sports news/ IPL કોમેન્ટ્રીને લઈને વિવાદ, ઈયાન બિશપ સાથે સરખામણી થતા હરભજન સિંહે આપ્યો જડબાતોડ જવાબ

IPL 2026 દરમિયાન હરભજન સિંહ પોતાની કોમેન્ટ્રીને લઈને ટ્રોલ થયા છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ સાથે થયેલા શાબ્દિક યુદ્ધમાં સેહવાગ અને આકાશ ચોપરાના નામ પણ ઉછળ્યા છે. જાણો શું છે આખો વિવાદ.

Trending Sports
IPL

IPL Commentary Controversy: ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2026 ની સીઝન અત્યારે પૂરજોશમાં ચાલી રહી છે, પરંતુ આ વખતે મેદાન બહાર પણ એક મોટું ‘શાબ્દિક યુદ્ધ’ છેડાયું છે. પૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહ પોતાની હિન્દી કોમેન્ટ્રીને લઈને સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા બાદ ભડક્યા છે. આ વિવાદ એટલો વધી ગયો છે કે વાત હવે વ્યક્તિગત આક્ષેપો અને ‘જોકર’ જેવા શબ્દો સુધી પહોંચી ગઈ છે.

IPL

ક્યાંથી શરૂ થયો સમગ્ર વિવાદ?

આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ‘X’ (ટ્વિટર) પર એક ક્રિકેટ મીમ એકાઉન્ટ દ્વારા હરભજન સિંહ, વીરેન્દ્ર સેહવાગ અને નવજોત સિંહ સિદ્ધુની કોમેન્ટ્રીની ટીકા કરવામાં આવી. ખાસ કરીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ (RCB) અને સનરાઇઝર્સ હૈદરાબાદ (SRH) વચ્ચેની મેચ દરમિયાન યુઝર્સે ભારતીય કોમેન્ટ્રેટર્સની (IPL) સરખામણી વેસ્ટ ઇન્ડીઝના દિગ્ગજ ઇયાન બિશપ સાથે કરી હતી. યુઝરનો દાવો હતો કે હિન્દી કોમેન્ટ્રીમાં જ્ઞાન અને ઊંડાણનો અભાવ છે.

IPL

હરભજન સિંહનો આકરો પલટવાર

પોતાની ટીકા સહન ન થતા હરભજન સિંહે આક્રમક અંદાજમાં જવાબ આપતા લખ્યું કે, “જ્યારે બજારમાં હાથી ચાલે છે, ત્યારે… ભસે છે.” આ નિવેદન બાદ ટ્રોલર્સ વધુ સક્રિય થયા હતા. એક યુઝરે તો હરભજનની સરખામણી રવિચંદ્રન અશ્વિન સાથે કરીને લખ્યું કે ઈર્ષ્યાને કારણે તમારું કરિયર નીચે ગયું અને હવે કોમેન્ટ્રીનું પણ આવું જ થશે. આના જવાબમાં ભજ્જીએ વધુ કડક શબ્દોમાં લખ્યું, “…ને ઘી પચતું નથી અને તમારા જેવા હારેલા લોકોને જવાબ સહન થતો નથી. નીકળી જાઓ અહીંથી.”

IPL

સેહવાગ અને આકાશ ચોપરા પણ નિશાના પર

આ વિવાદમાં માત્ર હરભજન જ નહીં, પરંતુ વીરેન્દ્ર સેહવાગ અને આકાશ ચોપરાને પણ લપેટવામાં આવ્યા છે. સોશિયલ મીડિયા પર આ ત્રણેય ખેલાડીઓની તસવીરો શેર કરીને તેમને ‘જોકર’ કહેવામાં આવ્યા હતા. અગાઉ ટી-20 વિશ્વ કપ 2026 દરમિયાન પણ આકાશ ચોપરાની કોમેન્ટ્રી શૈલીને લઈને વિવાદ થયો હતો, જે હવે હરભજન સિંહના કિસ્સામાં વધુ ગંભીર બન્યો છે.

IPL

IPLના કોમેન્ટ્રીના સ્તર પર ઉઠ્યા સવાલો

ક્રિકેટ પ્રેમીઓ વચ્ચે અત્યારે બે ભાગલા પડી ગયા છે. કેટલાક લોકોનું માનવું છે કે હિન્દી કોમેન્ટ્રીમાં માત્ર મનોરંજન અને શાયરીઓ પર ભાર મૂકવામાં આવે છે, જ્યારે રમતનું ટેકનિકલ વિશ્લેષણ ઓછું હોય છે. બીજી તરફ, હરભજનના ચાહકો આ પ્રકારના વ્યક્તિગત આક્ષેપોને ખોટા ગણાવી રહ્યા છે.


આ પણ વાંચો: ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં એન્ટ્રી લેતા પહેલા જાણી લો આ નવા નિયમો, RCB એ લીધો મોટો નિર્ણય

આ પણ વાંચો: IPL ની સૌથી મોટી ડીલ: ₹15,286 કરોડમાં વેચાઈ રાજસ્થાન રોયલ્સ, જાણો કોણે ખરીદી?

આ પણ વાંચો:શું સંજુ સેમસન લેશે ધોનીની જગ્યા? CSK માં સંજુના એન્ટ્રીથી માહીના ફેન્સમાં ચિંતા, જાણો શું છે પ્લાન