Jamnagar ACB Trap Today: ભ્રષ્ટાચાર મુક્ત ગુજરાતના અભિયાન હેઠળ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ જામનગરમાં મોટી કાર્યવાહી કરી છે. જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી સેન્ટ્રલ પબ્લિક વર્ક ડિપાર્ટમેન્ટ (CPWD) ની કચેરીમાં ટ્રેપ ગોઠવીને એસીબીએ મદદનીશ ઇજનેર વિજયકુમાર બાબુલાલ મીનાને ₹4,52,000ની લાંચ લેતા ધરપકડ કરી છે.
શું હતો સમગ્ર મામલો?
આ કેસની વિગતો મુજબ, ફરિયાદીના મિત્રને બે મહત્વના ઇલેક્ટ્રિક કામગીરીના કોન્ટ્રાક્ટ મળ્યા હતા, જેમાં જામનગરના લાખાબાવડ પાટિયા પાસે ડબ્લ્યુ.એચ.ઓ. (WHO) અને આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા નિર્મિત દવાઓના રિસર્ચ સેન્ટરમાં ઇલેક્ટ્રિક કામગીરી અને દેવભૂમિ દ્વારકાના મોજપ ગામે આવેલા બી.એસ.એફ. (BSF) મરીન તાલીમ કેન્દ્રમાં ઇલેક્ટ્રિક ફિટિંગની કામગીરીનો સમાવેશ થાય છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ તેના બિલો મંજૂર કરવાના બાકી હતા, જે બિલો પાસ કરવાના બદલામાં આક્ષેપિત મદદનીશ ઇજનેર વિજયકુમાર મીનાએ ફરિયાદીના મિત્ર પાસે લાંચની માંગણી કરી હતી.

Jamnagarમાં ACBએ ગોઠવ્યું છટકું
ફરિયાદીના મિત્ર લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એસીબીનો સંપર્ક કર્યો હતો. જે આધારે આજે તા. 02/04/2026 ના રોજ આયુર્વેદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી CPWD ની કચેરીમાં છટકું ગોઠવવામાં આવ્યું હતું. લાંચિયા એન્જિનિયર વિજયકુમાર મીનાએ પોતાની ચેમ્બરમાં જ ફરિયાદી સાથે વાતચીત કરી અને ₹4,52,000 ની રકમ સ્વીકારી હતી.
લાંચની રકમ સ્વીકાર્યા બાદ તેમણે ફરિયાદીના મિત્ર સાથે ફોન પર વાત કરી રકમ મળી ગયાની કબૂલાત પણ કરી હતી, તે જ સમયે એસીબીની ટીમે ત્રાટકીને તેમને રંગેહાથ ઝડપી પાડ્યા હતા. એસીબીએ લાંચની પૂરેપૂરી રકમ રિકવર કરી અધિકારી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
