Banaskantha News/ અમીરગઢના કાકવાડામાં પાણીનો પોકાર : નદીમાં વીરડો બનાવી મહિલાઓ પાણી ભરવા મજબૂર

કેટલાક પરિવારો તો વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા છે

Top Stories Gujarat
Beginners guide to 2025 03 09T200245.250 અમીરગઢના કાકવાડામાં પાણીનો પોકાર : નદીમાં વીરડો બનાવી મહિલાઓ પાણી ભરવા મજબૂર

 Banaskantha News :  વિકાસના દાવા વચ્ચે ગુજરાતના બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. ગામની મહિલાઓને ચાલીને એક કિમી દૂર આવેલી બનાસ નદી સુધી જવું પડે છે. જ્યાં નદીમાં વીરડો બનાવીને પાણી મેળવવું પડે છે. આ દયનીય સ્થિતિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જેમાં નદીના કાંઠે કેટલીય મહિલાઓ પાણી ભરવા માટે પહોંચી હતી. સ્થાનિક મહિલાઓએ જણાવ્યું કે, ગામમાં આવતું પાણી પીવાલાયક નથી. જેનાથી અનેક બીમારીઓ થાય છે. જેથી અમારે અહિં પાણી ભરવા આવવું પડે છે.

કેટલાક પરિવારો તો વેચાતું પાણી ખરીદવા મજબૂર બન્યા છે. આ પરિસ્થિતિ સ્થાનિક વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવે છે. ગામમાં આવતું નળનું પાણી પીવાલાયક નથી. આ પાણી પીવાથી ઝાડા-ઉલટી જેવી બીમારીઓ થાય છે.બનાસકાંઠાના અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની કેટલીય મહિલાઓ નદીમાં ખાડો કરીને પાણી ભરી રહી છે. ગામલોકોએ જણાવ્યું કે, ‘અમારી એક જ માગ છે કે બસ પીવાનું પાણી અમને મળે’. પાણી ભરી રહેલી મહિલાઓ સાથે વાતચીત કરતા અમને જાણવા મળ્યું કે, છેલ્લા કેટલાય સમયથી આ મહિલાઓ આ પ્રમાણે દરરોજ પાણી ભરવા આવે છે.

બનાસ નદીમાં વેરડી બનાવીને પાણીને ગાળી પીવાલાયક બનાવી ગૃહિણીઓ એક કિલોમીટર ચાલીને માથે બેડલા ઉપાડી પાણીનું સિંચન કરી રહી છે. રાત્રી દરમિયાન ઓચિંતી પાણીની જરૂર પડે તો આવા રસ્તા પર દીકરીઓને પાણી માટે એકલા આવવુ પડી રહ્યુ છે જે વાલીઓમાં એક ચિંતાનો વિષય બન્યો છે. ગામમાં બનાવેલા નવા બોરમાં સારુ પાણી છે પરંતું તે કનેકશન વિના માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે માટે કુંભકર્ણની ઘોર નિંદ્રામાં સૂતેલ તંત્ર સફાળું જાગે અને કોઇ મહામારી પગપેસારો કરે તે પહેલાં કાકવાડા ગમની આ સમસ્યાનું નિરાકરણ લાવવા માટે લોકો રજુઆત કરી રહ્યા છે. જો લોકોની અરજીને ધ્યાને લેવામાં નહી આવે તો ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન કરી મુખ્ય કચેરીઓમાં ધરણાં કરવાની ચિમકી ગામલોકો આપી રહ્યા છે.

સ્થાનિક અગ્રણી મહિલાએ જણાવ્યું કે, અમારે પાણીની ખૂબ જ તકલીફ છે ગામનું પાણી નાના છોકરાઓને પીવડાવીએ તો ઝાડા-ઉલટી થઈ જાય છે અમારે પાણી વગર ક્યાં જવું? છોકરાઓને ઘરે મુકીને દૂર દૂર સુધી પાણી ભરવા જવું પડે છે. ઘરની નાની છોકરીઓને દૂર પાણી ભરવા મૂકીએ છીએ ત્યારે એને કશું થાય તો જવાબદારી કોની રહે?કાકવાડા ગામના અગ્રણી ભુપતજીએ જણાવ્યું હતું કે, ગામમાં પાણીની ખૂબ જ સમસ્યા છે. આ બોરમાં પાણી પીવાનું છે પરંતુ કનેક્શન હજી સુધી આવ્યું નથી. કનેક્શન માટે સરપંચને અમે રજૂઆત કરી છે.

