Gujarat Congress Candidate List: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ફોર્મ ભરવાની અંતિમ તારીખ નજીક આવી રહી છે, ત્યારે ઉમેદવારોની પસંદગીને લઈને કોંગ્રેસ છાવણીમાં ભારે મંથન ચાલી રહ્યું છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, કોંગ્રેસ આજે પોતાની ઉમેદવારોની બીજી યાદી જાહેર કરશે નહીં. બાકી રહેલા ઉમેદવારોના નામ ફાઈનલ કરવા માટે આજે પ્રદેશ કોંગ્રેસની એક અત્યંત મહત્વની બેઠક યોજાવા જઈ રહી છે, પરંતુ આ બેઠક પ્રદેશ કાર્યાલય પર નહીં, પરંતુ એક ‘ગુપ્ત સ્થળે’ મળવાની છે.
દાવેદારોની ભીડથી બચવા Congressનો નવો કીમિયો
સામાન્ય રીતે કોંગ્રેસની કોર કમિટીની આવી બેઠકો પ્રદેશ કાર્યાલય ‘રાજીવ ગાંધી ભવન’ ખાતે યોજાતી હોય છે. પરંતુ, ચૂંટણી સમયે ટિકિટના દાવેદારો, તેમના સમર્થકો અને ભલામણ લઈને આવતા નેતાઓ મોટી સંખ્યામાં કાર્યાલય પર ઉમટી પડતા હોય છે, જેના કારણે ભારે હોબાળો અને દબાણ ઉભું થાય છે. આ ભીડ અને ભલામણોથી બચવા માટે જ પ્રદેશ નેતાગિરીએ આજે મોડી રાત્રે એક અજ્ઞાત (ગુપ્ત) સ્થળે બેઠક કરવાનું નક્કી કર્યું છે. સૂત્રોના જણાવ્યા મુજબ, આ બેઠક મોડી રાત્રે શરૂ થઈને વહેલી સવાર સુધી ચાલશે.

પંચાયત, પાલિકા અને AMC ના બાકી ઉમેદવારો પર લાગશે મહોર
પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની ઉપસ્થિતિમાં યોજાનારી આ મેરેથોન બેઠકમાં શહેર, તાલુકા અને જિલ્લા પ્રમુખોને હાજર રહેવા જણાવાયું છે, જેની સાથે ઉમેદવારોની સેન્સ પ્રક્રિયામાં ફરજ બજાવનારા ઓબ્ઝર્વરોને પણ ખાસ બોલાવવામાં આવ્યા છે. આગામી 11 તારીખે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી આજની રાત્રિ બેઠકમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના બાકી રહેલા વોર્ડના ઉમેદવારોના નામ પર આખરી મહોર મારવામાં આવશે. આ ઉપરાંત, અમદાવાદ મનપાના બાકી રહેલા વોર્ડ માટે શહેર સમિતિ દ્વારા અપાયેલા નામોની પણ 14 ઓબ્ઝર્વરો સાથે ચર્ચા કરાશે. આમ, મોડી રાત સુધીના મંથન બાદ આવતીકાલે કોંગ્રેસની બહુપ્રતિક્ષિત બીજી યાદી જાહેર થઈ શકે છે.
પ્રથમ યાદીમાં 243 નિર્વિવાદિત નામો થયા હતા જાહેર
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત 4 તારીખે પ્રદેશ સહ-પ્રભારી બી.વી. શ્રીનિવાસ, દેવેન્દ્ર યાદવ અને અમિત ચાવડા વચ્ચે રાત્રે 2 વાગ્યા સુધી ચાલેલી બેઠક બાદ, 5 તારીખે કોંગ્રેસે પોતાની પ્રથમ યાદી જાહેર કરી હતી. આ યાદીમાં 243 જેટલા ઉમેદવારોના નામ હતા. જોકે, આ પ્રથમ યાદીમાં જામનગર, ભાવનગર, સુરત, મોરબી, રાજકોટ, વડોદરા અને અમદાવાદ જેવા મહાનગરોની માત્ર એવી બેઠકોના નામ જ જાહેર કરાયા હતા જ્યાં કોઈ વિવાદ નહોતો. હવે જે બેઠકો પર પેચ ફસાયેલો છે, તેનો અંતિમ ઉકેલ આજની ગુપ્ત બેઠકમાં લવાશે.
આ પણ વાંચો: ઉમરેઠ પેટાચૂંટણી: કોંગ્રેસે ભૃગુરાજ ચૌહાણના નામ પર મોહર!
આ પણ વાંચો: રાહુલે કહ્યું Congress ની સરકાર બનશે તો 10 દિવસમાં તમામ ખેડૂતોના દેવાં માફ
આ પણ વાંચો: Congress દ્વારા ગુજરાત સરકાર સામે અવિશ્વાસની દરખાસ્ત લવાઈ
