નોટિંઘમ,
નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટમાં ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં જોવા મળી રહી છે. બીજી ઇનિંગ્સમાં કેપ્ટન વિરાટ કોહલીની શાનદાર સદી સાથે ભારતે યજમાન ટીમને ૫૨૧ રનનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે.
સોમવારે ટ્રેન્ટબ્રિજના મેદાન પર વિરાટ કોહલી દ્વારા ફટકારવામાં આવેલા ૧૦૩ રનની સાથે ટેસ્ટ કેરિયરની ૨૩મી અને પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની ૫૮મી સદી છે. જો કે કેપ્ટન કોહલીના કારકિર્દીની આ ૨૩મી સદી એક ગજબનો સંયોગ લઈને આવી છે અને ટીમ ઇન્ડિયાના માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરના ૧૭ વર્ષના જૂના રેકોર્ડની બરાબરી કરી છે.

આ રીતે બન્યો ગજબનો સંયોગ
હકીકતમાં આજથી ૧૭ વર્ષ પહેલા ૨૦૦૧માં ટીમ ઇન્ડિયાના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે પણ ઈંગ્લેંડ સામે પોતાના આંતરરાષ્ટ્રીય કેરિયરની ૫૮મી સદી ફટકારી હતી અને આ ઇનિંગ્સમાં પણ સચિને ૧૦૩ રન બનાવ્યા હતા.
મહત્વનું છે કે, ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલ પોતાના શાનદાર ફોર્મમાં છે. ઈંગ્લેંડમાં રમાઈ રહેલી પ્રથમ ત્રણ ટેસ્ટ મેચમાં ૭૩.૩૩ના એવરેજથી ૪૪૦ રન બનાવ્યા છે. આ કોઈ પણ ભારતીય કેપ્ટન દ્વારા ઈંગ્લેંડમાં ટેસ્ટ શ્રેણી દરમિયાન બનાવવામાં આવેલા સૌથી વધુ રન છે.
આ પહેલા ૧૯૯૦માં મોહમ્મદ અજહરુદ્દીને ત્રણ ટેસ્ટની શ્રેણીમાં ૮૫.૨૦ના એવરેજથી ૪૨૬ રન બનાવ્યા હતા.
કેપ્ટન કોહલીએ કરી સહેવાગની બરાબરી
આ ઉપરાંત ઈંગ્લેંડ સામે પાંચમી અને કારકિર્દીની ૨૩મી સદી ફટકારવાની સાથે જ વિરાટ કોહલી આ યાદીમાં પૂર્વ ક્રિકેટર વીરેન્દ્ર સહેવાગ સાથે સંયુક્ત રીતે ચોથા ક્રમે છે. હવે કોહલી કરતા ભારત તરફથી સૌથી વધુ સદી ફટકારવા મામલે સચિન તેંડુલકર (૫૧), રાહુલ દ્રવિડ (૩૬) અને સુનિલ ગવાસ્કર (૩૪) આગળ છે.
