Sonipat Tower Incident: હરિયાણાના સોનીપતમાંથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમે હસી-હસીને લોથપોથ થઈ જશો. અહીં એક 56 વર્ષીય આધેડ વ્યક્તિ પોતાના લગ્ન ન થવાને કારણે અને ‘કુંવારા પેન્શન’ ન મળવાને કારણે 160 ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચઢી ગયો હતો. આ હાઈવોલ્ટેજ ડ્રામા લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલ્યો અને અંતે દૂધ પીધા પછી જ ભાઈ નીચે ઉતર્યા!

Sonipat : શું હતી આખી ઘટના?
સોનીપતના જાજી ગામના રહેવાસી જયભગવાન (ઉંમર 56 વર્ષ) ગુરુવારે સવારે 7 વાગ્યે અચાનક ડીસી ઓફિસની છત પર લાગેલા મોબાઈલ ટાવર પર ચઢી ગયા હતા. 160 ફૂટની ઊંચાઈએ જઈને તે આરામથી બેસી ગયા. જ્યારે આસપાસના લોકોએ તેમને જોયા ત્યારે પોલીસને જાણ કરી. પોલીસ અને વહીવટી અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેમને નીચે ઉતરવા માટે વિનંતી કરવા લાગ્યા.
પોલીસ પાસે કરી અજીબ ડિમાન્ડ
જ્યારે પોલીસે નીચેથી બૂમો પાડીને પૂછ્યું કે “કેમ ઉપર ચઢ્યા છો?”, ત્યારે જયભગવાને અજીબ માંગણીઓ શરૂ કરી. તેમણે કહ્યું, “મને ભૂખ લાગી છે, પહેલા દૂધ લાવી આપો તો જ નીચે ઉતરીશ!” છેવટે પોલીસે દોરડાની મદદથી દૂધની થેલી ઉપર પહોંચાડી. ટાવર પર બેસીને શાંતિથી દૂધ પીધા પછી જ જયભગવાન સાડા દસ વાગ્યે નીચે ઉતર્યા.

ટાવર પર ચઢવા પાછળના 2 મુખ્ય કારણો:
નીચે ઉતર્યા પછી જયભગવાને કુંવારા પેન્શનની માંગ કરતા જણાવ્યું કે, “મારી ઉંમર 56 વર્ષ થઈ ગઈ છે પણ હજુ લગ્ન થયા નથી. સરકાર ગામમાં બીજા બધાને ‘અવિવાહિત પેન્શન’ આપે છે, પણ મને હજુ સુધી આ યોજનાનો લાભ મળ્યો નથી.” આ સાથે જ તેમણે વળતર અંગે પણ નારાજગી વ્યક્ત કરી હતી. જયભગવાનનો આરોપ છે કે તેમની એક એકર જમીન પર ટાવર લાગ્યો છે જેના બદલે તેમને માત્ર 90 હજાર રૂપિયા મળ્યા છે, જ્યારે હવે લોકોને 1-1 કરોડ રૂપિયા મળે છે, જેથી તેમને પણ 1 કરોડનું વળતર મળવું જોઈએ.
પહેલા પણ 14 દિવસ ટાવર પર રહ્યા હતા!
પોલીસના જણાવ્યા અનુસાર, જયભગવાન નશાના આદિ છે અને આ તેમની પહેલી કરામત નથી. 6 વર્ષ પહેલા પણ તે પોતાના ગામમાં ટાવર પર ચઢી ગયા હતા અને સતત 14 દિવસ સુધી ટાવર પર જ રહ્યા હતા! હાલમાં પોલીસે તેમને સુરક્ષિત રીતે નીચે ઉતારી લીધા છે.
આ પણ વાંચો: હરિયાણાના છાયાંસા ગામમાં 15 દિવસમાં 12 મોત, કારણ જાણી તમે પણ ચોકી જશો
આ પણ વાંચો: હરિયાણામાં હાનિકારક રસાયણ મળતાં કફ સિરપ ખરીદી,વેચાણ પર પ્રતિબંધ
આ પણ વાંચો: હરિયાણાના વિજ વિભાગમાં ₹1,500 કરોડનું scam: છ જિલ્લાઓમાં ગેરરીતિઓ
