Mehsana news/ ઊંઝામાં 3 કરોડની જીરાની ચોરી, વકીલ અને ગુનેગાર ગેંગનો ચોંકાવનારો ખુલાસો

એશિયાના સૌથી મોટા જીરા બજાર તરીકે ઓળખાતા ઊંઝામાં થયેલી રૂ. 3 કરોડથી વધુની જીરાની ચોરીનો મામલો હવે ફિલ્મી સ્ક્રિપ્ટ જેવો બની ગયો છે. પોલીસ તપાસમાં હાઈકોર્ટના વકીલથી લઈને ડુપ્લિકેટ ચાવી બનાવનાર માસ્ટરમાઈન્ડ અને રીઢા ગુનેગારોની ગેંગનો ચોંકાવનારો ખુલાસો થયો છે.

Gujarat Top Stories Others
unjha

મહેસાણા જિલ્લાના ઊંઝા (unjha) નજીક ઉનાવા હાઈવે પર આવેલ ખોડિયાર એસ્ટેટના ગોડાઉનમાં રાખવામાં આવેલું અંદાજે રૂ. 3.02 કરોડનું જીરું તસ્કરોએ ચોરી કરી નાખ્યું હતું. આ ચોરી 12 ડિસેમ્બર 2025થી 2 જાન્યુઆરી 2026 દરમિયાન થઈ હતી, જ્યારે વેપારીઓ રીતેશ શેઠ અને અરવિંદકુમાર શેઠના વેરહાઉસ નંબર 13, 14 અને 15ના તાળા તોડીને રાત્રિના અંધારામાં ટ્રકો મારફતે હજારો બોરીઓ જીરું સાફ કરી દેવામાં આવ્યું હતું.

આ હાઈ-પ્રોફાઈલ ચોરી હવે એક ક્રાઈમ થ્રિલર જેવી બની ગઈ છે. મહેસાણા પોલીસની તપાસમાં ખુલ્યું છે કે આ ચોરી પાછળ કોઈ સામાન્ય તસ્કરો નહીં, પરંતુ એક સુવ્યવસ્થિત ગુનેગાર ગેંગ હતી, જેમાં હાઈકોર્ટનો વકીલ, દિલ્હીના ડુપ્લિકેટ ચાવી બનાવનાર એક્સપર્ટ અને અન્ય રીઢા ગુનેગારો સામેલ હતા.

પોલીસે અત્યાર સુધીમાં આ ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપીઓની ધરપકડ કરી છે અને રૂ. 58.15 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં લાખોની રોકડ અને ચોરાયેલું જીરું સામેલ છે.

 

હાઈકોર્ટના વકીલ સાથે ગુનાહિત કનેક્શન

આ ચોરીનું આયોજન દિલ્હીમાં રહેતા વોન્ટેડ આરોપી ઈમરાન જમીલે કર્યું હતું. તેણે પાટણના હાઈકોર્ટમાં પ્રેક્ટિસ કરતા વકીલ ઈકરામ મેમણનો સંપર્ક કર્યો હતો. ઈમરાન પાસે ગોડાઉનમાં રાખેલા જીરાના જથ્થાની સંપૂર્ણ માહિતી હતી.

વકીલ ઈકરામ મેમણે સ્થાનિક સ્તરે મજબૂત ગેંગ તૈયાર કરવા માટે સાદીક મેમણને જોડ્યો હતો, જે અગાઉ બળાત્કારના કેસમાં સંડોવાયેલો હતો. આ રીતે કાયદાનો જાણકાર જ આ ચોરીનો માસ્ટરમાઈન્ડ બન્યો હોવાનો ખુલાસો થયો છે.

ડુપ્લિકેટ ચાવી અને ટ્રકો દ્વારા કરોડોની હેરાફેરી

ચોરી માટે ઈમરાન જમીલે ગોડાઉનના તાળા જોઈને તેની ડુપ્લિકેટ ચાવીઓ બનાવી હતી. ગૌરવ પટેલને પોલીસ અને આસપાસની હિલચાલ પર નજર રાખવા માટે રાખવામાં આવ્યો હતો.
આ ટોળકીએ 12 ડિસેમ્બરથી 2 જાન્યુઆરી સુધી રાત્રિના સમયે ગોડાઉન ખોલીને મજૂરો અને ટ્રકો લાવી 8થી 10 ફેરા કરીને કરોડોનું જીરું લઈ જવામાં આવ્યું હતું.

ખેડૂત બનીને ચોરેલું જીરું વેચ્યું

ચોરી બાદ આરોપી વજાહત ખાન અને શાહનવાઝ ઉર્ફે ટીપુ ખેડૂત બનીને બજારમાં જીરું વેચવા ગયા હતા. ડીસાની એક પેઢીમાં રૂ. 3200 પ્રતિ કિલોના ભાવે અંદાજે રૂ. 1 કરોડનું જીરું વેચાયું હતું. ઊંઝા અને ચાણસ્મા માર્કેટમાં પણ ચોરાયેલો માલ વેચીને રોકડી કરવામાં આવી હતી.

પોલીસે કેવી રીતે ઉકેલ્યો ભેદ

રસપ્રદ વાત એ છે કે ફરિયાદ નોંધાય તે પહેલા જ LCBને સસ્તા ભાવે જીરું વેચવા અંગે શંકાસ્પદ ફોન નંબરની બાતમી મળી હતી.
પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને હોટલના સીસીટીવી ફૂટેજ તપાસ્યા. ટ્રક ડ્રાઈવર પાસેથી જુમ્મા ખાનનું નામ સામે આવ્યું અને કડી દર કડી જોડતાં આખી ગેંગનો પર્દાફાશ થયો.

પોલીસે વકીલ ઈકરામ મેમણના ઘરેથી રૂ. 30 લાખ, વજાહત ખાન પાસેથી 9.50 લાખ, સાદીક મેમણ પાસેથી 5 લાખ અને ગૌરવ પટેલ પાસેથી 50 હજાર રૂપિયા જપ્ત કર્યા છે. સાથે જ રૂ. 11.50 લાખની કિંમતની 110 બોરી જીરું પણ કબ્જે કરાયું છે.

ચોકીદારની બેદરકારી

DySP દિનેશસિંહ ચૌહાણે જણાવ્યું કે ગોડાઉન પર ચોકીદાર રાખવામાં આવ્યો હતો, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તે ગોડાઉન પર આવતો નહોતો અને માત્ર તાળું જોઈને પાછો જતો હતો. ગોડાઉન ખોલતા જીરું ગાયબ હોવાનું જાણવા મળ્યું અને ત્યારબાદ ફરિયાદ નોંધાઈ હતી.

હાલ પોલીસ મુખ્ય સૂત્રધાર ઈમરાન અને શાહનવાઝને પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી તપાસ ચલાવી રહી છે. આ ચોરીનો મામલો ગુજરાતના વેપાર જગતમાં ભારે ચર્ચાનો વિષય બની ગયો છે.


આ પણ વાંચો:મહેસાણામાં બેન્કનું એટીએમ ચોરી ચોરીનો પ્રયાસ, રીઢા ગુનેગારની ધરપકડ

આ પણ વાંચો:મહેસાણા નગરપાલિકા પંપિંગ સ્ટેશનની 25 જેટલી મોટરો ચોરી થતા સર્જાયો વિવાદ

આ પણ વાંચો:મહેસાણા: ઊંઝા શ્રી નાથજી રેસિડેન્સીના બંધ મકાનમાં ચોરી