Surat News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં EVM અને VVPAT ડિસ્પેચિંગની કામગીરી પૂરી થઈ ગઈ છે. વહીવટીતંત્રએ જડબેસલાક કામગીરી કરતા આ કામગીરી પૂરી કરી દીધી છે. તેના પછી પોલીસ તંત્રના કડક બંદોબસ્ત વચ્ચે જીપીએસથી સજ્જ વાહનો હેઠળ આ સુરતમાં EVM અને VVPAT મતદાન મથકો સુધી પહોંચાડવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
પ્રિસાઇડિંગ ઓફિસરો અને પોલિંગ સ્ટાફને કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. તમામ કર્મચારીઓ પણ નિયત મતદાન મથકોએ પહોંચી ચૂક્યા છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યુ છે. મતદાનના દિવસે વહેલા મોકપોલ કરવાની પણ સૂચના છે. ચૂંટણીપંચના તમામ મથકના કર્મચારીઓ પણ દરેક મતદાન મથકોએ જવા માટે રવાના થઈ ચૂક્યા છે. તે ટૂંક સમયમાં તેમનું કામકાજ સંભાળી લેશે તેમ માનવામાં આવે છે. ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. મતદાન મથક પર સવારે મોક પોલ કરવાની સૂચના પણ આપવામાં આવી છે, જેથી ઇવીએમ યોગ્ય રીતે ચાલે છે કે નહીં તે જોઈ શકાય.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથકોએ પણ વહીવટીતંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને છાંયડો મળી રહે તે માટે કેટલાય સ્થળોએ લાંબી લાઇન માટે મંડપ પણ ગોઠવાયા છે, કેટલાય સ્થળોએ વધારાના પંખા પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે, જેથી મતદારોને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય. આ સિવાય મતદાનમથક પર ઉમેદવારની તબિયત લથડે તો તેને ઘટનાસ્થળે જ સારવાર આપવા દરેક મતદાન મથકની બહાર 108ની એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. તેની સાથે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોને ઓન ડ્યુટી રહેવા માટે જણાવી દેવાયું છે.
