નકલી સ્ટેમ્પ પેપર કૌભાડમાં આરોપી અબ્દુલ કરીમ તેલગીનું બેંગ્લોરની વિક્ટોરિયા હોસ્પિટલમાં મૃત્યુ થયું છે. 56 વર્ષીય તેલગીને 10 દિવસ પહેલા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિક્ટોરિયા હોસ્પિટલ મેનેજમેન્ટ દ્વારા જણાવ્યા મુજબ, તેલગીની હાલત છેલ્લા કેટલાય દિવસથી ગંભીર બની રહી હતી આ કારણે તેઓને આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા અને તેલગીના શરીરના કેટલાક અંગોએ કામ કરવાનુ બંધ કરી દેતા નિધન થયું છે.
મહત્વનું છે કે, અબ્દુલ કરીમ તેલગીએ લાખો નકલી સ્ટેમ્પ પેપરનો બિઝનેસ કરીને કરોડો રૂપિયાની કમાણી કરી હતી. તેમણે મોટી સંખ્યામાં નકલી સ્ટેમ્પ પેપર્સ પ્રકાશિત કર્યા હતા અને બેન્કો, વીમા કંપનીઓ તેમજ બ્રોકિંગ કંપનીઓને વેચ્યા હતા.
એક અનુમાન મુજબ તેલગીએ લગભગ 10 અબજ રૂપિયાનું કૌભાંડ કર્યું હતું. આ કૌભાંડમાં તેલ્ગી ઉપરાંત ઘણા મોટા નેતાઓના નામ પણ કૌભાંડ સાથે જોડાયેલા છે. સ્ટેમ્પ કૌભાંડમાં તેલગીને 30 વર્ષ માટે દોષી ઠેરવવામાં આવ્યો હતો તેમજ 202 કરોડ રૂપિયાનો દંડ પણ કરવામાં આવ્યો હતો.
