Amit Chavda Statement Today: ગુજરાતમાં આવતીકાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે, ત્યારે રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. મતદાનના ગણતરીના કલાકો પહેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ આમ આદમી પાર્ટી (AAP) અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે દાવો કર્યો છે કે AAP એ ભાજપની જ ‘B ટીમ’ છે અને બંને પક્ષો મળીને લોકશાહીની મજાક ઉડાવી રહ્યા છે.
“AAP અને ભાજપ RSSના ફંડથી ચાલે છે”: Amit Chavda
અમિત ચાવડાએ એક ખાનગી નિવેદનમાં ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, “ભાજપ અને આમ આદમી પાર્ટી ક્યારેય એકબીજાના વિરોધી હતા જ નહીં. તેઓ માત્ર દેશની જનતા સામે વિરોધી હોવાનું નાટક કરી રહ્યા છે. હકીકતમાં આ બંને પક્ષો RSSના ફંડથી ચાલી રહ્યા છે.” તેમણે વધુમાં ઉમેર્યું કે 2011-13ના આંદોલનો એક સુઆયોજિત કાવતરું હતું, જે બાદ કોંગ્રેસના મતો તોડવા માટે જ ‘આપ’નું નિર્માણ કરવામાં આવ્યું હતું.

7 સાંસદોના પક્ષપલટા પર પ્રહાર
ગઈકાલે આમ આદમી પાર્ટીના ૭ સાંસદો જે રીતે ભાજપમાં જોડાયા, તેને ટાંકીને ચાવડાએ મતદારોને સાવધ કર્યા હતા. તેમણે કહ્યું, “ગઈકાલની ઘટનાથી બધું સ્પષ્ટ થઈ ગયું છે. જો તમે AAPના ધારાસભ્ય કે સભ્યને જીતાડશો, તો તેઓ અંતે ભાજપમાં જ ભળી જશે. કોંગ્રેસ છેલ્લા 12વર્ષથી કહી રહી છે કે AAP એ ભાજપની ‘B ટીમ’ છે, જે આજે સાબિત થઈ ગયું છે.”
“AAPને મત આપવો એટલે મત વેડફવો”
આવતીકાલે થનારા મતદાન અંગે જનતાને અપીલ કરતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, વર્તમાન સરકાર સામે લોકોમાં ભારે વિરોધ જોવા મળી રહ્યો છે. તેમણે મતદારોને ચેતવણી આપતા કહ્યું કે જો તમે આમ આદમી પાર્ટીને મત આપશો, તો તમારો કિંમતી મત વેડફાઈ જશે કારણ કે તેઓ આડકતરી રીતે ભાજપને જ મદદ કરી રહ્યા છે. વધુમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ અને AAP દ્વારા મળીને લોકશાહીને કલંકિત કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
ચૂંટણી પૂર્વે અમિત ચાવડાના આ નિવેદને રાજકીય આલમમાં નવી ચર્ચા જગાવી છે. હવે જોવાનું એ રહેશે કે આવતીકાલે મતદારો કોના પર વિશ્વાસ મૂકે છે.
