Narmada Election News: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની જાહેરાત થતાની સાથે જ વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે. નર્મદા જિલ્લામાં ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થાય તે પહેલાં જ રાજ્ય ચૂંટણી આયોગે એક મોટી ટેકનિકલ ભૂલ કરી છે. જિલ્લાની 2-ભચરવાડા તાલુકા પંચાયત બેઠક માટે ચૂંટણી અધિકારી (RO) કે મદદનીશ ચૂંટણી અધિકારી (ARO) ની નિમણૂક જ કરવામાં આવી નથી. આ મોટી ચૂકને કારણે આ બેઠકની ચૂંટણી પ્રક્રિયા પર પ્રશ્નાર્થ ચિન્હ લાગી ગયો છે.
રાજકીય રીતે અત્યંત મહત્વની છે આ બેઠક
નર્મદા જિલ્લા પંચાયતની 22 અને 6 તાલુકા પંચાયતની 102 બેઠકો માટે આયોગે અગાઉથી અધિકારીઓની નિમણૂકની યાદી જાહેર કરી છે, પરંતુ તેમાં અત્યંત રાજકીય મહત્વ ધરાવતી 2-ભચરવાડા બેઠકનું નામ જ ગાયબ છે. નોંધનીય છે કે, ગત ટર્મમાં આ બેઠક અનુસૂચિત આદિજાતિ (મહિલા) માટે અનામત હતી, પરંતુ આ વખતે તેમાં ફેરફાર કરીને તેને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ (બક્ષીપંચ) માટે અનામત જાહેર કરાઈ છે.
અગાઉ આ જ બેઠક પરથી કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યના પૌત્રવધુ અને ભાજપના પૂર્વ ધારાસભ્યના સાળાની દીકરી વિજેતા બની ચૂક્યા છે. આ તમામ રાજકીય સમીકરણો વચ્ચે હવે મુખ્ય સવાલ એ ઊભો થયો છે કે જે બેઠક માટે કોઈ અધિકારી જ નક્કી નથી, ત્યાં ઉમેદવારી ફોર્મ ભરવાથી લઈને મતગણતરી સુધીની જવાબદારી કોણ નિભાવશે, જેને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ગરમાવો આવી ગયો છે.
તંત્રએ ભૂલ સ્વીકારી: જલ્દી નિવેડો લાવવાની ખાતરી
આ ગંભીર છબરડા અંગે જ્યારે નાંદોદના તાલુકા વિકાસ અધિકારી (TDO) પઠાણનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમણે આ વહીવટી ચૂક હોવાનું સ્વીકાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, “આ એક ટેકનિકલ ક્ષતિ છે. અમે આ બાબતે રાજ્ય ચૂંટણી આયોગનું ધ્યાન દોર્યું છે અને ટૂંક સમયમાં જ આ પ્રશ્નનો ઉકેલ લાવીને સંબંધિત અધિકારીની નિમણૂક કરી દેવામાં આવશે.”
રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા અન્ય બેઠકો માટે કરાયેલી નિમણૂકોની યાદી
Narmada : જિલ્લા પંચાયત બેઠકો માટે (ચૂંટણી / મદદનીશ ચૂંટણી અધિકારી):
નાંદોદ તાલુકો (4 બેઠક): આમલેથા, પ્રતાપનગર, ભદામ, વડિયા (નાયબ કલેક્ટર-1 અને મામલતદાર/PRO, કલેક્ટર કચેરી).
તિલકવાડા તાલુકો (3 બેઠક): અગર, તિલકવાડા, દેવલીયા (ડેપ્યુટી DDO-પંચાયત અને મામલતદાર/TDO).
ગરુડેશ્વર તાલુકો (4 બેઠક): ગરુડેશ્વર, કેવડિયા, ખડગદા, નઘાતપોર (જિલ્લા પુરવઠા અધિકારી અને મામલતદાર/TDO).
દેડિયાપાડા તાલુકો (5 બેઠક): દેડિયાપાડા 1 અને 2, મંડાળા, મોરજડી, સામોટ (પ્રાંત અધિકારી અને મામલતદાર/TDO).
ચીકદા તાલુકો (2 બેઠક): આંબાવાડી, ચીકદા (ડેપ્યુટી DDO-પંચાયત અને મામલતદાર/TDO)
સાગબારા તાલુકો (4 બેઠક): જાવલી, ખોપી, સાગબારા, સેલંબા (નગર નિયોજક-નર્મદા અને મામલતદાર/TDO).
તાલુકા પંચાયત બેઠકો માટે (ચૂંટણી / મદદનીશ ચૂંટણી અધિકારી):
નાંદોદ (17 બેઠકો – 2-ભચરવાડા બાકાત): 9 બેઠકો માટે મામલતદાર/નાયબ મામલતદાર, જ્યારે 8 બેઠકો માટે TDO/ATDO.
તિલકવાડા (16 બેઠકો): 10 બેઠકો માટે મામલતદાર/નાયબ મામલતદાર, જ્યારે 6 બેઠકો માટે TDO/વિસ્તરણ અધિકારી.
ગરુડેશ્વર (16 બેઠકો): 8 બેઠકો માટે મામલતદાર/નાયબ મામલતદાર, જ્યારે 8 બેઠકો માટે TDO/ATDO.
દેડિયાપાડા (18 બેઠકો): 11 બેઠકો માટે મામલતદાર/નાયબ મામલતદાર, જ્યારે 7 બેઠકો માટે TDO/ATDO.
ચીકદા (16 બેઠકો): 8 બેઠકો માટે મામલતદાર/નાયબ મામલતદાર, જ્યારે 8 બેઠકો માટે TDO/ATDO.
સાગબારા (18 બેઠકો): 9 બેઠકો માટે મામલતદાર/નાયબ મામલતદાર, જ્યારે 9 બેઠકો માટે TDO/ATDO
આ પણ વાંચો:યાત્રા બની શોકાંતિકા! વડોદરાના બે શિક્ષકો નર્મદા કેનાલમાં ડૂબ્યા,
આ પણ વાંચો:ખેડાના ગળતેશ્વર નજીક 3 યુવકો નર્મદા કેનાલમાં ડૂબ્યા, એકનો મૃતદેહ મળ્યો, બેની શોધખોળ ચાલુ
આ પણ વાંચો:નભોઈ કેનાલમાં ખાબકી કાર, પાંચ ડૂબ્યા: બેના લોકોના મળ્યા મૃતદેહ
