પિતૃઓની સંતુષ્ટિ માટે પિતૃપક્ષ સિવાય વર્ષના અન્ય દિવસોમાં પણ શ્રાદ્ધ કરી શકાય છે. આ અંગે મહાભારત અને નારદ પુરાણમાં ઉલ્લેખવામાં આવેલાં દિવસોની ગણતરી કરવામાં આવે તો 96 દિવસ એવા હોય છે જેમાં શ્રાદ્ધ કરી શકાય છે. આ પ્રકારે દર મહિનામાં 4 કે 5 દિવસ એવા આવે છે જેમાં પિતૃઓની સંતુષ્ટિ માટે તર્પણ, પિંડદાન અને બ્રાહ્મણ ભોજન કરાવી શકાય છે. તેમાં દર મહિને આવતી અમાસ, સૂર્ય સંક્રાંતિ, વૈધૃતિ અને વ્યતિપાત યોગ છે. સાથે જ અન્ય પર્વ અને ખાસ તિથિઓમાં પિતૃ કર્મ કરી શકાય છે.
પુરાણ પ્રમાણે શ્રાદ્ધનો સમય-
કૂર્મ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે, શ્રાદ્ધ કરવા માટે જરૂરી વસ્તુ, બ્રાહ્મણ અને સંપત્તિ મળી જવાથી સમય અને દિવસ સાથે જોડાયેલાં નિયમો ઉપર વિચાર કર્યા વિના કોઇપણ દિવસે શ્રાદ્ધ કરી શકાય છે. વરાહ પુરાણમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે, સામગ્રી અને પવિત્ર જગ્યા મળી જવાથી શ્રાદ્ધ કરવાથી તેનું સંપૂર્ણ ફળ મળે છે. આ જ પ્રકારે મહાભારતના અશ્વમેધિક પર્વમાં શ્રીકૃષ્ણએ પણ કહ્યું છે કે, જે સમયે પણ બ્રાહ્મણ, દહીં, ઘી, કુશા, ફૂલ અને સારી જગ્યા મળી જાય તે સમયે શ્રાદ્ધ કરી દેવું જોઇએ.
શ્રાદ્ધ માટેના 96 દિવસ
દર મહિને આવતી અમાસના દિવસે શ્રાદ્ધ કરી શકાય છે, ઉલ્લેખનીય છે કે, વર્ષ દરમિયાન 12 અમાસ આવે છે. જ્યારે ચાર યુગાદિ તિથિઓમાં પણ શ્રાદ્ધ કરાય છે. કારતક મહિનાના સુદ પક્ષની નવમી તિથિ, વૈશાખ મહિનાના સુદ પક્ષની તીજ તિથિ, મહા મહિનાની અમાસ અને ભાદરવા મહિનાના વદ પક્ષની તેરસ તિથિએ શ્રાદ્ધ કરવાથી પિતૃ સંતુષ્ટ થાયછે. આ ઉપરાંત મન્વાદિ તિથિઓમાં ફાગળ, અષાઢ, કારતક, જેઠ અને ચૈત્ર મહિનાની પૂનમ. સાથે જ, શ્રાવણ મહિનાની અમાસના રોજ શ્રાદ્ધ કરી શકાય છે. કારતક મહિનાના સુદ પક્ષની બારસ તિથિ, આસો મહિનાના સુદ પક્ષની નોમ તિથિ, ચૈત્ર મહિનાના સુદ પક્ષની તીજ તિથિ, ભાદરવા મહિનાના સુદ પક્ષની તીજ તિથિ, પોષ મહિનાના સુદ પક્ષની અગિયારસ, અષાઢ મહિનાના સુદ પક્ષની દસમ તિથિ, મહા મહિનાના સુદ પક્ષની સાતમ તિથિ અને ભાદરવા મહિનાના વદ પક્ષની આઠમ તિથિએ શ્રાદ્ધ કરી શકાય છે. 12 સંક્રાંતિ પ્રમાણે દર મહિનાની 13 થી 17 તારીખની વચ્ચે સૂર્ય રાશિ બદલે છે. જે દિવસે સૂર્ય રાશિ બદલે છે તેને સંક્રાંતિ કહેવાંમાં આવે છે. 12 વૈધૃતિ યોગ પ્રમાણે પણ પ્રમાણે પણ શ્રાદ્ધ થાય છે, ગ્રહોની સ્થિતિથી દર મહિને વૈધૃતિ યોગ બને છે. 12 વ્યાતિપાત યોગમાં ખાસ નક્ષત્ર અને વાર મળીને આ યોગ બનાવે છે. આ દિવસે પણ પિતૃઓ માટે શ્રાદ્ધ કરી શકાય છે. 15 મહાલયમાં દર વર્ષે આસો મહિનામાં આવતાં પિતૃપક્ષમાં શ્રાદ્ધ કરી શકાય છે. આ સિવાય 5 અષ્ટકા, 5 અનવષ્ટિકા અને 5 પૂર્વેદ્યુ પર પણ પિતૃઓ માટે શ્રાદ્ધ કરી શકાય છે.
