મુંબઇ,
ઇગ્લેન્ડમાં રમાનારા આગામી વર્લ્ડ કપ માટે ભારતીય ટીમની આજે જાહેરાત થશે. વર્લ્ડ્ કપ માટે આવશ્યક 15 સભ્યોની ટીમમાં 13 ખેલાડીઓના નામ પર મહોર લાગી ચૂકી છે જ્યારે પસંદગી સમિતિ હજુ પણ બે નામો નક્કી કરવામાં અવઢવમાં છે. પસંદગી સમિતિએ ઉપલા ક્રમે ચાર નંબરના બેટ્સમેન અને ધોનીના વિકલ્પ તરીકે બીજા વિકેટકીપરના નામની પસંદગી કરવાની બાકી છે. તેમાં એક સવાલ એ ઉપસ્થિત થાય છે કે શું ટીમમાં એકસ્ટ્રા ફાસ્ટ બોલરને સામેલ કરવામાં આવશે તેમજ ટીમના રિઝર્વ ઓપનર તરીકે કોની પસંદગી કરાશે તે ચર્ચાનો વિષય છે. જો કે આ બે અનિશ્વિતતાઓ દૂર કરવામાં વધુ સમય નહીં લાગે તેથી આજે મુંબઇમાં યોજાનારી પસંદગી સમિતિની બેઠક માત્ર એક ઔપચારિક બેઠક બની રહેશે તે નક્કી છે.
