15 Years of 2011 World Cup Win: 2 એપ્રિલ 2011નો એ દિવસ દરેક ભારતીય ક્રિકેટ પ્રેમીના હૃદયમાં કોતરાયેલો છે. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં એમ.એસ. ધોનીના એ વિજયી છગ્ગાએ આખા દેશને ઉત્સવમાં ડુબાડી દીધો હતો. આજે આ ઐતિહાસિક જીતને 15 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આ મેચ સાથે જોડાયેલી કેટલીક અજાણી અને રસપ્રદ વાતો ફરી તાજી કરીએ.
World Cupમાં બે વાર કેમ ઉછાળવો પડ્યો સિક્કો?
ક્રિકેટના ઈતિહાસમાં ભાગ્યે જ એવું બને છે કે ફાઈનલ જેવી મોટી મેચમાં બે વાર ટોસ થાય. વાનખેડે સ્ટેડિયમમાં દર્શકોનો એટલો બધો શોર હતો કે જ્યારે ટોસ થયો ત્યારે મેચ રેફરી જેફ ક્રો શ્રીલંકન કેપ્ટન કુમાર સંગાકારાનો અવાજ સાંભળી શક્યા નહોતા. ધોનીને લાગ્યું કે તે ટોસ જીતી ગયો છે, પણ સંગાકારાએ દાવો કર્યો કે તેણે ‘હેડ્સ’ કહ્યું હતું. વિવાદ ટાળવા માટે રેફરીએ ફરીથી ટોસ કરાવ્યો, જેમાં શ્રીલંકા જીત્યું અને બેટિંગ પસંદ કરી.
ધોનીનું ઐતિહાસિક બેટ અને તેની કિંમત
મહેન્દ્ર સિંહ ધોનીએ જે બેટથી વિજયી છગ્ગો ફટકાર્યો હતો, તે બેટ બાદમાં લંડનમાં એક ચેરિટી ડિનર દરમિયાન હરાજીમાં મૂકવામાં આવ્યું હતું. તમને જાણીને નવાઈ લાગશે કે તે સમયે આ બેટ અંદાજે 72 લાખ રૂપિયામાં વેચાયું હતું. જો આજની કિંમત મુજબ ગણતરી કરીએ તો આ રકમ 1 કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. આ બેટ આજે પણ દુનિયાના સૌથી મોંઘા બેટમાંનું એક ગણાય છે.
સચિન તેંડુલકરનો અનોખો ‘ટોટકા’
ક્રિકેટરો અંધવિશ્વાસ કે ‘ટોટકા’ માટે જાણીતા હોય છે. સચિન તેંડુલકર આખા વર્લ્ડ કપ (World Cup) દરમિયાન બેટિંગમાં જતા પહેલા હંમેશા ડાબા પગમાં પેડ પહેલા પહેરતા હતા. World Cup ફાઈનલ મેચમાં જ્યારે સચિન અને સેહવાગ જલ્દી આઉટ થઈ ગયા, ત્યારે સચિન ખૂબ ટેન્શનમાં હતા. તેમણે સેહવાગને પોતાની જગ્યાએથી હલવા પણ દીધો નહોતો. જ્યાં સુધી ધોનીએ છેલ્લો છગ્ગો ન ફટકાર્યો, ત્યાં સુધી સેહવાગ એક જ જગ્યાએ બેસી રહ્યો હતો!
28 વર્ષનો દુષ્કાળ થયો હતો ખતમ
કપિલ દેવના નેતૃત્વમાં 1983માં જીત્યા બાદ ભારતને વર્લ્ડ કપ (World Cup) માટે 28 વર્ષની લાંબી રાહ જોવી પડી હતી. 2011ની આ જીતે સચિન તેંડુલકરનું વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કર્યું હતું અને ટીમ ઈન્ડિયાએ આખી દુનિયામાં પોતાનો ડંકો વગાડ્યો હતો.



