Ahmedabad News : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ (Congress)માટે મુશ્કેલી ઊભી થઈ છે. ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થયા બાદ હવે ત્રણ ઉમેદવારોના નામ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની મતદાર યાદીમાં ન હોવાને કારણે તેઓ ઉમેદવારી ફોર્મ પણ ભરી શકશે નહીં. આ મામલો હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
ગુજરાત કોંગ્રેસે લાંબી ચર્ચા અને બેઠક બાદ 32 વોર્ડ માટે કુલ 92 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી. જેમાં 12 વોર્ડમાં સંપૂર્ણ પેનલ પણ જાહેર કરવામાં આવી હતી. પાર્ટી દ્વારા વિવાદ ટાળવા માટે મોટા ભાગે નિર્વિવાદ ઉમેદવારો પસંદ કરવામાં આવ્યા હતા, છતાં કેટલાક વિસ્તારોમાં સ્થાનિક સ્તરે અસંતોષ પણ સામે આવ્યો હતો.
આ વચ્ચે હવે વધુ ગંભીર સમસ્યા સામે આવી છે. નવરંગપુરા વોર્ડમાંથી ભાવનાબેન જાડેજા, ઈન્દ્રપુરી વોર્ડમાંથી ધનીબેન જાડેજા અને ચાંદલોડિયા વોર્ડમાંથી ચંદ્રકાંત ગજ્જર—આ ત્રણેય ઉમેદવારોના નામ AMCની મતદાર યાદીમાં નથી. પરિણામે તેઓ ચૂંટણી લડી શકશે નહીં અને મતદાનનો હક પણ ગુમાવશે.

ઉમેદવારોના જણાવ્યા મુજબ, તેમના નામ વિધાનસભાની મતદાર યાદીમાં તો છે, પરંતુ કોર્પોરેશનની યાદીમાં સમાવિષ્ટ નથી. ફોર્મ ભરવાની પ્રક્રિયા દરમિયાન આ ખામી સામે આવી હતી. બે દિવસ સુધી નામ ઉમેરવા માટે પ્રયત્નો કર્યા છતાં સફળતા મળી નથી, અને હવે સમયમર્યાદા પસાર થઈ જતાં નામ ઉમેરવાની શક્યતા પણ નથી.
નવરંગપુરા વોર્ડની ઉમેદવાર ભાવનાબેન જાડેજાએ જણાવ્યું હતું કે, “ટિકિટ મળ્યા બાદ અમે પ્રચાર અને તૈયારી શરૂ કરી દીધી હતી, પરંતુ મતદાર યાદીમાં નામ ન હોવાને કારણે હવે ચૂંટણી લડી શકતા નથી. આથી ભારે નિરાશા અનુભવી રહ્યા છીએ.”
કોંગ્રેસ (Congress)હવે આ ત્રણેય વોર્ડમાં નવા ઉમેદવારો જાહેર કરવાની તૈયારીમાં
આ ઘટનાને પગલે કોંગ્રેસ (Congress)હવે આ ત્રણેય વોર્ડમાં નવા ઉમેદવારો જાહેર કરવાની તૈયારીમાં છે. સાથે જ અસરગ્રસ્ત ઉમેદવારો કાનૂની રસ્તો અપનાવવા પણ વિચારી રહ્યા છે.
ચૂંટણી પહેલાં આવી પરિસ્થિતિ ઊભી થવાથી કોંગ્રેસના આયોજન અને સંકલન પર પ્રશ્નો ઊભા થયા છે.
અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી પહેલાં કોંગ્રેસના કેટલાક ઉમેદવારોના નામ મતદાર યાદીમાં ન હોવાના મુદ્દે વિવાદ ઊભો થયો છે, જે હવે ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે.
ખોખરા વોર્ડમાંથી કોંગ્રેસના દાવેદાર સંજય ગઢવીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. અરજીમાં તેમણે રજૂઆત કરી છે કે તેમનું નામ વિધાનસભાની મતદાર યાદીમાં છે, પરંતુ કોર્પોરેશનની મતદાર યાદીમાં સામેલ કરવામાં આવ્યું નથી.
અરજદાર તરફથી હાઈકોર્ટ સમક્ષ માંગ કરવામાં આવી છે કે વિધાનસભાની મતદાર યાદીના આધારે તેમનું નામ કોર્પોરેશનની મતદાર યાદીમાં ઉમેરવામાં આવે. આ મામલે રાજ્ય ચૂંટણી પંચ સહિત સંબંધિત સત્તાધિકારીઓને પક્ષકાર બનાવવામાં આવ્યા છે.
સંજય ગઢવી ખોખરા વોર્ડમાંથી ટિકિટ માટે દાવેદારી કરી રહ્યા છે. આ કેસની સુનાવણી આવતીકાલે ગુજરાત હાઈકોર્ટમાં થવાની છે.
ઉલ્લેખનીય છે કે ઈન્દ્રપુરી અને નવરંગપુરા વિસ્તારોના કેટલાક અન્ય કોંગ્રેસ ઉમેદવારોના નામ પણ મતદાર યાદીમાં ન હોવાનું સામે આવ્યું છે, જેના કારણે આ મુદ્દો વધુ ગંભીર બન્યો છે.
