સાંસદ તરીકેનું પેન્શન અને મુખ્યમંત્રી તરીકેનો પગાર અને અન્ય સવલતો લીધી નથી લેખિકા તરીકે મેળવેલી રોયલ્ટીમાંથી તેમનું ગુજરાન ચાલે છે
@હિંમતભાઈ ઠક્કર,ભાવનગર
૨૦૧૬માં ગુજરાતના મુખ્યમંત્રી પદેથી આનંદીબેન પટેલનું રાજીનામુ અને આજ સમયગાળા આસપાસ તમિલનાડુના લોકપ્રિય મુખ્યમંત્રી જયલલિતાની ચીરવીદાય બાદ દેશના એક માત્ર મુખ્યમંત્રી તરીકે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે એક માત્ર મહિલા નેતા મમતા બેનરજી છે. તેમને હરાવવા માટે કેન્દ્રની આખી ફોજ ઉતરી પડી હોવા છતાં આ મજબૂત મનોબળ વાળા મહિલા નેતાએ તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ઇતિહાસ સર્જી દેતી જીત મેળવી છે. જો કે પોતે ભલે પોતાને દગો દઈ ભાજપમાં જોડાયેલા પોતાના જુના સાથીદાર સુવેન્દુ અધિકારી સામે નંદીગ્રામ બેઠક પરથી હારી ગયા હોય પણ પોતાના પક્ષ ટી. એમ.સી ને ૨૧૪ બેઠકો અપાવવાનું ગૌરવ તેઓ લઇ શકે તેમ છે.

સતત ત્રીજી વખત મુખ્યમંત્રી બની રહેલા મમતા બેનર્જીની જીત પાછળ એક નહી અનેક કારણો જવાબદાર છે. ભાજપ અને અન્ય પક્ષના કેટલાક નેતાઓ દ્વારા વ્યક્તિ ગત આક્ષેપ વાળો સતત નેગેટિવ પ્રચાર તેમને ફળ્યો જ છે. આ ઉપરાંત બંગાળની અસ્મિતા નારી સન્માન સહિતના અસંખ્ય મુદ્દાઓ ઉપરાંત જાણીતા ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરની સફળ વ્યૂહરચના પણ તેમને ફળી છે. પી.કે ની વ્યૂહરચનાનો તેમને બરોબર લાભ મળ્યો છે. દસ વર્ષ દરમિયાન એમણે કરેલી કામગીરીનું ફળ પણ તેમને મળ્યું છે તે વાતની નોંધ લીધા વગર ચાલે તેમ નથી. વિપક્ષી એકતા ન થઈ હોવા છતાં ટી.એમ.સી ને મળેલા વિજયની દેશના અને વિદેશના પ્રચારમાધ્યમોએ પણ નોંધ લીધી છે કે લેવી પડી છે તે કેમ ભૂલી શકાય.

પશ્ચિમ બંગાળના પરિણામથી કેન્દ્રના સત્તાધારી પક્ષની મહેનત નકામી ગઈ તે વાત સાચી પણ બીજી વાત એ પણ છે કે કેન્દ્રના જે નેતાઓ પ્રચારમાં હતા તેમણે બંગાળની પ્રજાએ કે બંગાળની અસ્મિતાના રક્ષણની વાત કરવાને બદલે બીજી બધી વ્યર્થ કહી શકાય તેવી વાતો કરી છે. જો કે રાજકારણમાં આવેલા દરેક લોકો પાસે સમાન અપેક્ષા રાખી શકાય નહીં.

ટી.એમ.સીના ભવ્ય વિજયમાં મમતા બેનર્જીનું સાદગી ભર્યું જીવન પણ અસરકારક ભાગ ભજવી ગયું છે. બે વર્ષ પહેલાં ત્યાંની એક ચેનલમાં મમતા દીદીએ આપેલો ઇન્ટરવ્યૂ અને તેની તે વખતે થયેલી ટીકા ટીપ્પણી પણ મહત્વનો ભાગ ભજવી ગઈ છે તેવી બંગાળના ઘણા અખબારોમાં નોંધ લેવામાં આવી છે.

આ અહેવાલો પ્રમાણે મમતા બેનરજીની કેટલીક વાતો લોકોને સ્પર્શી ગઈ છે. મમતા દીદી મુખ્યમંત્રી બન્યા તે વર્ષ ૨૦૧૧ પહેલાં સંસદ સભ્ય પણ હતા અને કેન્દ્રમાં રેલવે મંત્રી પણ હતા. સાત વર્ષના આ સમયગાળાનું તેમણે પેન્શન પણ લીધું નથી, એટલુંજ નહિ પણ મુખ્યમંત્રી તરીકે તેમને મળતો એક લાખ રૂપિયાનો માસિક પગાર પણ લીધો નથી તેમજ કોઈ વધારાના ભથ્થા પણ લીધા નથી. તેમને સરકારી બંગલામાં રહેવાને બદલે સરકારી રેસ્ટ હાઉસમાં રહેવાનું પસંદ કર્યું છે. માત્ર સફેદ સાડીમાં સજ્જ રહેતા આ નેતા પોતે પીધેલી કે બીજાને પાયેલી ચા ના નાણાં પણ પોતે ચૂકવે છે.

પોતે પોતાનું જીવન જીવવા માટેના નાણાં કઈ રીતે ઉભા કરે છે તે અંગે ખુલાસો કરતા તેઓ કહે છે કે મેં લખેલા ૨૫ જેટલા પુસ્તકોની રોયલ્ટી કે જેની વાર્ષિક રકમ દસ થી બાર લાખ રૂપિયા થાય છે તેના આધારે તેનો જીવન નિર્વાહ ચાલે છે. તેમજ તેમની સાદગી અને લોકોના કામો કરવાની નિષ્ઠા જ લોકોને બરોબર સ્પર્શી ગઈ છે.બંગાળની ચૂંટણીમાં તેમની સફળતાનું આ પણ એક રહસ્ય છે.
