Stock Market Recovery: ભારતીય શેરબજારમાં આજે એક રોલરકોસ્ટર રાઈડ જોવા મળી હતી. સવારે ભારે કડાકા સાથે ખૂલેલા બજારમાં બપોર બાદ અચાનક ઐતિહાસિક રિકવરી જોવા મળી હતી. શરૂઆતી કારોબારમાં નિફ્ટી અને સેન્સેક્સમાં ભારે ગિરાવટ નોંધાઈ હતી, પરંતુ દિવસના અંતે આઈટી (IT) અને બેન્કિંગ સેક્ટરના શેરોએ બજારને ‘રોકેટ’ ગતિએ ઉપર ખેંચ્યું હતું.
Stock Market: આંકડા શું કહે છે?
સેન્સેક્સ (Sensex): દિવસના સૌથી નીચલા સ્તર (71,545) થી સેન્સેક્સમાં 1800 પોઈન્ટથી વધુનો ઉછાળો આવ્યો હતો અને અંતે 185 પોઈન્ટના વધારા સાથે 73,319 પર બંધ રહ્યો હતો.
નિફ્ટી (Nifty): દિવસના નીચલા સ્તર (22,182) થી 531 પોઈન્ટની શાનદાર રિકવરી બતાવીને નિફ્ટી 33 પોઈન્ટના મામૂલી વધારા સાથે 22,713 પર બંધ થયો હતો.
કયા શેરો અને સેક્ટર બન્યા રોકેટ?
બીએસઈ (BSE) ના ટોપ 30 શેરો સવારે રેડ ઝોનમાં હતા, માત્ર TCS અને HCL સિવાય તમામ શેરો તૂટ્યા હતા. પરંતુ બજાર બંધ થતા સુધીમાં 18 શેરોમાં જબરદસ્ત તેજી જોવા મળી. ખાસ કરીને HCL Tech અને Tech Mahindra ના શેરોમાં 3 ટકાનો મોટો ઉછાળો નોંધાયો હતો. આઈટી, બેન્કિંગ, ડિફેન્સ, મેટલ અને ટેલિકોમ સેક્ટરે આ રિકવરીમાં સૌથી મોટો ફાળો આપ્યો હતો. જ્યારે એફએમસીજી (FMCG) સેક્ટરમાં પણ નીચલા સ્તરેથી ખરીદી જોવા મળી.

અચાનક બજારમાં તેજી કેમ આવી?
સવારે બજાર 2 ટકા જેટલું તૂટી ગયા બાદ લાર્જ કેપ શેરો સસ્તા ભાવે મળતા રોકાણકારોએ નીચલા સ્તરેથી ધૂમ ખરીદી (Value Buying) શરૂ કરી હતી. આ ઉપરાંત, RBI દ્વારા ફોરેક્સ ટ્રેડિંગના નિયમો કડક કરવામાં આવતા રૂપિયામાં છેલ્લા 12 વર્ષની સૌથી મોટી રિકવરી જોવા મળી હતી. ડોલર સામે રૂપિયો ૨% મજબૂત થઈને 92.87 પર પહોંચ્યો હતો, જેનાથી શેરબજારના રોકાણકારોનો ઉત્સાહ વધ્યો હતો. સાથોસાથ, ‘જેફરીઝ’ (Jefferies) જેવી મોટી બ્રોકરેજ ફર્મ્સના રિપોર્ટમાં પણ એવું માનવામાં આવ્યું હતું કે ભારતીય બજાર ‘ઓવરસોલ્ડ’ (oversold) થઈ ચૂક્યું છે. આ રિપોર્ટ બાદ રોકાણકારોએ મોટા સેક્ટરમાં ફરી વિશ્વાસ બતાવીને ખરીદી શરૂ કરી દીધી હતી.
સવારે બજાર કેમ કડડભૂસ થયું હતું?
નોંધનીય છે કે, સવારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ઈરાન યુદ્ધ અંગે આપવામાં આવેલા અપડેટ બાદ વૈશ્વિક બજારોમાં ગભરાટ ફેલાયો હતો. આ જિયો-પોલિટિકલ ટેન્શનને કારણે ક્રૂડ ઓઇલ (કાચું તેલ) ના ભાવ ભડકે બળીને 107 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયા હતા. જેના પરિણામે સવારે સેન્સેક્સ 1500 અને નિફ્ટી 470 પોઈન્ટથી વધુ તૂટી ગયા હતા, જોકે બપોર બાદ આ આખો સિનારિયો બદલાઈ ગયો હતો.
આ પણ વાંચો:ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી ક્રૂડ ઓઈલ બજારમાં ખળભળાટ, $580 મિલિયનના સટ્ટા સાથે શેરબજારમાં તેજી
આ પણ વાંચો:BSE સેન્સેક્સ,Nifty 50માં જોરદાર ઉછાળો, ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનથી બજારમાં તેજી
આ પણ વાંચો:સપ્તાહના છેલ્લા દિવસે બજારોમાં તેજી! સેન્સેક્સ 900 પોઈન્ટ વધ્યો, નિફ્ટી 23,300 ની નજીક
