Vadodara Municipal Corporation Election: વડોદરા મહાનગરપાલિકા (VMC) ની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, ત્યારે નેતાઓ મત માંગવા માટે લોકોના ઘર સુધી પહોંચી રહ્યા છે. પરંતુ વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા વોર્ડ નંબર 6 ના રહીશોમાં નેતાઓ પ્રત્યે ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો ખુલ્લી ચીમકી આપી રહ્યા છે કે, “જો કોઈ નેતા વોટ માંગવા અમારી સોસાયટીમાં આવશે, તો અમે તેમને અંદર ઘૂસવા નહીં દઈએ.” છેલ્લા 30 વર્ષમાં વિસ્તારનો નહીં, પરંતુ માત્ર કોર્પોરેટરોનો જ વિકાસ થયો હોવાનો ગંભીર આક્ષેપ લોકો લગાવી રહ્યા છે.

Vadodara : સરસિયા તળાવ ગંદકીનું ઘર
વોર્ડ-6 ના વારસિયા અને યાકુતપુરા વિસ્તારની સ્થિતિ અત્યંત દયનીય છે.અહી આવેલું સરસિયા તળાવ ગંદકીનું ઘર બની ગયું છે. તળાવની આસપાસ કોઈ પ્રોટેક્શન દીવાલ ન હોવાથી ગંદકી અને મચ્છરોનો ઉપદ્રવ ભારે છે. સૌથી મોટી સમસ્યા તળાવ પર બનેલો બ્રિજ છે. આ વર્ષો જૂનો અને સાંકડો બ્રિજ એટલો જર્જરિત થઈ ચૂક્યો છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જે લોકો માટે જીવના જોખમ સમાન છે. સ્થાનિકોનો આરોપ છે કે વિસ્તારમાં અર્બન હેલ્થ સેન્ટર કે કોમ્યુનિટી હોલ જેવી કોઈ જ પ્રાથમિક સુવિધા નથી અને કોર્પોરેશનના પ્લોટો ખાનગી લોકોને પધરાવી દેવામાં આવી રહ્યા છે.
4 વર્ષથી માત્ર નળ છે, પાણી નહીં!
આશ્ચર્યની વાત એ છે કે, આ વોર્ડ વડોદરા કોર્પોરેશનની સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન ડૉ. શીતલ મિસ્ત્રીનો હોવા છતાં વિકાસથી સંપૂર્ણ વંચિત છે. મદાર મહોલ્લો અને જૂની ગઢી વિસ્તારમાં લોકો પીવાના શુદ્ધ પાણી માટે વલખા મારી રહ્યા છે. મદાર મહોલ્લામાં લોકોને પાણીના કનેક્શન માટેની લાઇન નાખ્યાને ચાર વર્ષનો સમય વીતી ગયો છે, પરંતુ આજદિન સુધી નળમાં એક ટીપું પાણી આવ્યું નથી. જે થોડા વિસ્તારોમાં પાણી આવે છે, ત્યાં પ્રેશર એકદમ ઓછું હોય છે અને પાણી એટલું દૂષિત (ગંદુ) હોય છે કે લોકો રોગચાળાના ભયે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

જર્જરિત આવાસો અને કચરાના ઢગલા વચ્ચે જીવતા લોકો
કિશનવાડી વિસ્તારમાં વુડા (VUDA) ના મકાનોની હાલત પણ અત્યંત કફોડી છે. આ આવાસો એટલા જર્જરિત થઈ ગયા છે કે રહીશો રાત્રે જીવના જોખમે ભયના ઓથાર હેઠળ ઊંઘવા મજબૂર છે. આવાસની બરાબર બાજુમાં શાકમાર્કેટ અને કચરાનું ડમ્પિંગ યાર્ડ (કચરો ઠાલવવાની જગ્યા) આવેલું હોવાથી ગંદકી અને દુર્ગંધે માઝા મૂકી છે, જે લોકોના આરોગ્ય સાથે સીધા ચેડાં સમાન છે. સ્થાનિકોની એ પણ મૂંઝવણ છે કે આ સળંગ વિસ્તારને ત્રણ અલગ-અલગ વોર્ડમાં વહેંચી દેવામાં આવ્યો છે, જેનાથી કયા કોર્પોરેટરને રજૂઆત કરવી તે જ લોકોને સમજાતું નથી.
ચૂંટણી સમયે મોટા-મોટા વાયદાઓ કરતા નેતાઓને આ વખતે વોર્ડ-6 ની જનતા સબક શીખવાડવાના મૂડમાં જોવા મળી રહી છે.
આ પણ વાંચો:જૂનાગઢના ભવનાથ મેળામાં પોલીસ બની દેવદૂત, ખભા પર ઊંચકીને હાર્ટ એટેકના દર્દીનો જીવ બચાવ્યો
આ પણ વાંચો:શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને માઇનોર હાર્ટ એટેક, હોસ્પિટલમાં દાખલ
આ પણ વાંચો:હાર્ટ એટેકથી વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું મોત, CCTVમાં કેદ થઈ ઘટના
