Ahmedabad News : તાજેતરમાં યોજાયેલા અમદાવાદના એક કાર્યક્રમમાં રાજ્યના શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનસેરિયા(Praful Pansuriya)એ બાળકો પર શિક્ષણના ભારણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આજકાલ વાલીઓ બાળકોને વધુ ટકા લાવવા માટે દબાણ કરે છે, જેના કારણે તેઓ અજાણતા જ પોતાના બાળકોના દુશ્મન બની રહ્યા છે. મંત્રીએ ભારપૂર્વક જણાવ્યું કે બાળકોને માત્ર ડોક્ટર કે એન્જિનિયર બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે તેમને સહકારી, વિવેકી અને વ્યસનમુક્ત વ્યક્તિ તરીકે વિકસાવવા વધુ જરૂરી છે.
શિક્ષણમંત્રીએ બાળકો દ્વારા મોબાઈલ અને સોશિયલ મીડિયા (Social Media)ના વધી રહેલા ઉપયોગ પર પણ ગંભીર ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે અમરેલી (Amreli)માં બનેલી એક ઘટનાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે મોબાઈલના કારણે બાળકો ખતરનાક વસ્તુઓનો ઉપયોગ કરવા પ્રેરાય છે, જેમ કે બ્લેડથી શરીર પર ઘા મારવા. વધુમાં, હિંસક વીડિયો ગેમ્સની બાળકોના માનસિક સ્વાસ્થ્ય પર પડતી નકારાત્મક અસર અંગે પણ તેમણે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે સરકાર આ બાબતે ગંભીર છે અને બાળકો દ્વારા મોબાઈલ અને સોશિયલ મીડિયા (Social Media)ના ઉપયોગને નિયંત્રિત કરવા માટે બૌદ્ધિકો સાથે ચર્ચા કરી રહી છે. આ ચર્ચાના અંતે સરકાર દ્વારા ટૂંક સમયમાં એક સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (SOP) તૈયાર કરવામાં આવશે.
શિક્ષણમંત્રી પાનસેરિયા (Pansuriya)એ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, મોબાઈલનું દૂષણ માત્ર અમરેલી (Amreli)ની ઘટના પૂરતું સીમિત નથી, પરંતુ તે એક ગંભીર સમસ્યાનું માત્ર એક ઉદાહરણ છે. તેને ઉમેર્યું કે બાળકોને આ હાનિકારક પ્રવૃત્તિઓથી બચાવવા માટે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી મુખ્યમંત્રી નિષ્ણાતો સાથે સતત સંપર્કમાં છે અને આ અંગે માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી રહી છે, જે ટૂંક સમયમાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.
બાળકો પરના દબાણ અંગે વાત કરતાં મંત્રીએ કહ્યું કે, આજકાલના માતાપિતા પોતાના બાળકોને ડોક્ટર, એન્જિનિયર કે અન્ય કોઈ ક્ષેત્રમાં સફળ જોવા માંગે છે, પરંતુ આગામી 10 વર્ષમાં તેમની સૌથી મોટી ચિંતા એ હશે કે તેમનું બાળક શિક્ષિત હોવાની સાથે વિવેકી પણ બને. તેને વર્તમાન સમયમાં યુવાનોમાં વધી રહેલા ડિપ્રેશન અને ડ્રગ્સના વ્યસનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે યુવાધનને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ આપવું અત્યંત જરૂરી છે. તેમણે વાલીઓને અપીલ કરી કે તેઓ બાળકો પર વધુ પડતું દબાણ ન કરે અને તેમને પ્રેમ તથા સદભાવનાનું વાતાવરણ પૂરું પાડે તે જરૂરી જણાય છે.
કાર્યક્રમમાં હાજર રહેલા NCTEના ચેરમેન પંકજ અરોરાએ નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષકો માટે શરૂ કરવામાં આવેલા વિવિધ પ્રોગ્રામ્સ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે યોગા, ફિઝિકલ એજ્યુકેશન, સંસ્કૃત અને આર્ટ જેવા પ્રોગ્રામ્સ હવે ધોરણ 12 પછી 4 વર્ષના રહેશે, જેમાં 160 ક્રેડિટ સિસ્ટમ લાગુ થશે. વધુમાં, તેમણે બીએડ (B.Ed.) કોર્સના સમયગાળામાં કરવામાં આવેલા ફેરફારો વિશે પણ માહિતી આપી હતી. હવેથી જે વિદ્યાર્થીઓએ ચાર(04) વર્ષનું ગ્રેજ્યુએશન અથવા પોસ્ટ-ગ્રેજ્યુએશન કર્યું હશે તેઓ એક વર્ષનો બીએડ (B.Ed) કોર્સ કરી શકશે, જ્યારે ત્રણ(03) વર્ષનું ગ્રેજ્યુએશન કરનારા વિદ્યાર્થીઓએ બે(2) વર્ષનો બીએડ (B.Ed.) કોર્સ કરવો પડશે. એમ.એડ (M.Ed.)ના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ફુલ ટાઈમ એમ.એડ(M.Ed.) એક વર્ષનું અને પાર્ટ ટાઈમ એમ.એડ બે વર્ષનું રહેશે.
ચેરમેન અરોરાએ બીએડ (B.Ed.) અને એમએડ (M.Ed.)ની ડમી કોલેજો સામે NCTE દ્વારા કરવામાં આવી રહેલી કાર્યવાહી વિશે પણ માહિતી આપી હતી. તેમણે જણાવ્યું કે NCTEના ધ્યાનમાં 2900 જેટલી કોલેજોમાં ગેરરીતિઓ જોવા મળી છે, જેમાં વિદ્યાર્થીઓની ઓછી હાજરી અને નિયમોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું છે. NCTE આ બાબતે સખત કાર્યવાહી કરશે અને 31 માર્ચ સુધીમાં આ કોલેજો સામે પગલાં લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષા વિભાગે NCTEને આ કોલેજો સામે કાર્યવાહી કરવાની સ્વતંત્રતા આપી છે, જેમાં પ્રથમ નોટિસ આપવામાં આવશે અને ત્યારબાદ મળેલા ખુલાસાના આધારે આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે.
આ પણ વાંચો: મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા લોકો સરકારની મહત્વની સૂચના
આ પણ વાંચો: મોબાઈલની લતે છીનવી લીધું છે બાળકોનું બાળપણ, આ રીતે સુધારી શકો છે તેમનું જીવન
આ પણ વાંચો: બાળકોને મોબાઈલ આપવું ઘાતક, માતાએ ફોન પડાવી લેતા પુત્રના બેટના ફટકાથી પ્રહાર, Viral Video