સેન્ટ કીટ્સ,
વેસ્ટ ઇન્ડીઝ ક્રિકેટ ટીમના સ્ફોટક ઓપનર બેટ્સમેન ક્રિસ ગેલે બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રીજી વન-ડે મેચમાં એક મોટી ઉપલબ્ધિ પોતાના નામે કરી છે. સેન્ટ કીટ્સમાં રમાયેલી આ મેચમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ સિક્સર ફટકારવાના મામલે પાકિસ્તાનના પૂર્વ ખેલાડી શાહિદ આફ્રિદીના વર્લ્ડ રેકોર્ડની બરાબરી કરી છે.
બાંગ્લાદેશ સામે રમાયેલી ત્રણ વન-ડે મેચની શ્રેણીની અંતિમ મેચમાં કેરેબિયન ઓપનરે ૬૬ બોલમાં ૭૩ રન બનાવ્યા હતા. ૭૩ રનની ઇનિંગ્સમાં ૫ સિક્સર અને ૬ ચોક્કા ફટકાર્યા હતા.
બાંગ્લાદેશ સામેની મેચમાં ૧૮મી ઓવરમાં સ્પિન બોલર મહમુદુલ્લાહ રિયાદના બોલ પર સિક્સર મારવાની સાથે જ ગેલે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ રેકોર્ડની બરાબરી કરી હતી.
પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર શાહિદ આફ્રિદીના નામે ૫૨૪ મેચોમાં ૪૭૬ સિક્સર છે, જયારે ગેલના નામે ૪૪૩ મેચોમાં ૪૭૬ સિક્સર છે. ત્યારબાદ ન્યુઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ ત્રીજા સ્થાને છે. મેક્કુલમના નામે ૪૩૨ આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ ૩૯૮ સિક્સર ફટકારી છે.
જયારે શ્રીલંકાના પૂર્વ ઓપનર સનથ જયસુર્યાના નામે ૫૮૬ મેચોમાં કુલ ૩૫૨ સિક્સર અને ભારતના પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર એમ એસ ધોનીના નામે ૫૦૪ આંતરરાષ્ટ્રીય મેચમાં ૩૪૨ સિક્સર ફટકારી છે.
