ISRO Launch EOS-05: ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ISROએ અંતરિક્ષ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ સફળતા મેળવી છે. શ્રીહરિકોટાના સતીષ ધવન સ્પેસ સેન્ટર પરથી GSLV-F17 રોકેટ દ્વારા EOS-05 એટલે કે GISAT-1A સેટેલાઈટનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ સેટેલાઈટ જિઓસિન્ક્રોનસ ઓર્બિટમાં રહીને ભારતના વિશાળ ભૂભાગનું સતત નિરીક્ષણ કરવામાં મદદ કરશે.
વહેલી સવારે 2:55 વાગ્યે થયું લોન્ચિંગ
મળતી માહિતી મુજબ, 4 સપ્ટેમ્બર 2026ના રોજ સવારે 2:55 વાગ્યે સ્પેસ સેન્ટરના(ISRO) બીજા લોન્ચ પેડ પરથી મિશન લોન્ચ કરવામાં આવ્યું હતું. આશરે 2,367 કિલોગ્રામ વજન ધરાવતા EOS-05ને GSLVની 19મી ઉડાન મારફતે અંતરિક્ષમાં મોકલવામાં આવ્યો છે. લાંબા વિરામ બાદ ઈસરોનું આ મહત્વપૂર્ણ મિશન હોવાનું જણાવવામાં આવ્યું છે.
36 હજાર કિલોમીટર ઉપરથી ભારત પર નજર
EOS-05ની સૌથી મોટી ખાસિયત તેની ઓર્બિટ છે. સેટેલાઈટ પૃથ્વીથી લગભગ 36,000 કિલોમીટર ઉપર જિઓસિન્ક્રોનસ ઓર્બિટમાં રહીને ભારતીય ઉપમહાદ્વીપનું નિરીક્ષણ કરશે. સામાન્ય રિમોટ સેન્સિંગ સેટેલાઈટની(ISRO) સરખામણીએ આ સેટેલાઈટ વધુ ઝડપથી મોટા વિસ્તારનો ડેટા ઉપલબ્ધ કરાવી શકે છે. આ સેટેલાઈટ લગભગ દર 30 મિનિટે સમગ્ર ભારતના ભૂભાગની તસવીરો લઈ શકશે. જ્યારે કોઈ મોટી કટોકટી સર્જાય ત્યારે આ અંતરાલને ઘટાડીને આશરે 5 મિનિટ સુધી લાવી શકાય તેવી ક્ષમતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Mission Success!
GSLV-F17 has successfully accomplished its mission, placing EOS-05 into the intended orbit.
Sharing a few memorable moments from the lift-off.
For more information:https://t.co/VneB2jgZoY#GSLVF17 #EOS05 #ISRO pic.twitter.com/kv0zB6V5Vi
— ISRO (@isro) September 3, 2026
પૂર, વાવાઝોડા અને આગની જાણકારીમાં મદદરૂપ
EOS-05માં આશરે 700 મિલીમીટરનું હાઈ-ટેક ટેલિસ્કોપ લગાવવામાં આવ્યું છે. તે વિઝિબલ, નિયર-ઈન્ફ્રારેડ અને શોર્ટ-વેવ ઈન્ફ્રારેડ બેન્ડમાં ડેટા એકત્ર કરી શકે છે. આ ટેક્નોલોજીનો ઉપયોગ પૂર, વાવાઝોડું અને જંગલની આગ જેવી કુદરતી આપત્તિઓનું ઝડપી મોનિટરિંગ કરવા માટે થઈ શકે છે. આ ઉપરાંત કૃષિ ક્ષેત્રે પાકની સ્થિતિ, જમીનની ભેજ, પર્યાવરણ અને રાષ્ટ્રીય સુરક્ષા જેવા ક્ષેત્રોમાં પણ તેનો ઉપયોગ મહત્વપૂર્ણ બની શકે છે.
2021ની નિષ્ફળતા બાદ મહત્વપૂર્ણ વાપસી
વર્ષ 2021માં GSLV-F10 મિશન દરમિયાન ક્રાયોજેનિક સ્ટેજમાં ખામી સર્જાતા GISAT-1 એટલે કે EOS-03 સેટેલાઈટ નિર્ધારિત ઓર્બિટમાં પહોંચી શક્યો નહોતો. ત્યારબાદ GSLV રોકેટને અનૌપચારિક રીતે ‘નોટી બોય’ તરીકે ઓળખવામાં આવતું રહ્યું છે. હવે GSLV-F17ની સફળ ઉડાન ઈસરો માટે મહત્વપૂર્ણ વાપસી માનવામાં આવી રહી છે. આ સફળતા સાથે ભારતની અર્થ ઓબ્ઝર્વેશન, આપત્તિ વ્યવસ્થાપન અને સર્વેલન્સ ક્ષમતામાં વધુ વધારો થવાની આશા છે.
આ પણ વાંચો: ઈસરોનું બાહુબલી LVM3 લોન્ચ કરાયું, હવે બદલાશે મોબાઇલ નેટવર્કનું ભવિષ્ય
આ પણ વાંચો:ઈસરોની મેગા યોજના! ભારત પોતાનું સ્પેસ સ્ટેશન બનાવશે, ચંદ્ર પર અવકાશયાત્રીઓ મોકલશે
આ પણ વાંચો: ઈસરો દ્વારા શાળાના બાળકો માટે આયોજિત “યુવા વૈજ્ઞાનિક કાર્યક્રમ “યુવિકા 2025 “નું ઉદ્ઘાટન
