નવી દિલ્હી: દુનિયાના મહાન ફૂટબોલરોમાં ગણનાપાત્ર એવા આર્જેન્ટિનાના લિજેન્ડ ડિએગો મારાડોનાનો વિવાદો સાથે વર્ષો જૂનો નાતો રહ્યો છે ત્યારે FIFA વિશ્વકપ ૨૦૧૮માં પણ તેમની સાથે જોડાયેલો એક વિવાદ સામે આવ્યો છે. રૂસમાં રમાઈ રહેલા FIFA વિશ્વકપમાં શનિવારે આર્જેન્ટિના અને આઈસલેન્ડની વચ્ચે રમાયેલી ગ્રૂપ-ડીના મુકાબલા દરમિયાન ડિએગો મારાડોના પ્રેક્ષક દીર્ઘામાં સિગાર પીતાં જોવા મળ્યા હતા.

૧૯૮૬ના ફીફા વિશ્વકપની ચેમ્પિયન ટીમ આર્જેન્ટિનાના કેપ્ટન રહેલા મારાડોના ફરી એક વખત વિવાદોમાં આવ્યા છે. હકીકતમાં, મેચ દરમિયાન મારાડોના સિગારના કસ લગાવી રહ્યા હતા, જયારે રૂસમાં ફીફા વિશ્વકપ મેચોના આયોજન સ્થળ પર સિગાર, સિગારેટ અથવા કોઈ પણ પ્રકારના તંબાકુવાળા પદાર્થનો ઉપયોગ કરવો ગેરકાનૂની છે. આવી રીતે સિગાર પીને મારાડોનાએ કાયદાનો ભંગ કવાનું કામ કર્યું છે.

જો કે, લિજેન્ડ ફૂટબોલર એવા ૫૭ વર્ષીય મારાડોનાએ કહ્યું હતું કે, આ અંગેની તેમને જાણકારી ન હતી, કે સ્ટેડિયમમાં કોઈ પણ ધૂમ્રપાન કરી શકતું નથી. તેમણે કહ્યું કે, ‘દરેકને ચીજો મહેસૂસ કરવાનો અલગ અંદાજ હોય છે. સાચું કહું તો મને જાણ ન હતી કે, સ્ટેડિયમમાં કોઈ પણ ધૂમ્રપાન કરી શકતું નથી. હું દરેક લોકોની આ માટે માફી માંગું છું. આર્જેન્ટિના, પોતાની ટીમને સપોર્ટ કરે, એનાથી વધુ હવે કઈ નથી.’

દુનિયા ડિએગો મારાડોનાને મેક્સિકોમાં વર્ષ ૧૯૮૬માં રમાયેલા ફીફા વિશ્વકપની ક્વાટર ફાઈનલના મુકાબલામાં ઈંગ્લેન્ડની સામેની મેચમાં તેમના વિવાદિત ગોલ ‘હેન્ડ ઓફ ગોડ’ને માટે પણ ઓળખે છે. આર્જેન્ટિનાએ મેક્સિકોમાં રમાયેલા આ વિશ્વકપમાં મારાડોનાની કેપ્ટનશીપમાં ચેમ્પિયન ટ્રોફી પણ જીતી હતી. ફૂટબોલની દુનિયાના આ મહાન ખેલાડી ડ્રગ્સના વ્યસનના કારણે પણ વિવાદોમાં રહી ચૂક્યા છે.
