Asia Cup/ બાંગ્લાદેશની નૈયાને પાર કરશે શ્રીરામ, એશિયા કપ પહેલા મળી આ મોટી જવાબદારી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શ્રીધરન શ્રીરામને એશિયા કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તેની ટીમના ટેકનિકલ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે

Top Stories Sports
2 1 7 બાંગ્લાદેશની નૈયાને પાર કરશે શ્રીરામ, એશિયા કપ પહેલા મળી આ મોટી જવાબદારી

બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB) એ ભારતના ભૂતપૂર્વ ઓલરાઉન્ડર શ્રીધરન શ્રીરામને એશિયા કપ અને ઓક્ટોબર-નવેમ્બરમાં યોજાનાર T20 વર્લ્ડ કપ માટે તેની ટીમના ટેકનિકલ સલાહકાર તરીકે નિયુક્ત કર્યા છે. અગાઉ એવી અટકળો હતી કે શ્રીરામને ટીમનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો છે, પરંતુ BCB પ્રમુખ નઝમુલ હસને આ અહેવાલોને નકારી કાઢ્યા હતા.

નજમુલ હસને શુક્રવારે પત્રકારોને જણાવ્યું હતું કે, અમે શ્રીધરન શ્રીરામનું નામ ફાઇનલ કર્યું છે અને તે 21 ઓગસ્ટે બાંગ્લાદેશ પહોંચશે. શ્રીરામ ટેક્નિકલ સલાહકાર તરીકે આવી રહ્યા છે. તે ટી20 વર્લ્ડ કપ સુધી ટીમ સાથે રહેશે. વર્લ્ડ કપ પણ ઓસ્ટ્રેલિયામાં છે અને તેમણે લાંબો સમયથી ઓસ્ટ્રેલિયામાં કામ કર્યું છે.

બીજી તરફ, BCB ડિરેક્ટરે કહ્યું, ‘અમે શ્રીરામને વર્લ્ડ કપ સુધી પસંદ કર્યો છે. અમે નવી માનસિકતા સાથે આગળ વધી રહ્યા છીએ. T20 વર્લ્ડ કપ અમારું મુખ્ય લક્ષ્ય હોવાથી, જો તેને એશિયા કપ પહેલા નિયુક્ત કરવામાં નહીં આવે તો તેને એડજસ્ટ થવા માટે સમય નહીં મળે. ઘણા લોકો એમ પણ કહે છે કે એશિયા કપમાં હવે વધુ સમય બાકી નથી. જોકે મેં કહ્યું તેમ અમારું મુખ્ય ધ્યાન ટી20 વર્લ્ડ કપ પર છે.

નોંધનીય છે કે શ્રીરામ ભારત માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમી ચૂક્યા છે. શ્રીરામે 2000 થી 2004 વચ્ચે આઠ વનડે રમ્યા હતા. આ દરમિયાન તેમણે 81 રન બનાવવા ઉપરાંત 9 વિકેટ ઝડપી હતી. પોતાની ક્રિકેટ કારકિર્દીમાં તેટલી સફળતા ન મળ્યા પછી, શ્રીરામે કોચિંગને પોતાની કારકિર્દી બનાવી. જેમાં તેમણે લાંબા સમય સુધી ઓસ્ટ્રેલિયાના સહાયક અને સ્પિન-બોલિંગ કોચ તરીકે કામ કર્યું.

ઉલ્લેખનીય છે કે સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસન એશિયા કપ અને T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશી ટીમની કેપ્ટનશીપ કરવા જઈ રહ્યો છે. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે. જયારે ઓક્ટોબર-નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપ યોજાવાનો છે. મોમિનુલ હકની હકાલપટ્ટી બાદ આ વર્ષે જૂનમાં શાકિબને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.

એશિયા કપ માટેની બાંગ્લાદેશની ટીમ

શાકિબ અલ હસન (કેપ્ટન), અનામુલ હક, મુશ્ફિકુર રહીમ, અફીફ હુસૈન, મોસાદીક હુસૈન, મહમુદુલ્લાહ, મેહદી હસન, મોહમ્મદ સૈફુદ્દીન, હસન મહમૂદ, મુસ્તફિઝુર રહેમાન, નસુમ અહેમદ, શબ્બીર રહેમાન, મેહદી હસન મિરાજ, ઇબાદત. હુસૈન, પરવેઝ હુસૈન ઈમોન, નુરુલ હસન અને તસ્કીન અહેમદનો સમાવેશ થાય છે.