જોકે, સરપંચ કહે છે કે, આજે કે કાલે આવી જાશે, પાણી વગર આખા ગામની વસ્તી તકલીફ ભોગવી રહી છે.સ્થાનિક મહિલા શંકુ બેને જણાવ્યું કે, પંચાયતનું પાણી આવે છે પરંતુ ખરાબ પાણી આવવાના કારણે અહીં પાણી ભરવા આવવા મજબૂર બન્યા છીએ. છેલ્લા બાર મહિનાથી રજૂઆત કરી કરીને થાક્યા પરંતુ કોઈ જોવા આવતું નથી નદીમાં એને ખાડા કરી કરીને પાણીની વ્યવસ્થા કરીએ છીએ. આજુબાજુના ગામમાંથી વેચાતું પાણી લઈને પીએ છીએ. સ્થાનિક નેતાઓને કીધું પણ કોઈ જાણ લેતું નથી.

સરપંચને કીધું તો અહીંયા જોવા પણ આવતા નથી. ખાલી વોટ માટે આવે છે, ગામમાંથી અહીં પાણી ભરવા આવતા 1 કિલોમીટરથી લાંબુ પડે છે તો પણ શું કરીએ પાણી ભરવા તો આવવું જ પડે છે અમારે સારું પાણી જોઈએ બસ બીજી કોઈ જ માગ નથી. આવા સમયમાં છોકરીઓને પાણી ભરવા એકલી મૂકીએ તો પણ ડર લાગે છે.મંગેશભાઈએ જણાવ્યું કે, અમારા ગામમાં પાણીની ખૂબ જ મોટી તંગી છે. ગામમાંથી મહિલાઓ એક કિલોમીટર દૂર અહીં નદીમાં પાણી ભરવા આવે છે કદાચ સાંજે પાણી ખૂટી જાય તો કોઈપણ છોકરીઓ સાથે એક બે છોકરાઓને સાથે આવવું જ પડે છે

આવા સમયે કોઈ ઘટના ઘટી જાય તો તેની જવાબદારી કોણ લે? જો અમારા ગામમાં પાણીની વ્યવસ્થા જલ્દીથી કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ગાંધી માર્ગે આંદોલન કરીશું. આંદોલનમાં કશું થાય તો તેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે.ભારતીબેને જણાવ્યું હતું કે, ગામમાં પીવાનું પાણી આવતું નથી. ખાડો ખોડીને પાણી ભરવા નદીમાં આવીએ છીએ. ઘરના અમારી સાથે આવે છે પરંતુ કોઈ એકલી છોકરી પાણી ભરવા આવે તો એની સાથે કોઈ ઘટના બને તો એની જવાબદારી સરકાર લેશે?

આરતીબેને જણાવ્યું હતું કે, ગામનું પાણી ખરાબ હોવથી અહીંયા પાણી ભરવા આવવું પડે છે. બાર મહિના જેવું થઈ ગયું છે પાણી વગર ખુબ જ મુશ્કેલી પડે છે. ગામનું પાણી સેવાળ વાળું આવે છે જે પાણીથી ચા બનાવીએ તો ચા પણ ફાટી જાય છે. ઝાડા-ઉલ્ટી થાય છે. વાસણોમાં પાણી રાખીએ તો વાસણો ફાટી જાય છે. અમારી તો એક જ માગ છે કે, બસ ગામમાં પીવાનું પાણી આવવું જોઈએ.અમીરગઢ તાલુકા વિકાસ અધિકારી પી ચૌધરીનું કહેવું છે કે, કાકવાડા ગામમા પાણીનો મુદ્દો અમારા ધ્યાન પર ત્રણ દિવસ પહેલા આવ્યો છે.

જે બાદ તલાટી મીટીંગમાં સૂચના આપવામાં આવી છે. બોર બની ગયો છે પણ વીજ કનેકશન બાકી છે, એટલે UGVCL ઠરાવ કરીને કાર્યવાહી કરવામાં આવી છે. સરપંચ તલાટીની સહી સાથે જે તે ડિપાર્ટમેન્ટને મોકલવામાં આવ્યું છે, જેટલુ બને એટલું એટલું વહેલું કામ થઇ જશે. બોર હતો પણ એમાં ખારયુક્ત પાણી આવવા લાગ્યુ છે. બીજા બોરમાં કનેકશન આવતા જ પાણી ચાલુ થઈ જશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:અનાજ મેંદરડા ખાતે સંગ્રહ થાય તે પૂર્વે જ પુરવઠા વિભાગના દરોડા

આ પણ વાંચો:મહેસાણામાં પુરવઠા વિભાગે સરકારી અનાજનું કૌંભાડ ઝડપ્યું

આ પણ વાંચો:ગુજરાત પાણી પુરવઠા વિભાગનો એન્જિનીયર 1.20 લાખની લાંચ લેતા ઝડપાયો