Junagadh News/ જૂનાગઢના ભવનાથ મેળામાં પોલીસ બની દેવદૂત, ખભા પર ઊંચકીને હાર્ટ એટેકના દર્દીનો જીવ બચાવ્યો

જૂનાગઢ (Junagadh) ભવનાથ મેળામાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ વચ્ચે એક પોલીસ કર્મીએ માનવતા અને ફરજનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું. હાર્ટ એટેક આવેલ યુવાનને ખભા પર ઊંચકી દોડીને હોસ્પિટલ પહોંચાડતા તેનો જીવ બચી ગયો.

Top Stories Gujarat Others
Junagadh Police

જૂનાગઢના (Junagadh) પ્રખ્યાત ભવનાથ મેળામાં દર વર્ષે લાખો ભક્તો ઉમટી પડે છે. ગઈ કાલે સંતોની રવેડીના દર્શન માટે ભવનાથ વિસ્તારમાં બપોરથી જ માનવ મેદની ઉમટી પડી હતી. લોકો લાંબી લાઈનમાં ઉભા રહી દર્શનની રાહ જોઈ રહ્યા હતા. આવી ભારે ભીડ વચ્ચે કાયદો અને વ્યવસ્થા જાળવવી પોલીસ માટે મોટી જવાબદારી બની રહે છે. ચૌદ-ચૌદ કલાક સતત ફરજ બજાવતી પોલીસ માટે આ એક કઠિન પરીક્ષા સમાન સ્થિતિ હતી.

પોલીસે ખભા પર ઊંચકીને બચાવ્યો જીવ

આ દરમિયાન મંગલમ હોટલ સામે એકવીસ નંબરની પોલીસ રાવટી નજીક લાઈનમાં ઉભેલા આશરે 30 વર્ષીય યુવાનને અચાનક હાર્ટ એટેક આવ્યો. યુવાન બેભાન હાલતમાં જમીન પર ઢળી પડ્યો. આસપાસના લોકો ગભરાઈ ગયા અને તરત જ 108 પર કોલ કરવા લાગ્યા. પરંતુ એટલી ભારે ભીડ વચ્ચે એમ્બ્યુલન્સ કે કોઈપણ વાહન માટે ત્યાં સુધી પહોંચવું અશક્ય હતું. વાહનને પહોંચવામાં ઓછામાં ઓછો એક કલાક જેટલો સમય લાગી શકે તેવી પરિસ્થિતિ હતી.

જૂનાગઢમાં (Junagadh) ભવનાથ મેળામાં હતી લાખોની ભીડ

યુવાન જીવન અને મરણ વચ્ચે સંઘર્ષ કરી રહ્યો હતો. ત્યારે હાજર લોકોએ નજીકની પોલીસ રાવટીનો સંપર્ક કર્યો. ફરજ પર હાજર પોલીસ કર્મીઓ તરત જ સ્થળ પર પહોંચ્યા અને સ્થિતિને સમજી. એ સમયે પોલીસ હેડ કોન્સ્ટેબલ ઉમેદભાઈ મહેતા, જે અમરેલી જિલ્લામાંથી મેળાના ખાસ બંદોબસ્ત માટે મુકાયા હતા અને મૂળ બગસરાના રાજગોર બ્રાહ્મણ છે, તેમણે પળવારનો પણ વિચાર કર્યા વગર માનવતાનો નિર્ણય લીધો.

તેમણે સમજ્યું કે એમ્બ્યુલન્સ સમયસર પહોંચી શકશે નહીં. તેથી યુવાનનો જીવ બચાવવા તેઓએ તરત જ તેને પોતાના ખભા પર ઊંચકી લીધો અને ભવનાથ પોલીસ સ્ટેશન નજીક આવેલા ઇમરજન્સી સારવાર કેન્દ્ર તરફ દોડ મૂકી. ભારે ભીડ અને ગરમી વચ્ચે દોડવું સરળ નહોતું, છતાં ફરજ અને માનવતા બંનેને પ્રાથમિકતા આપીને તેઓ આગળ વધ્યા.

જૂનાગઢ (Junagadh) પોલીસના કાર્યથી બચ્યો જીવ

સમયસર સારવાર મળતાં યુવાનને ઓક્સિજન અને પ્રાથમિક સારવાર આપવામાં આવી. ડોક્ટરોએ જણાવ્યું કે થોડો પણ વધુ વિલંબ થયો હોત તો સ્થિતિ ગંભીર બની શકતી હતી. પોલીસ કર્મીના સમયસર નિર્ણય અને હિંમતભર્યા પગલાંના કારણે એક યુવાનનો જીવ બચી ગયો.

સમગ્ર ઘટનાનો વીડિયો યાત્રિકે કેદ કર્યો

આ સમગ્ર ઘટના દરમિયાન એક યાત્રિકે પોતાના મોબાઈલમાં વીડિયો રેકોર્ડ કર્યો હતો, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. અમારા પ્રતિનિધિ જયેશ દવે દ્વારા સંપર્ક કરતા પોલીસ કર્મીએ નમ્રતાપૂર્વક જણાવ્યું કે તેમણે માત્ર પોતાની ફરજ નિભાવી છે.

ભવનાથ મેળામાં પોલીસ દ્વારા કરવામાં આવેલ કિલ્લાબંધ સુરક્ષા વ્યવસ્થા તો પ્રશંસનીય છે જ, પરંતુ આ માનવતાવાદી કાર્યે લોકોના દિલ જીતી લીધા છે. પોલીસ માત્ર કાયદો જ નહીં, પરંતુ માનવતા અને સેવા ભાવના માટે પણ ઓળખાય છે, તેનું આ એક જીવંત ઉદાહરણ છે.


આ પણ વાંચો:મુખ્યમંત્રીએ વિધાનસભા દિવંગત પૂર્વ સભ્યોને શ્રદ્ધાંજલિ આપી

આ પણ વાંચો:રાજકોટની શિવ હોસ્પિટલ કેન્સર સર્જરી બાદ વિવાદ, સર્જરી પછી સુધારો નહીં, પરિવારનો આરોપ

આ પણ વાંચો:ગાંધીનગરમાં અમિત શાહની અધ્યક્ષતામાં સહકારિતા મંથન બેઠક, ગ્રામિણ અર્થતંત્રને નવી દિશા આપવાનો સંકલ્પ