ગુજરાત,
રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ આરટીઇ અંતર્ગત ગરીબ બાળકોને ખાનગી શાળાઓમાં પ્રવેશ આપવામાં આવે છે. ગુજરાતમાં આરટીઈ હેઠળ વિદ્યાર્થીઓને પ્રવેશની પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ સુધીમાં આરટીઈ હેઠળ ધો-1માં પ્રવેશ માટે 2.51 લાખ વિદ્યાર્થીઓનાં ફોર્મ ભરાયા છે. ઓનલાઈન ભરાયેલા ફોર્મ પૈકી 1.87 લાખ ફોર્મ રિસિવિંગ સેન્ટર પર જમા થયા છે. વળી ઓફલાઈન ભરાયેલા ફોર્મને ઓનલાઈન મુકવાની કામગીરી તા. 29મી એપ્રિલ સુધી ચાલશે. આ કાર્યવાહી પૂર્ણ થયા બાદ તા. 1લી મે સુધીમાં જે તે જિલ્લાનાં ડીઈઓ અને ડીપીઈઓ દ્વારા ફોર્મની ચકાસણી કરીને મંજૂર અને નામંજૂરની નોંધ કરવામાં આવશે.
રાજ્યભરની શાળાઓમાં આરટીઇ અંતર્ગત પ્રવેશ માટે એપ્રિલ મહિનામાં ઓનલાઇન પ્રક્રિયા શરૂ કરવામાં આવતી હોય છે, જેના પગલે હવે વિદ્યાર્થીઓનાં પ્રવેશ પ્રક્રિયાની કામગીરી ચાલી રહી છે. આવતા મહિનાની પહેલી તારીખ સુધીમાં ફોર્મને લગતુ ચિત્ર સ્પષ્ટ થયા બાદ તા. 6મે નાં રોજ પ્રવેશ માટેની પ્રથમ યાદી જાહેર કરવામાં આવશે. મળી રહેલી માહિતી મુજબ આ યાદી જાહેર થયા બાદ વાલીઓએ તા. 13મી મે સુધીમાં જે તે સ્કુલમાં દસ્તાવેજ જમા કરાવીને પ્રવેશ કન્ફર્મ કરવાનું રહેશે.
.
