Rajsthan Sikar Bike Accident CCTV Video: રાજસ્થાનના સીકર સ્થિત રીકો ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે. બે બાઈક વચ્ચે થયેલી સામસામેની ટક્કરમાં 4 લોકો હવામાં ફંગોળાયા હતા. આ દુર્ઘટનામાં 20 વર્ષીય આદિત્ય નાયકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જે જોઈને કોઈ પણનું કાળજું ધ્રૂજી ઉઠે તેમ છે.
Sikar : કેવી રીતે સર્જાયો અકસ્માત?
6 ફેબ્રુઆરીની સાંજે સાડા સાત વાગ્યાની આસપાસ આદિત્ય નાયક તેની એક પરિચિત યુવતી સાથે બાઈક પર ઈન્ડસ્ટ્રિયલ એરિયા તરફ જઈ રહ્યો હતો. આ દરમિયાન સામેથી પૂરપાટ ઝડપે આવી રહેલા અન્ય એક બાઈકે તેમને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઈક પર સવાર 4 લોકો રસ્તા પર દૂર સુધી ફંગોળાયા હતા. આદિત્ય ગંભીર રીતે ઘાયલ થયો હતો, જ્યારે યુવતીને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. બીજી બાઈક પર સવાર બંને યુવકો પણ લોહીલુહાણ થયા હતા.

જયપુરમાં સારવાર દરમિયાન તોડ્યો દમ
અકસ્માત બાદ આદિત્યને તાત્કાલિક સીકરની હોસ્પિટલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે જયપુર રિફર કરવામાં આવ્યો હતો. જયપુરની નિમ્સ હોસ્પિટલમાં 7 ફેબ્રુઆરીની બપોરે આદિત્યએ અંતિમ શ્વાસ લીધા હતા. આજે 8 ફેબ્રુઆરીએ તેનું પોસ્ટમોર્ટમ કરીને મૃતદેહ પરિજનોને સોંપવામાં આવ્યો છે.
પરિવારનો એકમાત્ર આધાર છીનવાયો
આદિત્યના મોતથી તેના પરિવાર પર આભ તૂટી પડ્યું છે. તેના પિતાનું બે વર્ષ પહેલા જ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. ઘરમાં આદિત્ય જ એકમાત્ર કમાનાર સભ્ય હતો. તેના માથે નાના ભાઈ અને બહેનના અભ્યાસની જવાબદારી હતી. હવે તેના જવાથી બે માસૂમ ભાઈ-બહેન અને માતા નિરાધાર બની ગયા છે. ઉદ્યોગ નગર પોલીસે આ મામલે કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો:અમદાવાદમાં BRTS ટ્રેક પર ગૌવંશની તસ્કરી કરતી કારનો ભયંકર અકસ્માત
આ પણ વાંચો:અમદાવાદમાં હચમચાવતો અકસ્માત: CG રોડ પર યુવકને બાઈકએ ઉડાવ્યો
આ પણ વાંચો:અમદાવાદમાં રોડ અકસ્માતનો કહેર યથાવત, રોંગસાઇડ કારએ એક્ટિવા ચાલકને ઉડાવ્યો
