Surat News: સુરત શહેરમાં અંધશ્રદ્ધા (Surat Superstition Fraud Case)નો લાભ લઈ ભોળા લોકોને નિશાન બનાવતી એક શાતિર ઠગ ટોળકીનો લસકાણા પોલીસે પર્દાફાશ કર્યો છે. આ ગેંગ પોતાને ધાર્મિક વ્યક્તિ તરીકે ઓળખાવી, ઘરમાં ‘પિતૃદોષ’, બીમારી અને આર્થિક મુશ્કેલીઓ હોવાનું કહી પરિવારોને ડરાવતી હતી. ત્યારબાદ તાંત્રિક વિધિના બહાને સોનાના દાગીના અને રોકડ રકમ લઈ ફરાર થઈ જતી હતી. પોલીસ તપાસમાં રાજકોટના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી ઓગાળેલી સોનાની લગડીઓ તથા રોકડ રકમ કબજે કરવામાં આવી છે.
રાજકોટથી સુરત આવી કાઠીયાવાડી પરિવારોને બનાવતા હતા નિશાન
પોલીસના જણાવ્યા મુજબ આરોપીઓ રાજકોટથી એસટી બસ મારફતે સુરત આવતા હતા અને ખાસ કરીને કાઠીયાવાડી પરિવારો રહેતા વિસ્તારોમાં ફરીને એકલા વૃદ્ધો અથવા મહિલાઓને વાતોમાં ફસાવતા હતા. તેઓ પોતાને ‘રામાપીરના મંડળ’ સાથે જોડાયેલા હોવાનું કહી વિશ્વાસ જીતતા અને પછી ‘ઘરમાં પિતૃદોષ છે, એટલે બીમારી રહે છે અને પૈસા ટકતા નથી’ કહી માનસિક રીતે ડર ઉભો કરતા હતા.
Surat Superstition Fraud Case: વિધિના નામે ચાલતી હતી છેતરપિંડી
પરિવાર વિશ્વાસમાં આવ્યા બાદ આરોપીઓ ગ્લાસ, કંકુ, ચોખા અને પાણી મંગાવી ધાર્મિક વિધિનું નાટક કરતા હતા. ત્યારબાદ ઘરના સોનાના દાગીના મંગાવી, નજર ચૂકવીને દાગીના પોતાની પાસે રાખી ફરાર થઈ જતા હતા. ઓળખ છુપાવવા માટે તેઓ દાગીનાં ઓગાળીને સોનાની નાની લગડીઓ બનાવી દેતા હતા.
ત્રણ પરિવારો બન્યા શિકાર
તપાસમાં સામે આવ્યું છે કે લસકાણા અને ઉત્રાણ વિસ્તારમાં ત્રણ અલગ-અલગ પરિવારો સાથે સમાન પદ્ધતિથી ઠગાઈ કરવામાં આવી હતી.
એક પરિવારમાં કેન્સરગ્રસ્ત સભ્યની બીમારીનો લાભ લઈ આશરે ₹1.55 લાખના દાગીના અને રોકડ પડાવી લેવામાં આવ્યા.
બીજા પરિવારમાં પિતૃદોષ દૂર કરવાની વિધિના બહાને અંદાજે ₹70 હજારના સોનાના દાગીના અને રોકડની છેતરપિંડી થઈ.
ત્રીજા પરિવારમાં ધાર્મિક વિધિ દરમિયાન બે સોનાની વીંટીઓ ગાયબ કરી દેવામાં આવી હતી.
Surat Superstition Fraud Case: આ રીતે લોકોનો વિશ્વાસ જીતતા હતા
પોલીસ તપાસમાં ટોળકીની મોડસ ઓપરેન્ડી પણ સામે આવી છે.
પહેલા પરિવારની આર્થિક અને પારિવારિક સ્થિતિ જાણતા.
પછી પિતૃદોષ અથવા અનિષ્ટનો ડર બતાવતા.
ધાર્મિક વિધિ અને ચમત્કારનો દેખાવ કરીને વિશ્વાસ જીતતા.
અંતે દાગીના અથવા મોટી રકમ મંગાવી છેતરપિંડી કરતા.
પોલીસે શું કબજે કર્યું?
પોલીસે આરોપીઓ પાસેથી ત્રણ અલગ-અલગ ગુનાઓમાં ઓગાળેલી સોનાની લગડીઓ અને રોકડ રકમ કબજે કરી છે. સાથે જ લસકાણા પોલીસ સ્ટેશનનો એક અને ઉત્રાણ પોલીસ સ્ટેશનના બે સહિત કુલ ત્રણ ગુનાઓનો ભેદ ઉકેલી લીધો છે.
Surat Superstition Fraud Case: પોલીસે લોકોને કરી અપીલ
પોલીસે નાગરિકોને અંધશ્રદ્ધા (Surat Superstition Fraud Case), તાંત્રિક વિધિ અથવા ચમત્કારના નામે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ ન કરવા અપીલ કરી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ ધાર્મિક વિધિના બહાને ઘરેણાં કે રોકડ રકમ માંગે તો તરત નજીકના પોલીસ મથકમાં જાણ કરવાની સલાહ આપવામાં આવી છે.
આ પણ વાંચો:અંધશ્રદ્ધાનો ખૌફનાક ચહેરો! ધ્રાંગધ્રામાં તાંત્રિક મહિલાએ 4 વર્ષના બાળકનો જીવ લીધો
આ પણ વાંચો:જિનનો ડર બતાવીને મહિલાઓનું કર્યું જાતીય શોષણ, તાંત્રિક કમરુદ્દીને 8 હત્યા કબૂલી
