચલાવતા સાત ગુજરાતીઓ સહિત કુલ નવ લોકો પર લગભગ એક કરોડ ડોલર એટલે કે 86 કરોડ રૂપિયાનું કૌભાંડ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કૌભાંડીઓ દક્ષિણપશ્ચિમ મિઝોરીમાં છ અલગ અલગ સ્થળોએ ગેરકાયદે ગેમિંગ મશીનો ચલાવી રહ્યા હતા અને ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ સંડોવાયેલા લોકો સામે આરોપો ઘડ્યા છે
આ કેસમાં જે લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે તેમાં વોશિંગ્ટનના રહેવાસી રાહુલ પટેલ, જ્યોર્જિયાના મનીષ પટેલ, તુષાર પટેલ અને મિતુલ બારોટ, ન્યૂ યોર્કના સુનિલ પટેલ, કોલોરાડોના હર્ષદ ચૌધરી અને અરકાનસાસના વિપુલ પટેલનો સમાવેશ થાય છે. વિપુલ પટેલ સિવાયના તમામ આરોપીઓ ભારતીય નાગરિક હોવાનું કહેવાય છે, જ્યારે તેમના સિવાય જ્યોર્જિયાના મોહમ્મદ ઇફ્તિખાર અલી અને ન્યૂ યોર્કના અસગર અલી પણ આ કેસમાં આરોપી છે.
આ કેસમાં, રાહુલ પટેલ નામના આરોપી સામે 10 ડિસેમ્બર, 2024 ના રોજ દાખલ કરાયેલા આરોપો ઉપરાંત, ફેડરલ ગ્રાન્ડ જ્યુરીએ વધારાના આરોપો પણ ઘડ્યા છે. આ કેસમાં, સ્પ્રિંગફીલ્ડ પોલીસ વડા પોલ વિલિયમ્સે જણાવ્યું હતું કે આ કેસમાં સ્થાનિક રીતે શરૂ થયેલી તપાસનો વ્યાપ ખૂબ જ ઝડપથી વધ્યો છે અને અન્ય એજન્સીઓ પણ તેમાં જોડાઈ છે.
આ કેસ વિશે માહિતી આપતાં, કેન્સાસ સિટીના સ્પેશિયલ એજન્ટ ઇન ઇન્ચાર્જ ઓફ હોમલેન્ડ સિક્યુરિટી ઇન્વેસ્ટિગેશન્સ માર્ક ઝિટોએ જણાવ્યું હતું કે આ કોઈ નીચલા સ્તરે થતું ગેમ્બલિંગ ન હતું, પરંતુ એક સુવ્યવસ્થિત મલ્ટી-મિલિયન ડોલરનું ક્રિમિનલ નેટવર્ક હતું જેમાં ઘણા લોકો સામેલ હતા અને તેમણે પોલીસથી બચવા માટે પણ તમામ વ્યવસ્થા કરી હતી.
આ કૌભાંડના આરોપી મિતુલ બારોટે 24 એપ્રિલ, 2023 અને 28 ઓગસ્ટ, 2023 ની વચ્ચે મિઝોરીમાં બિગ વિન આર્કેડ, બિગ વિન આર્કેડ 2023, સ્પિન હિટર્સ 1, સ્પિન હિટર્સ, વેગાસ સિટી આર્કેડ અને વેગાસ આર્કેડ નામના છ કારોબારો નોંધાવ્યા હતા. આ વ્યવસાયોએ સ્પ્રિંગફીલ્ડ, જોપ્લિન અને બ્રાન્સન વેસ્ટ શહેરોમાં બિઝનેસ લાઇસન્સ, યુટિલિટી કોન્ટ્રાક્ટ, લીઝ કરાર અને બિઝનેસ ઇન્કોર્પોરેશન દસ્તાવેજો માટે અરજી કરી હતી. આરોપીઓએ તેમના માટે કામ કરવા માટે સ્થાનિક લોકોને રાખ્યા હતા, તેઓ મિઝોરી કાયદાનું ઉલ્લંઘન કરીને ગેમિંગ મશીનો ચલાવતા હતા.
તેમના ગેમિંગ મશીનો સ્પ્રિંગફીલ્ડમાં ચાર સ્થળોએ ચાલી રહ્યા હતા, જેમાં રાહુલ પટેલ, મનીષ પટેલ, તુષાર પટેલ, વિપુલ પટેલ અને અસગર અલીનો સમાવેશ થાય છે. આ બધા લોકોએ એક વોટ્સએપ ગ્રુપ પણ બનાવ્યું હતું જેમાં તેઓ 31 મે, 2023 થી 11 માર્ચ, 2024 સુધીના વ્યવસાય વિશે વાત કરતા હતા.
આરોપીઓ આ કમાણી અમેરિકા અને ભારતમાં અલગ અલગ વ્યક્તિગત બેંક ખાતાઓમાં જમા કરાવતા હતા અને આમ ત્રણ વર્ષમાં લગભગ દસ કરોડ ડોલરનો મોટો નફો મેળવ્યો હતો. આ કેસમાં રાહુલ પટેલ, મનીષ પટેલ, સુનિલ પટેલ, તુષાર પટેલ, મિતુલ બારોટ, હર્ષદ ચૌધરી અને અસગર પર મની લોન્ડરિંગનું કાવતરું ઘડવાનો અને રેકેટ ચલાવવાના ઈરાદાથી અમેરિકાના વિવિધ રાજ્યોમાં મુસાફરી કરવાનો આરોપ છે.
આ ઉપરાંત, આરોપીઓ પર મની લોન્ડરિંગ અને વાયર ફ્રોડ કરીને ગેરકાયદેસર જુગારમાંથી થતી બિનહિસાબી કમાણી જમા કરાવવાનો અથવા ટ્રાન્સફર કરવાનો પણ આરોપ છે. ગયા વર્ષે જ્યારે આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું ત્યારે પોલીસે જુદા જુદા જુગાર ઘરો પર દરોડા પાડ્યા હતા અને લગભગ 50 મશીનો જપ્ત કરી હતી અને આરોપીઓ પાસેથી રોકડ પણ મળી હતી. જોકે, આ દરોડા પહેલા પોલીસે લાંબી ગુપ્ત તપાસ હાથ ધરી હતી અને ગેમિંગ પાર્લરની મુલાકાત લીધી હતી અને ત્યાં રોકડની આપ-લે કરી હતી.
આ પણ વાંચો: અમેરિકામાં અભ્યાસ કરતા લોકો માટે ખરાબ સમાચાર!સમાપ્ત થઈ શકે છે OPT પ્રોગ્રામ,નહીં મળે નોકરી
