મોસ્કો,
ફિફા વર્લ્ડકપમાં મંગળવારે રમાયેલા મુકાબલામાં આર્જેન્ટીનાએ શાનદાર જીત મેળવી પ્રી-ક્વાટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. નાઈજીરિયા સામે રમાયેલી ગ્રુપ-ડીની મેચમાં માર્કોસ રોજો અને લિયોનેલ મેસ્સીના કરેલા શાનદાર ગોલથી આર્જેન્ટીનાએ ૨-૧થી વિજય મેળવ્યો હતો.
જો કે આ મેચની ૧૪મી મિનિટમાં મેસ્સીએ શાનદાર ગોલ કરતા પોતાની ટીમને ૧-૦ની લીડ અપાવી હતી. વળી મેસ્સી દ્વારા કરાયેલો આ ગોળ વર્લ્ડકપનો ૧૦૦મો ગોલ હતો.
અત્યારસુધીમાં ફીફા વર્લ્ડકપ ૨૦૧૮માં રમાયેલી ૪૦ મેચોમાં ૧૦૫ ગોલ થયા છે અને હજી ૨૪ મેચ રમાવાની બાકી છે, ત્યારે હવેબતમામની નજર એક વર્લ્ડકપમાં થનારા સૌથી વધુ ગોલના રેકોર્ડ પર છે.
ફિફા વર્લ્ડકપના ઇતિહાસમાં સૌથી વધુ ૧૭૧ ગોલ વર્ષ ૧૯૮૮ અને ૨૦૧૪માં થયા હતા, ત્યારે ૨૦૧૮માં આ રેકોર્ડ તૂટે છે કે નહી.
વર્તમાન વર્લ્ડકપની વાત કરવામાં આવે તો બેલ્જિયમ, ઈંગ્લેંડ અને યજમાન રશિયાની ટીમના નામે ૮-૮ ગોલ છે, જયારે કુલ ૩૨ ટીમોમાંથી કોસ્ટારિકા એક માત્ર ટીમ છે કે, જેના નામ પર એક પણ ગોલ નથી.
આ ટુર્નામેન્ટમાં ટીમના ખેલાડીઓ કરાયેલા સૌથી વધુ ગોલના મામલે ઈંગ્લેંડના હેરી કેન ૫ ગોલ સાથે સૌથી આગળ છે. ત્યારબાદ બેલ્જિયમના રોમેલુ લુકાકું અને પોર્ટુગલના ક્રિસ્ટિયાનો રોનાલ્ડોના નામે અનુક્રમે ૪-૪ ગોલ છે.
