Gujarat University Exam Postponed: ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને મોટા શૈક્ષણિક ફેરફારો જોવા મળી રહ્યા છે. ચૂંટણીની કામગીરીને ધ્યાનમાં રાખીને ગુજરાત યુનિવર્સિટી દ્વારા UG (સ્નાતક) અને PG (અનુસ્નાતક) ના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓના કાર્યક્રમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યુનિવર્સિટીના આ નિર્ણયથી આશરે 1.50 લાખ જેટલા વિદ્યાર્થીઓ પ્રભાવિત થશે.
શા માટે બદલાયો પરીક્ષાનો કાર્યક્રમ?
યુનિવર્સિટી દ્વારા અગાઉ તમામ પરીક્ષાઓ કુલ પાંચ અલગ-અલગ ફેઝમાં લેવાનું આયોજન કરાયું હતું. જેમાંથી બે ફેઝની પરીક્ષાઓ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂકી છે. પરંતુ, આગામી ચૂંટણી પ્રક્રિયામાં શૈક્ષણિક સ્ટાફ અને કોલેજના બિલ્ડિંગની જરૂરિયાત ઊભી થતાં, બાકી રહેલા ત્રણ ફેઝની પરીક્ષાઓને એપ્રિલને બદલે મે મહિનામાં શિફ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મે મહિનાની ગરમીમાં આપવી પડશે પરીક્ષા
નવા ટાઈમટેબલ મુજબ, હવે આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, લો અને એજ્યુકેશન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓએ મે મહિનાની કાળઝાળ ગરમીમાં પરીક્ષા કેન્દ્રો પર જવું પડશે. ખાસ કરીને NEP (નવી શિક્ષણ નીતિ) અને ઇન્ટિગ્રેટેડ કોર્સના વિદ્યાર્થીઓને આની સીધી અસર થશે. પરીક્ષાઓ પાછી ઠેલાતા વિદ્યાર્થીઓને વાંચવા માટે વધારાનો સમય તો મળ્યો છે, પરંતુ તેની સામે પરિણામો મોડા જાહેર થવાની પૂરી શક્યતા છે. જોકે, વહીવટી તંત્રે ખાતરી આપી છે કે મે મહિનાની ગરમીને જોતા તમામ પરીક્ષા કેન્દ્રો પર પાણી અને વીજળીની યોગ્ય વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવશે.
આ છે Gujarat Universityનું નવું રિવાઈઝ્ડ ટાઈમટેબલ
ફેરફાર 1 (16 એપ્રિલની પરીક્ષા હવે 1 મે થી): આ ફેઝમાં B.A., B.Com, B.Sc, B.B.A, B.C.A અને B.R.S. ના સેમેસ્ટર-4 અને 6 ની પરીક્ષાઓ લેવાશે. આ ઉપરાંત M.A. (સેમેસ્ટર-3), તમામ ઇન્ટિગ્રેટેડ કોર્સ (સેમેસ્ટર 2, 4, 6, 8, 10), LL.B. (સેમેસ્ટર-2) અને B.Ed. (સેમેસ્ટર-2) ની પરીક્ષાઓનો સમાવેશ થાય છે.
ફેરફાર 2 (24 એપ્રિલની પરીક્ષા હવે 12 મે થી): આ તબક્કામાં M.A., M.Com, M.Sc, M.R.S, M.M.C.J અને M.Ed. ના સેમેસ્ટર-2 ની પરીક્ષાઓ શરૂ થશે. સાથે જ B.A., B.Com, B.Sc, B.B.A અને B.C.A ના સેમેસ્ટર-2 તેમજ NEP હેઠળના UG કોર્સ (સેમેસ્ટર-4) ની પરીક્ષાઓ યોજાશે.
ફેરફાર 3 (5 મે ની પરીક્ષા હવે 21 મે થી): નવા કાર્યક્રમ મુજબ NEP હેઠળના તમામ UG, PG અને ડિપ્લોમા કોર્સના વિવિધ સેમેસ્ટરની પરીક્ષાઓ હવે છેલ્લે 21 મે થી શરૂ કરવામાં આવશે.
યુનિવર્સિટીના પરીક્ષા વિભાગે આ સુધારેલો કાર્યક્રમ તમામ સંલગ્ન કોલેજો અને વિભાગોમાં સત્તાવાર રીતે મોકલી આપ્યો છે, જેથી વિદ્યાર્થીઓને સમયસર જાણ થઈ શકે.
