india news/ 8મું પગાર પંચ વિવિધ રાજ્યોની મુલાકાત લેશે, 24 એપ્રિલે ઉત્તરાખંડથી થશે શરૂઆત

8મા પગાર પંચ (8th Pay Commission)ના સભ્યો 24 એપ્રિલથી વિવિધ રાજ્યોની મુલાકાત શરૂ કરશે. કર્મચારી સંગઠનો OPS, DA મર્જર અને પગાર વધારા અંગે રજૂઆત કરશે. જાણો પૂરો અહેવાલ.

Top Stories NATIONAL India
8th Pay Commission News

8th Pay Commission News: દેશના અંદાજે 75 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, તે 8મા પગાર પંચ (8th CPC) એ હવે તેની અંતિમ ભલામણો તૈયાર કરવા માટે કમર કસી છે. આ પ્રક્રિયાના ભાગરૂપે, પગાર પંચના સભ્યો હવે દેશના વિવિધ રાજ્યોની મુલાકાત લઈને વિવિધ કર્મચારી સંગઠનો અને એસોસિએશનોના અભિપ્રાય લેશે.

24 એપ્રિલે દહેરાદૂનથી પ્રથમ મુલાકાત

પગાર પંચની આ દેશવ્યાપી મુલાકાતનો પ્રારંભ 24 એપ્રિલે ઉત્તરાખંડના દહેરાદૂનથી થશે. આ મુલાકાત દરમિયાન સભ્યો કર્મચારી સંગઠનો સાથે સીધો સંવાદ કરશે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પગાર સુધારણા (Pay Revision) અંગે વિગતવાર ચર્ચાઓ થશે, જ્યાં કર્મચારી સંગઠનો પોતાની રજૂઆતો પંચ સમક્ષ મૂકશે.

ઓનલાઇન પોર્ટલ અને મેમોરેન્ડમની છેલ્લી તારીખ

પગાર પંચે સૂચનો માટે પહેલેથી જ એક ઓનલાઇન પોર્ટલ શરૂ કરી દીધું છે. કર્મચારી સંગઠનો અને સંસ્થાઓ પાસે મેમોરેન્ડમ સબમિટ કરવા માટે 30 એપ્રિલ 2026 સુધીનો સમય છે. આગામી થોડા મહિનાઓમાં પંચ દ્વારા આવા વધુ પ્રવાસોનું આયોજન કરવામાં આવશે, જેથી દરેક પ્રાદેશિક સમસ્યાઓ અને જરૂરિયાતોને ભલામણમાં સામેલ કરી શકાય.

કર્મચારીઓની મુખ્ય માંગણીઓ શું છે?

વિવિધ કર્મચારી સંગઠનોએ નરેન્દ્ર મોદી સરકાર સમક્ષ અનેક મહત્વની માંગણીઓ મૂકી છે. આ માંગણીઓમાં 50% મોંઘવારી ભથ્થા (DA/DR) ને બેઝિક પે (પગાર/પેન્શન) માં મર્જ કરવાની અને 1 જાન્યુઆરી 2026થી પગાર/પેન્શનના 20% હિસ્સાને વચગાળાની રાહત તરીકે આપવાની વિનંતી કરવામાં આવી છે. આ ઉપરાંત, નેશનલ પેન્શન સ્કીમ (NPS)ને રદ કરીને જૂની પેન્શન યોજના (OPS) ફરીથી લાગુ કરવાની તેમજ કેન્દ્રીય નોકરીઓમાં આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ પ્રથા બંધ કરવાની પણ રજૂઆત કરાઈ છે. સાથોસાથ, જોખમી અને મુશ્કેલ પરિસ્થિતિમાં કામ કરતા રેલવે, CAPF અને સંરક્ષણ કર્મચારીઓ માટે ઉચ્ચ વળતર અને વિશેષ ભથ્થાની પણ માંગણી કરવામાં આવી છે.

8th Pay Commission : કોને થશે ફાયદો?

8મા પગાર પંચની ભલામણો લાગુ થવાથી દેશના અંદાજે 75 લાખ કેન્દ્રીય કર્મચારીઓ (રેલવે, સંરક્ષણ અને PSU સહિત) અને 69 લાખ પેન્શનરોને સીધો ફાયદો થશે. સરકારે નવેમ્બર 2025માં પંચને 18 મહિનામાં રિપોર્ટ સબમિટ કરવા કહ્યું હતું. જોકે, આ પ્રક્રિયામાં થતા વિલંબને કારણે કર્મચારીઓ હવે DA ને બેઝિક પગારમાં જોડવાની માંગ પર ભાર મૂકી રહ્યા છે.


આ પણ વાંચો:નવું વર્ષ શરૂ થતાં જ મોંઘવારીનો ફટકો, 19 કિલો LPG સિલિન્ડરના ભાવ વધ્યા

આ પણ વાંચો:આઠમા પગાર પંચથી લઈને LPGના ભાવ… આજથી બદલાશે આ 10 નિયમો, તમારા ખિસ્સાને થશે અસર

આ પણ વાંચો: આજથી 8મું પગાર પંચ અમલમાં, કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મોટી ખુશખબર