@કાર્તિક વાજા, મંતવ્ય ન્યુઝ.
ઊના તાલુકામાં તાઉતે વાવાઝોડામાં થયેલ નુકસાનના અસરગ્રસ્તોને સરકારે રૂ.250 કરોડની સહાય ચુકવી છતાં પણ સહાય માટે સવારથી લાઇનો લાગે છે.
તંત્ર અને પદાધિકારીઓની રાત દિવસની સતત કામગીરી કર્યા પછી પણ 70 દિવસ બાદ સહાય નહી મળ્યાની ફરીયાદથી તંત્ર અને પદાધિકારીઓ ગાળો ખાય છે.
સરકારી બેંકોમાં લાભાર્થીઓના બેંક એકાઉન્ટ કેવાયસી અને ટ્રાન્સેલન્સ ન થયા હોવાના કારણે બેંક કામગીરી મંદગતિએ ચાલતી હોવાથી તંત્ર પર માછલા ધોવાય રહ્યા છે.

ગત તા.17 મે.ના ઉના તાલુકામાં તાઉતે વાવાઝોડુ થયેલ તબાહી મચાવ્યા બાદ મકાન, ધરવખરી, માનવ ઇજા, માનવ મૃત્યુ, પશુ મૃત્યુ, કેટલ શેડ, ઝુંપડા, ખેતીવાડી, બાગાયતી અને માછીમારને ભારે નુકસાન થયેલ અને ઉના તાલુકાના 74 ગામો તેમજ શહેરી વિસ્તારના લોકો ખેડુતો, શ્રમિકો અને મધ્યમવર્ગના માનવીને થયેલ નુકસાનીની તારાજી રાજ્ય સરકારના મુખ્ય મંત્રીએ જાતે નિહાળી ઉના તાલુકાને તાત્કાલીક બેઠુ કરવા સંવેદનસીલતા બતાવી.
તાત્કાલીક રાજ્યભર માંથી તંત્રના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી તાત્કાલીક લોકોને મદદ કરવા અને થયેલી નુકસાનીનું સર્વે કરવાની કામગીરી શરૂ કરાવી લોકોને આર્થિક મદદ માટે રાજ્ય સરકારે પુષ્કળ પ્રમાણમાં નાંણા ફાળવી માત્ર ઉના તાલુકામાં રૂ. 250 કરોડથી વધુ રકમની સહાય 70 દિવસમાં પૂર્ણ કરી લાભાર્થી અસરગ્રસ્તના ખાતામાં તાલુકા પંચાયત અને ઉના મામલતદાર તેમજ ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અસરગ્રસ્તોની રકમના ચેક બનાવી લાભાર્થીઓના નામ અને બેંક એકાઉન્ટ સાથેનું લીસ્ટ ઉના શહેર અને તાલુકાની 12 જેટલી બેંકોમાં મોકલી દીધા બાદ 70 દિવસ પછી પણ દરરોજ સવારે 500 અરજદારો તાલુકા પંચાયત, મામલતદાર, નાયબ કલેક્ટર કચેરીઓમાં સહાય નહીં મળ્યાની ફરીયાદો લઇ ટોળા શાહીમાં ઉભા રહી અને તંત્ર પદાધિકારીઓને અપશબ્દો બોલતા હોય છે. ત્યારે સ્વભાવિક પ્રશ્નો ઉઠે છે કે સરકારે આટલી મોટી રકમની સહાય આપ્યા પછી અને વહીવટી તંત્રએ રાત દિવસ જાગી વિજળી પુરવઠો, નેટ કનેક્ટીવીટી સહીત અનેક સમસ્યાઓનો સામનો કરી કોરોના જેવી મહામારીના દિવસોમાં જીવ જોખમમાં રાખી કામગીરી કરવા છતાં લાભાર્થીઓની ધિરજતાનો અંત આવતો જોવા મળતો નથી.
સરકારના વહીવટી તંત્ર માંથી રેકર્ડ આધારીત મળતી માહીતી ઉપર નજર કરવામાં આવે તો માત્ર ઉના તાલુકાના વાવાઝોડાના અસરગ્રસ્ત લોકોને સહાય ચુકવવામાં ઉદારતા દેખાડી છે. અને સરકારે કરેલી જાહેરાત મુજબ અરજદારોને રકમ તેના બેંક એકાઉન્ટમાં સીધી મોકલાવવામાં આવે છે. તેમ છતાં પણ હજુ સહાય નથી મળી તેવી ફરીયાદોથી કચેરીઓમાં ટોળાસાહીની લાઇનો લાગેલ જોવા મળે છે.
