Banaskantha News/ બનાસકાંઠામાં SMCની ટીમ પર બુટલેગરોનો હુમલો, ગાડી ચઢાવવાનો પ્રયાસ; મેવાણીએ SP-IG સામે કાર્યવાહીની માગ કરી

SMC Team Attack: બનાસકાંઠાના દાંતીવાડામાં દારૂ ભરેલી ગાડીઓને રોકવા ગયેલી SMCની ટીમ પર વાહનો ચઢાવવાનો પ્રયાસ થયો હોવાનો આક્ષેપ છે. જિજ્ઞેશ મેવાણીએ SP અને IG સામે કાર્યવાહીની માગ કરી છે.

Top Stories Gujarat Surat
SMC Team Attack: બનાસકાંઠામાં SMCની ટીમ પર હુમલાનો પ્રયાસ, બુટલેગરોની બેફામ હરકતથી ખળભળાટ

Banaskantha News: રાજસ્થાનથી બનાસકાંઠા મારફતે ગુજરાતમાં દારૂની હેરાફેરી રોકવા ગયેલી સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની ટીમ પર બુટલેગરોએ હુમલો કરવાનો પ્રયાસ (SMC Team Attack) કર્યો હોવાની ઘટના સામે આવી છે. દારૂ ભરેલી ગાડીઓને રોકવાનો પ્રયાસ કરતી વખતે ચાલકોએ પોલીસકર્મીઓ અને પંચો પર વાહનો ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન SMCની ક્રેટા કારને પણ ટક્કર મારવામાં આવી હતી. ઘટનાને પગલે વિસ્તારમાં ચર્ચા શરૂ થઈ છે.

SMC Team Attack: SMCની ટીમ પર હુમલાના પ્રયાસથી વિવાદ

આ મામલે વડગામના ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીએ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી અને પોલીસ અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા છે. તેમણે બનાસકાંઠાના SP અને રેન્જ IG સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.

મેવાણીએ આક્ષેપ કર્યો હતો કે બનાસકાંઠામાં થોડા દિવસ પહેલાં બુટલેગરોએ BSFના જવાન પર પણ હુમલો કર્યો હતો. તેમ છતાં SP કે IG પાસેથી કોઈ ખુલાસો માગવામાં આવ્યો નથી અને તેમની સામે તપાસના આદેશ પણ આપવામાં આવ્યા નથી.

પોલીસના ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવાની માગ

મેવાણીએ વધુમાં આક્ષેપ કર્યો હતો કે પોલીસ વિભાગમાં કાર્યવાહી મોટાભાગે કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, PSI અને PI જેવા કર્મચારીઓ સામે જ થાય છે, જ્યારે ઉચ્ચ અધિકારીઓની જવાબદારી નક્કી કરવામાં આવતી નથી. તેમણે દાંતીવાડામાં SMCની ટીમ પર થયેલા હુમલાનો ઉલ્લેખ કરીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે સવાલો ઉઠાવ્યા હતા.

તેમણે IPS અધિકારીઓને સંબોધીને દારૂ અને ડ્રગ્સની હેરાફેરી સામે કડક પગલાં લેવાની માગ કરી (Gujarat Crime News) હતી. મેવાણીએ છેલ્લા પાંચ વર્ષમાં પોલીસકર્મીઓ પર થયેલા હુમલાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

બાતમીના આધારે SMCએ ગોઠવી હતી વોચ

મળતી માહિતી મુજબ, રાજસ્થાનના મેથીપુરા ગામે પ્રદીપ મેવાડાના દારૂના ઠેકા પરથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને કેટલીક ફોરવ્હીલ ગાડીઓ દાંતીવાડા થઈને ગુજરાતમાં પ્રવેશવાની હોવાની બાતમી (Liquor Smuggling) SMCને મળી હતી.

આ વાહનોનું પાયલોટિંગ દાંતીવાડાના રામનગરમાં રહેતા ગુલાબસિંહ ઉર્ફે વાસુ વાઘેલા દ્વારા કાળા રંગની સ્કોર્પિયો કારથી કરવામાં આવતું હોવાની માહિતી હતી. આ બાતમીના આધારે SMCના PI પી.બી. જેબલિયા સહિતની ટીમે મારવાડા અને દાંતીવાડા વિસ્તારમાં વોચ ગોઠવી હતી.

ગાડીઓ રોકતાં ટક્કર મારવાનો પ્રયાસ

વોચ દરમિયાન સ્કોર્પિયોની પાછળ ઇનોવા અને બ્રેઝા સહિતની દારૂ ભરેલી ગાડીઓનો કાફલો આવતો જોવા મળ્યો હતો. પોલીસે (Gujarat Police) વાહનો રોકવાનો પ્રયાસ કરતાં ચાલકોએ પોલીસકર્મીઓ અને પંચો પર ગાડીઓ ચઢાવવાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ છે. આ દરમિયાન SMCની ક્રેટા કારને પણ જોરદાર ટક્કર મારવામાં આવી હતી.

સ્થાનિક પોલીસની કામગીરી સામે પણ સવાલો

ગાંધીનગરની SMC ટીમે બનાસકાંઠામાં દારૂની હેરાફેરી રોકવા માટે કાર્યવાહી કરતાં સ્થાનિક પોલીસ અને LCBની કામગીરી અંગે પણ સવાલો ઊભા થયા છે. આટલા મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ગુજરાતમાં પ્રવેશતો હોવાની બાતમી SMC સુધી પહોંચી, ત્યારે સ્થાનિક પોલીસને તેની જાણ હતી કે નહીં તે મુદ્દે ચર્ચા થઈ રહી છે.


આ પણ વાંચો: અમદાવાદના ચાંદખેડામાં દારૂના અડ્ડાનો વિરોધ કરનાર રહીશો પર બુટલેગરોનો હુમલો, મહિલાઓને પણ માર માર્યાનો આરોપ

આ પણ વાંચો: રાપર પોલીસના સરપ્રાઈઝ કોમ્બિંગમાં બુટલેગરોથી લઈ અસામાજિક તત્વોનું ચેકિંગ

આ પણ વાંચો: અમદાવાદમાં દારૂ ભરેલી ગાડીનો પીછો, SMCનું હવામાં ફાયરિંગ : બુટલેગરો ફરાર