Shihori Patan Highway Hit and Run: બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાં હાઇવે પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે. શિહોરી-પાટણ હાઇવે પર શિહોરી બ્લોકની ફેક્ટરી પાસે એક ગમખ્વાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં એક બેફામ પીકઅપ ડાલાએ બાઇક સવાર યુવકને અડફેટે લેતા તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે.
શું હતી સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, કાંકરેજ તાલુકાના શિહોરી-પાટણ હાઇવે પર એક બાઇક સવાર ઠાકોર યુવક પસાર થઈ રહ્યો હતો. આ દરમિયાન શિહોરી બ્લોકની ફેક્ટરી સામે પૂરપાટ ઝડપે આવી રહેલા એક પીકઅપ ડાલાના ચાલકે ગફલતભરી રીતે બાઇકને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકને શરીરના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. માનવતા નેવે મૂકીને અકસ્માત સર્જી પીકઅપ ચાલક પોતાનું વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
સારવાર દરમિયાન તોડી દમ
અકસ્માતની જાણ થતા જ આસપાસના લોકો મદદે દોડી આવ્યા હતા અને તાત્કાલિક રાહત કામગીરી શરૂ કરી હતી. પાલનપુર ટ્રાફિક પોલીસના અધિકારી અને તેમનો સ્ટાફ પણ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર બાદ તેણે દમ તોડ્યો હતો.
Shihori પોલીસે ગુનો નોંધી તપાસ તેજ કરી
આ ઘટના અંગે શિહોરી પોલીસે ફરાર થઈ ગયેલા પીકઅપ ડાલાના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના આધારે અજાણ્યા વાહનચાલકને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. યુવકના અકાળે અવસાનથી તેના પરિવારમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ છે.
