મોસ્કો,
રશિયામાં રમાયેલા ૨૧માં ફિફા વર્લ્ડકપનો તાજ ફ્રાંસની ટીમના નામે સજાયો છે. રાજધાની મોસ્કોના લુઝનીકી સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલ મેચમાં ફ્રાંસે ક્રોએશિયાની ટીમને ૪-૨થી હરાવી વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે.
જો કે ફ્રાંસના વર્લ્ડ ચેમ્પિયન બનવાની સાથે વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન કરનારા અન્ય ખેલાડીઓને પણ એવોર્ડથી સન્માનિત કરાયા છે. આ એવોર્ડમાં ટૂર્નામેન્ટમાં સૌથી વધુ ગોલ કરનાર ઈંગ્લેન્ડ ટીમના કેપ્ટન હૈરી કેનને ગોલ્ડન બૂટનો પુરસ્કાર આપવામાં આવ્યો છે.
આ ઉપરાંત ક્રોએશિયાના કેપ્ટન લુકા મોડરીચને ગોલ્ડન બોલ, બેલ્જિયમના ગોલકીપર થિબોઉ કોર્ટવાને ગોલ્ડન ગ્લવ્ઝ તેમજ ફ્રાન્સના એમબાપેને ફિફા યંગ પ્લેર એવોર્ડનો ખિતાબ મળ્યો છે.
વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડના હૈરી કેને ૬ મેચોમાં ૬ ગોલ કર્યા હતા, જેથી તે ગોલ્ડન બૂટનો હકદાર બન્યો છે. આ પહેલા વર્ષ ૨૦૧૪માં ગોલ્ડન બૂટનો પુરસ્કાર કોલંબિયાના હામેસ રોડ્રિગેઝને મળ્યુ હતું, જેણે ૬ ગોલ કર્યા હતા.
જ્યારે ક્રોએશિયાના કેપ્ટન લુકા મોડરિચને ગોલ્ડન બોલ પુરસ્કાર અપાયો છે. આ ટૂર્નામેન્ટના શ્રેષ્ઠ ખેલાડીને આપવામાં આવે છે. વર્ષ ૨૦૧૪માં આ પુરસ્કાર આર્જેન્ટીનાના લિયોનેલ મેસ્સીને મળ્યુ હતું. જ્યારે બેલ્જિયમના ગોલકીપર થિબોઉ કોર્ટવાને ગોલ્ડન ગ્લવ્સ મળ્યો, તેણે ૭ મેચોમાં ૨૭ ગોલ રોક્યા હતા.
