Haryana News : હરિયાણાના શ્રમ મંત્રી અનિલ વિજના વિભાગમાં અંદાજે ₹1,500 કરોડના મોટા કૌભાંડનો ખુલાસો થયો છે. પ્રારંભિક તપાસમાં બોર્ડ સભ્યોની નિમણૂકથી લઈને યોજનાઓના અમલ સુધી ગંભીર અનિયમિતતાઓ સામે આવી છે. મામલાની ગંભીરતા જોતા મંત્રી અનિલ વિજે મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીને પત્ર લખીને સમગ્ર કૌભાંડ (scam) ની તપાસ પ્રતિષ્ઠિત સ્વતંત્ર તપાસ એજન્સી દ્વારા કરાવવાની ભલામણ કરી છે.
અનિલ વિજે જણાવ્યું હતું કે તાજેતરમાં યોજાયેલી બોર્ડ મીટિંગ દરમિયાન બાંધકામ કામદારોને મળતા લાભોના વિતરણમાં શંકાસ્પદ વ્યવહારો સામે આવ્યા હતા. તપાસમાં ખુલ્યું કે હિસાર, કૈથલ, જીંદ, સિરસા, ફરીદાબાદ અને ભિવાની સહિત છ જિલ્લાઓમાં વ્યાપક ગેરરીતિઓ થઈ છે.
કૌભાંડ (scam)માં વર્ક સ્લિપ વેરિફિકેશનમાં ચોંકાવનારા આંકડા
ઓગસ્ટ 2023થી માર્ચ 2025 દરમિયાન જારી થયેલી ઓનલાઈન વર્ક સ્લિપની ચકાસણી માટે જિલ્લા-સ્તરીય સમિતિઓ રચવામાં આવી છે. અત્યાર સુધી 13 જિલ્લાઓમાં 100 ટકા ચકાસણી પૂર્ણ થઈ છે.
-
કુલ વર્ક સ્લિપ: 5,99,758
-
સાચી વર્ક સ્લિપ: 53,249
-
ખોટી વર્ક સ્લિપ: 5,46,509
તે જ રીતે,
-
નોંધાયેલા મજૂરો: 2,21,517
-
સાચા મજૂરો: 14,240
-
નકલી મજૂરો: 1,93,756
આખા ગામો દ્વારા છેતરપિંડીનો આરોપ
અનિલ વિજે જણાવ્યું કે અનેક સ્થળોએ આખા ગામોએ છેતરપિંડી કરીને ખોટું રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેથી અયોગ્ય લોકો સરકારી યોજનાઓનો લાભ લઈ શકે. એક મજૂરને વિવિધ યોજનાઓમાંથી આશરે ₹2.5 લાખ સુધીનો લાભ મળે છે, જેના કારણે આ કૌભાંડ (scam)થી સરકારને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે.
આ કૌભાંડ (scam) ની તપાસ દરમિયાન સેવા અધિકારની સમયમર્યાદા સ્થગિત કરવામાં આવી છે, સરલ કેન્દ્રોને નવી અરજીઓ ન સ્વીકારવા સૂચના આપવામાં આવી છે અને તમામ ફરિયાદ નિવારણ પ્લેટફોર્મને જરૂરી માહિતી આપવામાં આવી છે. જોકે, પહેલેથી મંજૂર થયેલી પેન્શન યોજનાઓ બંધ કરાઈ નથી અને મૃત્યુ, અકસ્માત તથા અંતિમ સંસ્કાર સહાય જેવી યોજનાઓના લાભો ઝડપથી આપવામાં આવી રહ્યા છે.
