IPS Manoj Ninama Resignation: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓનો જંગ જામ્યો છે ત્યારે રાજ્યના પોલીસ બેડામાંથી મોટા સમાચાર સામે આવ્યા છે. વર્ષ 2006ની બેચના IPS અધિકારી મનોજ નિનામાએ પોલીસ સેવામાંથી રાજીનામું આપીને સક્રિય રાજકારણમાં ઝંપલાવવાનો નિર્ણય કર્યો છે. સોમવાર સુધી સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચમાં IGP તરીકે ફરજ બજાવતા મનોજ નિનામા હવે ભારતીય જનતા પાર્ટીના કેસરીયા ધારણ કરી પોતાના વતન અરવલ્લીથી નવી ઈનિંગની શરૂઆત કરી શકે છે.
IGP Manoj Ninamaએ રાજીનામું આપ્યું
મનોજ નિનામાએ અચાનક રાજીનામું આપતા પોલીસ આલમમાં અનેક ચર્ચાઓ જાગી હતી. મંગળવારે મોડી સાંજે પોલીસ ભવન સ્થિત ઉચ્ચ અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે તેમનું રાજીનામું સ્વીકારી લેવામાં આવ્યું છે. રાજકીય વર્તુળોમાં થતી ચર્ચા મુજબ, મનોજ નિનામા પૂર્વ IPS અને હાલના રાજ્યકક્ષાના મંત્રી પી.સી. બરંડાની જેમ જ વહીવટી અનુભવનો ઉપયોગ રાજકારણમાં કરશે. તેઓ અરવલ્લીના ભિલોડાથી ભાજપની ટિકિટ પર જિલ્લા પંચાયતની ચૂંટણી લડે તેવી પ્રબળ શક્યતાઓ છે.
Gen-Z ની સાથે ‘રિટાયર્ડ ઓફિસરો’ મેદાને
ભાજપ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એક નવી અને આક્રમક રણનીતિ સાથે ઉતરી રહ્યું છે. પાર્ટી માત્ર પરંપરાગત કાર્યકરો પર જ નહીં, પરંતુ બે ખાસ વર્ગો પર વિશેષ ફોકસ કરી રહી છે, જેમાં નવી પેઢીને આકર્ષવા માટે Gen-Z અને ટેકનોસેવી યુવા ચહેરાઓને પ્રાધાન્ય આપવામાં આવશે. આ ઉપરાંત, મનોજ નિનામા જેવા નિવૃત્ત અધિકારીઓને મેદાને ઉતારીને વહીવટી અનુભવીઓ દ્વારા તંત્ર પર પકડ મજબૂત કરવાની વ્યૂહરચના પણ અમલમાં મૂકવામાં આવી છે.
બુધવાર રાત સુધીમાં પ્રથમ યાદી શક્ય
રાજ્યની 10,005 બેઠકો માટે ઉમેદવારોના નામ ફાઇનલ કરવા મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપની ચૂંટણી સમિતિની હાઈવોલ્ટેજ બેઠકો ચાલી રહી છે. મંગળવારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાઓ પર મંથન પૂર્ણ થયું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, બુધવાર રાતથી ગુરુવાર સવાર સુધીમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થઈ શકે છે. શનિવાર સુધી ફોર્મ ભરવાનો સમય હોવાથી ભાજપ હવે વહેલી તકે નામો જાહેર કરશે.
ભાજપના કડક નિયમો, કોની ટિકિટ કપાશે?
આ વખતે ટિકિટ મેળવવી કોઈ પણ નેતા માટે સરળ નથી, કારણ કે હાઈકમાન્ડે અત્યંત આકરા માપદંડો નક્કી કર્યા છે. આ માપદંડો મુજબ 60 વર્ષથી વધુ ઉંમરના દાવેદારોને ટિકિટ આપવામાં આવશે નહીં અને સતત ત્રણ ટર્મથી ચૂંટણી જીતતા નેતાઓના પણ પત્તા કપાશે. આ ઉપરાંત, પરિવારવાદ પર રોક લગાવતા એવો નિર્ણય લેવાયો છે કે જો પરિવારમાંથી કોઈ પદાધિકારી હોય, તો બીજા સભ્યને ટિકિટની તક મળશે નહીં. 15 મ્યુનિસિપલ કોર્પોરેશન, 81 પાલિકાઓ અને 34 જિલ્લા પંચાયતોના આ જંગમાં ભાજપનો આ ‘નવો પ્રયોગ’ કેટલો સફળ રહેશે તેના પર હવે સૌની મીટ મંડાણી છે.
