બેંગલુરુ,
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બેંગલુરૂમાં એક માત્ર ઐતિહાસિક ટેસ્ટ રમાઈ રહી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમની શરૂઆત સારી રહી હતી, અને સ્ફોટક ઓપનર બેટ્સમેન શિખર ધવન અને મુરલી વિજયની જોડીએ પ્રથમ વિકેટ માટે ૧૬૮ રનની ભાગીદારી નોધાવી હતી.
જો કે આ વચ્ચે વરસાદના કારણે મેચ રોકાઈ હતી, પરંતુ ત્યારબાદ મેચ શરૂ થયા બાદ પ્રથમ દિવસના અંતે ભારતીય ટીમે ૬ વિકેટના નુકશાને ૩૩૪ રન બનાવી લીધા છે. હાલ ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યા ૧૦ અને આર. અશ્વિન ૭ રને રમતમાં છે.
શિખર ધવન અને મુરલી વિજયની જોડીએ શાનદાર શરૂઆત આપ્યા બાદ લોકેશ રાહુલે ૫૪ રન ફટકાર્યા હતા, પરંતુ ત્યારબાદ ભારતીય ટીમે વધુ ત્રણ વિકેટ ગુમાવી હતી. મિડલ ઓર્ડર બેટ્સમેન ચેતેશ્વર પુજારા ૩૫ રન બનાવી આઉટ થયો હતો જયારે કેપ્ટન અજીન્ક્ય રહાને ૧૦ અને વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક ૪ રન બનાવી આઉટ થયા હતા.
શિખર ધવન અને મુરલી વિજયે ફટકારી સદી
આ પહેલા ટીમ ઇન્ડિયાના ગબ્બર કહેવાતા શિખર ધવને ટેસ્ટ કેરિયરની સાતમી સદી અને મુરલી વિજયે ૧૨મી સદી ફટકારી હતી. ધવને લંચ બ્રેક પહેલા અફઘાનિસ્તાનના બોલરોની ધુલાઇ કરતા શાનદાર સદી ફટકારતા માત્ર ૯૬ બોલમાં ૧૦૭ રન અને મુરલી વિજયે ૧૦૫ રન બનાવ્યા હતા. જયારે અફઘાનિસ્તાન તરફથી યમીન અહેમદઝાએ ૨ વિકેટ જયારે રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાને અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.
એક સેશનમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બન્યો ધવન
બીજી બાજુ શિખર ધવન લંચ પહેલા એક સેશનમાં સદી ફટકારનાર પ્રથમ ભારતીય બેટ્સમેન બની ગયો છે. ૧૦૭ રનની ઇનિંગ્સમાં ધવને ૧૯ ચોક્કા અને ૩ સિક્સર ફટકારી હતી.
આ પહેલા લંચ પહેલા એક સેશનમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ પૂર્વ સ્ફોટક બેટ્સમેન વિરેન્દ્ર સહેવાગના નામે હતો. સહેવાગે ૨૦૦૬માં વેસ્ટઇન્ડીઝ સામે 99 રન બનાવ્યા હતા. શિખર ધવનના આઉટ થયા બાદ મુરલી વિજય ૯૪ અને લોકેશ રાહુલ ૩૩ રને રમતમાં છે.
અજીન્ક્ય રહાનેએ સંભાળી ટીમની કમાન
આ પહેલા ભારતીય ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ટીમના પ્લેઇંગ ઇલેવનમાં પણ ફેરફાર જોવા મળ્યા છે. કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં અજીન્ક્ય રહાનેને ટીમની કમાન સોપવામાં આવી છે. જયારે વિકેટકીપર બેટ્સમેન દિનેશ કાર્તિક પણ આઠ વર્ષ પછી ટીમમાં પાછો ફરી રહ્યો છે.
અફઘાનિસ્તાને કર્યું ટેસ્ટ ડેબ્યું
અફઘાનિસ્તાનની ટીમ પોતાની પ્રથમ આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચ રમી રહી છે, ત્યારે ટીમના કેપ્ટન અસગર સ્ટાનિકજાઈને ટોસ પહેલા ભારતના પૂર્વ ખેલાડી સલીમ દુર્રાનીએ સ્મૃતિ ચિન્હ ભેટ કર્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીયમંત્રી રાજ્યવર્ધન રાઠોડે પણ અફઘાનિસ્તાનની ટીમ સાથે મુલાકાત કરી હતી.
