World News: ઇલોન મસ્કની કંપની સ્પેસએક્સનું સૌથી શક્તિશાળી રોકેટ ‘સ્ટારશિપ (Starship)’ 28 સપ્ટેમ્બરે પહેલીવાર પૃથ્વીની કક્ષામાં પહોંચ્યું. આ ઉડાન સ્ટારશિપનું 14મું પરીક્ષણ હતું. મિશન દરમિયાન 26 સેટેલાઇટ પણ ઓર્બિટમાં લોન્ચ કરવામાં આવ્યા.
10 કલાકને બદલે 3 કલાકમાં મિશન પૂર્ણ
પ્રારંભિક યોજના મુજબ સ્ટારશિપને લગભગ 10 કલાક સુધી પૃથ્વીની પરિક્રમા કરવાની હતી. પરંતુ મિશન દરમિયાન કરાયેલા રિવ્યૂ બાદ કંટ્રોલર્સે તેને વહેલું પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. ઉડાનના લગભગ 2 કલાક 12 મિનિટ બાદ રોકેટનું ડી-ઓર્બિટ બર્ન પૂર્ણ થયું અને મિશન શરૂ થયાના ત્રીજા કલાકની આસપાસ તેને પ્રશાંત મહાસાગરમાં ઉતારવામાં આવ્યું.
ભારતીય સમય અનુસાર સાંજે 6:16 વાગ્યે રોકેટ લોન્ચ કરાયું હતું. આ પહેલાંની તમામ ઉડાનોમાં સ્ટારશિપને સુરક્ષા જાળવવા અને વધુમાં વધુ ડેટા એકત્રિત કરવા માટે માત્ર સબ-ઓર્બિટલ ટ્રેજેક્ટરી સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યું હતું.
Starship શું છે?
સ્ટારશિપ સ્પેસક્રાફ્ટ (ઉપરનો ભાગ) અને સુપર હેવી બૂસ્ટર (નીચેનો ભાગ)ને સામૂહિક રીતે ‘સ્ટારશિપ‘ કહેવામાં આવે છે. તેની ઊંચાઈ 403 ફૂટ છે.
ઓર્બિટલ અને સબ-ઓર્બિટલ ટ્રેજેક્ટરી વચ્ચેનો તફાવત
સબ-ઓર્બિટલ: રોકેટ અવકાશની સીમા સુધી પહોંચે છે, પરંતુ પૃથ્વીની ગતિ અને ગુરુત્વાકર્ષણને કારણે પરિક્રમા કર્યા વિના પાછું નીચે પડી જાય છે.
ઓર્બિટલ: રોકેટ એટલી ઝડપ અને યોગ્ય કોણે ઉડે છે કે તે ગુરુત્વાકર્ષણને સંતુલિત કરી સતત કક્ષામાં પરિક્રમા કરવા લાગે છે.
મૂળ યોજના: 275 કિમીની ઊંચાઈ, પૃથ્વીના 6 ચક્કર
યોજના મુજબ સ્ટારશિપ જમીનથી આશરે 275 કિલોમીટરની ઊંચાઈ પર ઉડાન ભરવાનું હતું અને લગભગ 10 કલાકમાં પૃથ્વીના 6 ચક્કર પૂર્ણ કરવાનું હતું. મિશન બાદ રોકેટ ચિલી નજીક પ્રશાંત મહાસાગરમાં સુરક્ષિત રીતે ઉતરવાનું હતું, જેને સ્પ્લેશડાઉન કહેવામાં આવે છે.
પ્રથમવાર 26 સ્ટારલિંક V3 સેટેલાઇટ
આ ઉડાન દ્વારા પહેલીવાર નવી ટેક્નોલોજી ધરાવતા 26 ‘સ્ટારલિંક V3’ સેટેલાઇટ અવકાશમાં મોકલવામાં આવ્યા. તેનાથી વિશ્વભરમાં ઇન્ટરનેટની ઝડપ અને નેટવર્ક સુધરશે તેવી અપેક્ષા છે.
આ નવા મૉડલનો એક સેટેલાઇટ (Satellite) નેટવર્કમાં પ્રતિ સેકન્ડ 1 ટેરાબિટ (Tbps)ની ક્ષમતા ઉમેરશે, એટલે કે આ એક મિશનથી કુલ 26 Tbpsની ક્ષમતા ઉમેરાશે. ફૉલ્કન 9 દ્વારા મોકલાતા નાના સેટેલાઇટની સરખામણીએ આ આશરે 10 ગણી વધુ છે.
રૉકેટથી અલગ થતાં જ સેટેલાઇટ પોતાના એન્ટેના અને સોલર પેનલ (Solar panel)ખોલી દેશે અને રેડિયો તરંગો (Radio waves)તથા લેસર દ્વારા જમીન અને અન્ય સેટેલાઇટ સાથે સંપર્ક સ્થાપશે. ત્યારબાદ નાના એન્જિનોની મદદથી નિર્ધારિત કક્ષામાં પહોંચી, પ્રારંભિક તપાસ બાદ ઇન્ટરનેટ સેવા શરૂ કરશે.
3 સેટેલાઇટમાં કેમેરા, હીટશીલ્ડ પર નજર
આ મિશનના 3 સેટેલાઇટમાં હાઈ-ટેક કેમેરા લગાવાયા છે. તે સ્ટારશિપની હીટશીલ્ડ (ગરમીથી બચાવતી બાહ્ય પરત) સ્કેન કરશે અને તસવીરો સીધી વૈજ્ઞાનિકો (Scientist)ને મોકલશે. તેનાથી પૃથ્વી પર પરત ફરતી વખતે હીટશીલ્ડ કેટલી સુરક્ષિત રહે છે તે સમજવામાં મદદ મળશે. આ પરિણામો ભવિષ્યમાં રોકેટને લોન્ચ પેડ પર સુરક્ષિત રીતે પરત ઉતારવામાં કામ આવશે.
આ પણ વાંચો: નેપાળ પૂરની સેટેલાઇટ ઇમેજ આઉટ; 500થી વધુ પ્રવાસીઓ લાપતા, ભારતે લંબાવ્યો મદદનો હાથ
આ પણ વાંચો: ઈસરોએ લોન્ચ કર્યો ‘નોટી બોય’, 36 હજાર કિમી ઉપરથી ભારત પર રાખશે સતત નજર!
આ પણ વાંચો: ગુજરાત માટે અંતરિક્ષ ક્ષેત્રે મોટો દિવસ! કોડીનારમાં સ્પેસ પાર્કને ISROની મંજૂરી
