Vadodara School Dead Body Found: સંસ્કારી નગરી વડોદરાના નાગરવાડા-કારેલીબાગ વિસ્તારમાં આવેલી જીવન સાધના (જીવન ભારતી) સ્કૂલના પટાંગણમાંથી એક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભય અને કુતૂહલનો માહોલ ફેલાયો છે. સ્કૂલના કમ્પાઉન્ડમાં આવેલા વોટર હાર્વેસ્ટિંગ માટેના કૂવામાંથી આ લાશ મળી આવી હતી.
ફાયર વિભાગનું રેસ્ક્યુ ઓપરેશન
બદમડીબાગ ફાયર બ્રિગેડને આ અંગેનો કોલ મળતા જ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયરકર્મી વિશાલ શિંદેએ જણાવ્યું હતું કે, કૂવો ઊંડો હોવાથી અને ગેસની શક્યતાને ધ્યાને રાખીને સ્ટાફે BA (Breathing Apparatus) સેટ પહેરીને કૂવામાં ઉતરવું પડ્યું હતું. ભારે જહેમત બાદ અજાણ્યા યુવકના મૃતદેહને સુરક્ષિત રીતે બહાર કાઢી પોલીસને સોંપવામાં આવ્યો હતો.

Vadodara પોલીસ તપાસનો ધમધમાટ
ઘટનાની જાણ થતા જ કારેલીબાગ પોલીસની ટીમ પણ તાત્કાલિક સ્કૂલ પર પહોંચી ગઈ હતી. પોલીસના જણાવ્યા અનુસાર, મૃતદેહ અત્યંત ‘ડિસ્પોઝ’ એટલે કે ખરાબ હાલતમાં હોવાથી પ્રાથમિક દ્રષ્ટિએ આ લાશ થોડા દિવસ જૂની હોવાનું જણાય છે. આ યુવક કોણ છે અને ક્યાંનો રહેવાસી છે તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી, જેના માટે પોલીસે તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત, યુવક કૂવામાં કેવી રીતે પડ્યો, આ માત્ર એક આકસ્મિક મૃત્યુ છે, આત્મહત્યા છે કે પછી કોઈએ તેની હત્યા કરી લાશ અહીં ફેંકી દીધી છે, તે તમામ દિશાઓમાં પોલીસે પોતાની તપાસ તેજ કરી છે.
સ્થાનિકોમાં ફફડાટ
શાળા જેવો વ્યસ્ત અને સંવેદનશીલ વિસ્તાર હોવા છતાં કમ્પાઉન્ડના કૂવામાંથી લાશ મળતા સુરક્ષા સામે પણ સવાલો ઉઠ્યા છે. હાલ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલ (SSG) ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ મોતનું સાચું કારણ સ્પષ્ટ થશે.
