Share Market Crash: સપ્તાહનો છેલ્લો ટ્રેડિંગ દિવસ એટલે કે શુક્રવાર ભારતીય શેરબજાર અને રોકાણકારો માટે ભારે નિરાશાજનક સાબિત થયો છે. બજાર ખુલતાની સાથે જ શરૂ થયેલી ભારે વેચવાલીએ આખા દિવસ દરમિયાન દબાણ બનાવી રાખ્યું હતું. રૂપિયો નબળો પડવા અને ગ્લોબલ માર્કેટના ખરાબ સેન્ટિમેન્ટના કારણે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટો કડાકો બોલી ગયો હતો.
રોકાણકારોને રાતા પાણીએ રોવાનો વારો
શુક્રવારના ટ્રેડિંગ સેશનમાં BSE સેન્સેક્સ લગભગ 1,050 પોઇન્ટ તૂટીને 81,159 ના સ્તરે આવી ગયો હતો. જ્યારે નિફ્ટી 50 ઇન્ડેક્સ પણ 300 પોઇન્ટથી વધુનો ગોથું ખાઈને 25,200 ની નીચે સરકી ગયો હતો.
આ સતત બીજા સેશનમાં આવેલા મોટા ઘટાડાને કારણે BSE પર લિસ્ટેડ તમામ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને ₹463 લાખ કરોડ પર આવી ગયું છે. એક જ દિવસમાં રોકાણકારોની સંપત્તિમાંથી ₹5.5 લાખ કરોડ સ્વાહા થઈ ગયા છે.

Share Market: કયા સેક્ટરમાં મચ્યો હાહાકાર?
શેરબજારમાં આજે FMCG, Auto, Realty અને Pharma જેવા મુખ્ય સેક્ટરમાં સૌથી વધુ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. બજારના ટોપ લૂઝર્સની યાદીમાં સન ફાર્મા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી એરટેલ અને બજાજ ફિનસર્વના શેરો મોખરે રહ્યા હતા, જેમાં મોટું ગાબડું પડ્યું હતું. બીજી તરફ, IT સેક્ટરની કામગીરી પણ નિરાશાજનક રહી હતી.
શરૂઆતમાં આ સેક્ટરમાં થોડી તેજી દેખાઈ હતી, પરંતુ દિવસના અંત સુધીમાં તેણે પોતાની તમામ કમાણી ગુમાવી દીધી હતી. જોકે, આ નબળા માહોલ વચ્ચે પણ ઇન્ફોસિસ (Infosys) અને HCL ટેક ગેઇનર્સ તરીકે ઊભરી આવ્યા હતા, જ્યારે TCS નુકસાન સાથે લાલ નિશાનમાં બંધ થયો હતો.
બજાર તૂટવા પાછળના 3 મુખ્ય કારણો
બજારમાં કડાકા પાછળ મુખ્ય ત્રણ કારણો જવાબદાર રહ્યા છે. પ્રથમ કારણ વિદેશી રોકાણકારો (FII) દ્વારા કરવામાં આવેલી જંગી વેચવાલી છે, જેમણે ભારતીય બજારમાંથી નાણાં ખેંચવાનું ચાલુ રાખી NSEના ડેટા મુજબ અંદાજે ₹3,466 કરોડના શેર વેચી દીધા છે. બીજું અને સૌથી મહત્વનું કારણ ગ્લોબલ માર્કેટમાં સર્જાયેલું જિયો-પોલિટિકલ ટેન્શન છે.
અમેરિકા અને ઈરાન વચ્ચે ન્યુક્લિયર ડીલ પર સહમતિ ન સધાતા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આકરાં પગલાં લઈ યુદ્ધ જહાજો અને એરક્રાફ્ટ તૈનાત કર્યા છે, તેમજ 10-15 દિવસનું અલ્ટીમેટમ અપાતા વિશ્વભરના બજારોમાં યુદ્ધનો ભય છવાયો છે. ત્રીજું કારણ અમેરિકન શેરબજારમાં ટેક શેરોનું ધોવાણ છે, જ્યાં NASDAQ નીચે બંધ થયો હતો અને Nvidia જેવી દિગ્ગજ કંપનીના શેરમાં 5%, Alphabet માં 2% તેમજ Amazon માં 1% નો ઘટાડો નોંધાતા તેની સીધી અસર ભારતીય બજાર પર પણ જોવા મળી છે.
આ પણ વાંચો: શેરબજારમાં ઘટાડા વચ્ચે સોનાં-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક ઉછાળો, ચાંદી ₹4 લાખને પાર
આ પણ વાંચો: શું ફેડની બેઠકથી બજાર પર અસર? આજે નિફ્ટી 225 પોઈન્ટ ઘટ્યો
આ પણ વાંચો: શેરબજાર : એક જ ઝાટકે રોકાણકારોના ₹10 લાખ કરોડ સ્વાહા
