ગુજરાત/ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થયેલા કામોસમી વરસાદ,જાણો શું કહ્યું કૃષિ મંત્રી રાઘવજી પટેલે

સુરત ખાતે આવેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં જે વરસાદ થયો હતો અને ત્યારબાદ તે સર્વે થયો છે.

Gujarat Surat
વરસાદ

@અમિત રૂપાપરા 

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતો ચિંતિત બન્યા છે. કારણ કે ખેડૂતોને ખેતરમાં પાણી ભરાઈ જતા ઉભો પાક નિષ્ફળ થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. તેને જ લઈને હવે ખેડૂતોની આશા રાજ્ય સરકાર પર છે કારણ કે ખેડૂતો સરકાર પાસે મદદની રાહ જોઈ રહ્યા છે. ત્યારે સુરત ખાતે આવેલા કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં મોટું નિવેદન આપવામાં આવ્યું હતું. માર્ચ મહિનામાં જે વરસાદ થયો હતો અને ત્યારબાદ તે સર્વે થયો છે. તેમાં ખેડૂતોને વળતરની જાહેરાત મુખ્યમંત્રી ટૂંક સમયમાં કરી શકે તેવું તેમને જણાવ્યું હતું.

મીડિયા સાથેની વાતચીત દરમિયાન કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા થોડા સમયથી સમગ્ર વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગ અને પર્યાવરણના બદલાવનો મોટો પ્રશ્ન ઉભો થયો છે. વાવાઝોડા, અતિવૃષ્ટિ માવઠા, ક્યાંક બરફ પડવો, ક્યાંક હીટ વેવના પ્રશ્નો ઊભા થવા આ પ્રશ્ન હવે આખા વિશ્વમાં હવે રોજિંદા બન્યા છે.

આખા માર્ચ મહિના દરમિયાન ગુજરાતમાં જુદા જુદા જિલ્લામાં માવઠાનો વરસાદ પડતો રહ્યો હતો. તેના કારણે ક્યાંકને ક્યાંક ખેડૂતોના ઉભા પાકને નુકસાન થયું હતું અને બીજી પણ અસરો થઈ હતી. આ તમામ પ્રશ્નો હવે રોજિંદા બની રહ્યા છે અને આ પ્રશ્નોનો સામનો કરવા માટે ખેડૂતોએ પણ પોતાની પાક પેટર્ન પર્યાવરણની સ્થિતિને અનુસાર બદલવી પડશે. કારણ કે આખરે કુદરત સામે આપણે બધા લાચાર છીએ અને કુદરતના પડકારોને ઝીલવા માટે આપણે તૈયારી રાખવી પડશે. પર્યાવરણની સ્થિતિને જોતા આપણી પાક લેવાની જે પદ્ધતિ છે તેમાં પણ ફેરફારો કરવા પડશે સરકાર ખેડૂતોને કાયમ મદદ કરે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નેમ છે કે ખેડૂતોને આવક ડબલ કરવી છે અને આ દિશામાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર કટિબદ્ધ છે અને ઘણી બધી સહાય કરી રહી છે. અમારી સરકાર કે જે ભુપેન્દ્રભાઈ પટેલની આગેવાની હેઠળ પાંચ વર્ષમાં 10,000 કરોડ કરતાં વધુની રકમની ખેડૂતોની સહાય કરી ચૂકી છે.

આ પરિસ્થિતિનો સામનો કરવા માટે ખેડૂતોએ પણ તૈયારી રાખવી પડશે. ઇઝરાયલમાં વરસાદ પડતો નથી. માત્ર ચાર ઇંચ વરસાદ ઇઝરાયેલમાં થાય છે અને રણ પ્રદેશમાં થતી ખેતી આખી દુનિયામાં જોવાલાયક છે અને ખૂબ સારો ઉત્પાદન ત્યાં થાય છે. આવી પરિસ્થિતિનો સામનો કરવા માટે આપણે પણ તૈયારી રાખવી પડશે. આપણે કુદરતી આફતોનો તો જ કાયમી સામનો કરી શકીશું.

માર્ચ મહિનામાં થયેલા માવઠા બાબતે મંત્રી રાઘવજી પટેલે કહ્યું હતું કે, ગત માર્ચ મહિનામાં જે માવઠું થયું હતું તે સમયે રવિ પાક લગભગ પાકવાની સ્થિતિ ઉપર હતો અને ખેડૂતોને ઉત્પાદન મળવાનું હતું તેવા સમયે જે તે જિલ્લામાં આ માવઠાનો વરસાદ થયો. તેના પરિણામે અમે સર્વે કરાવ્યો 13 જિલ્લાના 55 જેટલા તાલુકાના અલગ અલગ ગામડાઓમાં માવઠાના કારણે નુકસાન થયું. જે જે જગ્યા પર આવી પરિસ્થિતિ અમારા ધ્યાને આવી તેવી તમામ પરિસ્થિતિના અહેવાલ સરકાર પાસે આવ્યો છે. સરકારે વિચારણા કરી અને તેના ઉપર વળતરની રકમ આપવા અંગે આજકાલમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા નિર્ણય લેવામાં આવશે.

મંત્રી રાઘવજી પટેલે વધુમાં જણાવ્યું હતું કે, હવામાન વિભાગ જે રીતે માવઠાની આગાહી કરે તે તરત જ અમારા વિભાગ દ્વારા જે તે જિલ્લાના અધિકારીઓ દ્વારા ખેડૂતો અને માર્કેટિંગ યાર્ડને આ માહિતીની જાણ કરવામાં આવતી હોય છે. માર્કેટિંગ યાર્ડનો નિર્ણય સ્થાનિક બોર્ડ દ્વારા કરવામાં આવતો હોય છે અને તેનું નિયંત્રણ રાજ્યના સહકારી ખાતા મારફતે થાય છે. અમે માત્ર આગાહીની માહિતી આપી શકે અને વ્યવસ્થા કરવાનું સૂચન કરી શકીએ પરંતુ વ્યવસ્થા કરવાની જવાબદારી એ લોકોની હોય છે. આ ઉપરાંત અમે ખેડૂતોને પણ માહિતી આપતા હોઈએ છીએ કે માવઠાની કે વાવાઝોડાની આગાહી થતી હોય છે ત્યારે ખેડૂતોએ પોતાનો માલ સલામત રાખવો જોઈએ અને આવા સમયે પોતાનો માલ વેચવા માટે યાર્ડમાં જવું જોઈએ નહીં.

આ પણ વાંચો:સુરતમાં એક જ દિવસમાં એક જ ઘરમાં 2 લોકોના હાર્ટ એટેકથી મોત

આ પણ વાંચો:પતિએ પત્નીને કરી વ્યાજખોરોના હવાલે, છૂટાછેડા બાદ મહિલાએ ખોલ્યું રાઝ…

આ પણ વાંચો:ઓવરફંડિંગ દ્વારા મિલકતનું મૂલ્ય ઊંચું બતાવી વધુ લોન અપાવવાનું કૌભાંડઃ બેન્કને ચોપડ્યો 31 કરોડનો ચૂનો

આ પણ વાંચો:સુરતમાં નકલી પોલીસ બનીને 1700 રૂપિયા પડાવનાર ઝડપાયો, 50 CCTV ફૂટેજ ચેટ કરી પોલીસે આરોપીને પકડ્યો

આ પણ વાંચો:સરકારની તિજોરીને 15,000 કરોડનો ફટકો મારતું GST ચોરીનું મોટું કૌભાંડ