બોક્ષ્ – ઉના શહેરી વિસ્તારમાં 16 કરોડથી વધુ રકમ ચુકવાય…
ઉના શહેરમાં મકાન સહાયના 4686 લાભાર્થીને રૂ. 11 કરોડ 84 લાખ 11.800 ધરવખરી સહાયના 6194 લાભાર્થીને રૂ.4,33,58,000, માનવ ઇજા સહાયના 5 વ્યક્તિને રૂ.1.25 લાખ, પશુ મૃત્યુ 73 ને રૂ.22.29 લાખ, કેટલ શેડ સહાય 459 લાભાર્થીને રૂ.22,95 લાખ, 41 ઝુંપડા સહાયની રકમ રૂ.4.10 લાખ કુલ રકમ રૂ.16 કરોડ 72 લાખ 38.800 આર ટી જી એસ મારફતે લાભાર્થીઓના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરેલ તેમાંથી 1350 જેટલા ચેકો બેંક એકાઉન્ટની ખામીઓના કારણે પરત આવતા આવા લાભાર્થીઓને તંત્રએ શોધી કાઢીને તેના ધરે ચેક પહોચતા કર્યા હતા…
ઉના તાલુકા પંચાયત દ્વારા અંદાજીત 234 કરોડની રકમ ચુકવાય…
ઉના તાલુકાના 74 જેટલા ગામોની વાત કરવામાં આવે તો દરીયાઇ કંઠાળના મોટાભાગના ગામોને સાકળીને તાલુકા પંચાયતના પંચાયત કર્મચારી, રેવન્યુ, તેમજ તલાટી મંત્રીઓ, વિસ્તરણ અધિકારી, ખેતીવાડી અધિકારી તેમજ કોમ્પ્યુટર ઓપરેટરો, વી સી ઓ એ રાત દિવસ ગ્રામ્ય વિસ્તારોમાં સર્વે કરી મકાન, ઝુંપડા, કેટલ શેડ, સહીતના 40 હજાર લાભાર્થીઓને રૂ.100 કરોડથી વધુ રકમ તેમજ ધરવખરીના 21,500 લાભાર્થીને રૂ. 15 કરોડ 5 લાખ કેસડોલ સહાય 38912 લાભાર્થીને રૂ. 3 કરોડ 15 લાખ, બાગાયતી અને ખેતીની નુકસાનીના 14161 ખેડૂત લાભાર્થીને રૂ. 61 કરોડ 83 લાખ 80 હજારની રકમ તેમજ માનવ મૃત્ય 9 વ્યક્તિને રૂ. 36 લાખ, પશુ મૃત્ય 5509ની સહાય રૂ.1 કરોડ 57 લાખ 73,600 આ ઉપરાંત દરીયા કાંઠે વસતા માછીમારોને બોટ નુકસાની, ઝાળ નુકસાની તેમજ મચ્છીયારા ઓને રોકડ સહાયના 750 લાભાર્થીને રૂ. 11 કરોડ 12 લાખ રકમ ઓનલાઇન ચુકવાય છે. આમ ઉના તાલુકામાં તાઉત વાવાઝોડાએ મચાવેલી તબાહીમાં અસરગ્રસ્તોને 234 કરોડની રકમ તાલુકા પંચાયત ડિપાર્ટમેન્ટએ ઓનરેકર્ડ બેંકમાં લાભાર્થીના લીસ્ટ સાથે મોકલી આપવા છતાં દિવસ ઉગતાની સાથે 500 અરજદારો સહાય નથી મળ્યાની બુમો મચાવી રહ્યા છે.
ઉના તાલુકાની 12 બેંકમાં ચેક મોકલ્યા છતાં લાભાર્થીના ખાતામાં આવ્યા નથી…
અસરગ્રસ્ત લાભાર્થીઓને સહાયની રકમ ઉના તાલુકાની એસ બી આઇ, દેના બેંક, સૈરાષ્ટ્ર ગ્રામિણ બેંક, બેંક ઓફ બરોડા, એક્ષિશ બેંક, એચ ડી એફ સી બેંક, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડીયા, કેનેડા બેંક, જેડીસી બેંક, પોસ્ટઓફીસ, વી એમ સી બેંક, પીપલ્સ બેંક સહીત 12 બેંકોમાં રૂ .250 કરોડ કરતા વધુ રકમ એક માસ જેવા લાંબા સમયથી મોકલાવી દીધી હોવા છતાં આ બેંકોમાં સ્ટાફની સમસ્યા અને વહીવટી કામગીરી મંદગતિએ ચાલતી હોય તેમજ કેટલાક લાભાર્થીઓના ખાતાઓ ઇ-કેવાયસી કરેલ ન હોવાના કારણે તેમજ ખાતુ ઓપરેટ ન કરાવવાના કારણે પણ સમસ્યા સર્જાતી હોવાથી રાજ્ય સરકારે મનમુકીને કરેલી સહાય લાભાર્થીના ખાતામાં મોકલી આપવા છતાં બેંકના અણધઢ વહીવટના કારણે બેંકોની બહાર લાંબી કતારો લાગવાથી સરકારની સારી કામગીરીને બદનામીનો બટો લાગી રહ્યો છે.
હજુ 6 થી 7 હજાર જેટલા ફોર્મ પેન્ડીંગ પડ્યા છે….
રાજ્ય સરકારે કરેલી આટલી મોટી સહાય કર્યા પછી પણ 6 થી 7 હજાર જેટલા સહાય મેળવવા માટે અરજદારો ધક્કા ખાઇ છે. અને તેના ફોર્મ કચેરીમાં સર્વે કર્યા વગર પડ્યા છે. આ ફોર્મના લાભાર્થીઓને સહાય મળશે કે કેમ તેની આતુરતા પૂર્વક રાહ જોવાઇ રહી છે. તંત્ર કહે છે અમને સર્વે કરવાની સુચના નથી. ત્યારે સ્વભાવીક પ્રશ્ન ઉઠે છે કે આટલી મોટી સહાય ચુકવ્યા પછી પણ 7 હજાર જેટલા લાભાર્થીઓ બાકી રહેતા હોય તો વાવાઝોડાની સહાય કોણ લઇ ગયું તે તપાસ કરી સાચા લાભાર્થીઓને સહાય મળી રહે અને ખોટાએ મેળવી છે. તેના પાસેથી પરત રીકવર કરવી જોઇએ તેવો પ્રશ્ન ઉઠવા પામેલ છે…
