Maharashtra News : મહારાષ્ટ્રના રાજકારણમાં ફરી એકવાર નવી રાજકીય સમીકરણો રચાવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના બંને જૂથો ફરી એક થઈ શકે છે તેવી ચર્ચાઓએ રાજકીય વર્તુળોમાં જોર પકડ્યું છે. છેલ્લા 48 કલાક દરમિયાન વરિષ્ઠ નેતા શરદ પવાર (Sharad Pawar)અને પાર્થ પવાર વચ્ચે થયેલી બે લાંબી મુલાકાતોએ આ અટકળોને વધુ વેગ આપ્યો છે. જોકે, બંને જૂથના નેતાઓ તરફથી વિલીનીકરણ (NCP Merger)અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
48 કલાકમાં બે બેઠકો, રાજકીય ચર્ચાઓ તેજ
છેલ્લા બે દિવસમાં પાર્થ પવાર (Parth Pawar)અને શરદ પવાર (Sharad Pawar)વચ્ચે બે વખત મુલાકાત થઈ હોવાનું સામે આવ્યું છે. બંને મુલાકાત અંદાજે બે-બે કલાક ચાલી હતી. આ બેઠકોમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થઈ તે અંગે કોઈ સત્તાવાર વિગતો જાહેર કરવામાં આવી નથી. જોકે, ટૂંકા ગાળામાં થયેલી આ બે મુલાકાતોને કારણે NCPના બંને જૂથો વચ્ચે સમાધાન અને એકતાની શક્યતાઓ અંગે ચર્ચાઓ શરૂ થઈ છે.
NCPના વિલીનીકરણની અટકળો વચ્ચે ગુપ્ત બેઠકની ચર્ચા
રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, NCPના બંને જૂથો વચ્ચે વિલીનીકરણ (NCP Merger)ને લઈને ચર્ચાઓ ચાલી રહી છે અને આ પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોવાની પણ ચર્ચા છે. અગાઉ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં શરદ પવાર સારવાર લઈ રહ્યા હતા ત્યારે પાર્થ પવાર (Parth Pawar), મહારાષ્ટ્રનાં ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવાર અને સાંસદ સુપ્રિયા સુલે વચ્ચે બેઠક થઈ હોવાના અહેવાલો પણ સામે આવ્યા હતા. જોકે, આ બેઠકમાં રાજકીય સમાધાન અંગે ચર્ચા થઈ હતી કે નહીં તે સ્પષ્ટ થયું નથી.
પ્રફુલ્લ પટેલ પણ શરદ પવાર સાથે કરશે મુલાકાત
NCPના નેતા પ્રફુલ્લ પટેલે (Praful Patel)પણ શરદ પવાર (Sharad Pawar)સાથે મુલાકાત કરવાની વાત કહી છે. તેમના જણાવ્યા અનુસાર, દિવાળી બાદ 10 નવેમ્બરથી તેઓ મુંબઈમાં રહેશે અને શરદ પવારના ખબરઅંતર પૂછવા જશે. પાર્થ પવારની શરદ પવાર સાથેની મુલાકાત અંગે પ્રફુલ્લ પટેલે જણાવ્યું હતું કે આ મુલાકાત માત્ર તબિયતના સમાચાર જાણવા માટે હતી. તેમાં કોઈ રાજકીય ચર્ચા થઈ નહોતી.
સંજય શિરસાટે વિલીનીકરણને લઈને કર્યો મોટો દાવો
મહારાષ્ટ્રના મંત્રી અને શિવસેના નેતા સંજય શિરસાટે NCPના બંને જૂથોના વિલીનીકરણ (NCP Merger)અંગે મોટો દાવો કર્યો છે. તેમના મતે બંને જૂથો વચ્ચે વિલીનીકરણની પ્રક્રિયા અંતિમ તબક્કામાં હોય તેવું લાગી રહ્યું છે. તેમણે કહ્યું કે રાજકીય સ્તરે હિલચાલ ચાલી રહી છે અને હવે કયા જૂથનું કોની સાથે વિલીનીકરણ થાય છે તે જોવાનું બાકી છે. સાથે જ આગામી સમયમાં નેતાઓની નવી ભૂમિકાઓ પણ નક્કી થઈ શકે છે.
હાલમાં NCPના બંને જૂથો તરફથી એક થવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ શરદ પવાર અને પાર્થ પવાર વચ્ચેની સતત મુલાકાતો તથા પ્રફુલ્લ પટેલ અને સંજય શિરસાટનાં નિવેદનોએ મહારાષ્ટ્રના રાજકારણમાં નવી ચર્ચા જગાવી છે. આગામી દિવસોમાં બંને જૂથો વચ્ચે કોઈ મોટો નિર્ણય લેવાય છે કે કેમ તેના પર સૌની નજર રહેશે.
