આર્થિક સંકટ/ લો બોલો હવે…પાકિસ્તાનનું પીએમ હાઉસ પણ ભાડે અપાશે

પીએમ આવાસ પર નજર રાખવા અને ભાડે આપવા માટે બે સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ સમિતિ નિવાસસ્થાનની અંદર આયોજિત કાર્યક્રમો દરમિયાન પીએમ હાઉસ સંબંધિત શિસ્ત અને જાળવણીની દેખરેખ રાખશે.

World
pakistan લો બોલો હવે...પાકિસ્તાનનું પીએમ હાઉસ પણ ભાડે અપાશે

આર્થિક સંકટમાંથી પસાર થઈ રહેલું પાકિસ્તાન હવે જાણે સંપૂર્ણપણે નાદાર થઈ ગયું છે. પાકિસ્તાનની અર્થવ્યવસ્થા ખાડામાં ગઈ છે અને તેનો અંદાજ એ વાત પરથી પણ લગાવી શકાય છે કે હવે પાડોશી દેશે પણ પોતાનું વડાપ્રધાન નિવાસ ભાડે આપવાની જાહેરાત કરી છે. ઇસ્લામાબાદમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું સત્તાવાર નિવાસ ભાડે આપવાની જાહેરાત કરવામાં આવી છે. હકીકતમાં, ઓગસ્ટ 2019 માં, પાકિસ્તાનના શાસક પક્ષે વડાપ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનને યુનિવર્સિટીમાં રૂપાંતરિત કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ પીએમ ઇમરાન ખાને આ નિવાસસ્થાન ખાલી કરી દીધું હતું. પરંતુ હવે સરકારે યુનિવર્સિટી બનાવવાની યોજના મુલતવી રાખી છે.

રિપોર્ટ અનુસાર, આ યોજનાને સ્થગિત કર્યા બાદ હવે પીએમ આવાસ ભાડે આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ પાકિસ્તાન ફેડરલ સરકારે હવે સાંસ્કૃતિક, ફેશન, શૈક્ષણિક અને અન્ય કાર્યક્રમો માટે પીએમ નિવાસસ્થાન ભાડે આપવાનું નક્કી કર્યું છે.  ઇસ્લામાબાદમાં પીએમ ઇમરાન ખાનનું આ નિવાસસ્થાન રેડ ઝોનમાં આવે છે.

પીએમ આવાસ પર નજર રાખવા અને ભાડે આપવા માટે બે સમિતિઓ પણ બનાવવામાં આવી છે. આ સમિતિ નિવાસસ્થાનની અંદર આયોજિત કાર્યક્રમો દરમિયાન પીએમ હાઉસ સંબંધિત શિસ્ત અને  જાળવણીની દેખરેખ રાખશે. અહેવાલ અનુસાર, ફેડરલ કેબિનેટ ટૂંક સમયમાં જ પીએમના નિવાસસ્થાનથી થતી આવકની ચર્ચા કરશે.ઉચ્ચ સ્તરીય રાજદ્વારી કાર્યક્રમો ઉપરાંત આંતરરાષ્ટ્રીય પરિસંવાદો પણ પીએમના નિવાસસ્થાને યોજાઈ શકે છે. ઉલ્લેખનીય છે  કે જ્યારે ઈમરાન ખાને પાકિસ્તાનમાં વડાપ્રધાનની ખુરશી સંભાળી ત્યારે તેમણે કહ્યું હતું કે સરકાર પાસે જન કલ્યાણ માટે જરૂરી યોજનાઓ ચલાવવા માટે પૈસા નથી. ત્યારથી ઇમરાન ખાન બાની ગાલા નિવાસમાં રહે છે.

છેલ્લા કેટલાક વર્ષોમાં પાકિસ્તાનનું અર્થતંત્ર સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. બજારમાં મૂડી રોકાણના અભાવે મોંઘવારી વધી રહી છે. આર્થિક સ્થિતિ એટલી બગડી ગઈ છે કે સરકારે કર્મચારીઓને લોન લઈને પગાર ચૂકવવો પડે છે. ચાલુ નાણાકીય વર્ષમાં વેપાર ખાધ વધી છે, કારણ કે નિકાસમાં ઘટાડો અને આયાતમાં વધારો થયો છે. પાકિસ્તાનમાં મોંઘવારી આસમાને છે. મે મહિનામાં દેશમાં ફુગાવાનો દર 10.9 ટકાની ટોચ પર હતો.