Vadodara News: વડોદરામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થઈ ગયા છે અને મતદાનની તૈયારીઓ પણ હવે પૂરી થઈ ગઈ છે. વડોદરામાં કુલ 2,460 મતદાન મથકો પર મતદાન કરવામાં આવનારુ છે. તે માટે પોલીસ તંત્રએ જડબેસલાક બંદોબસ્ત ગોઠવી દીધો છે. અસામાજિક તત્વોને સલામતીને ધ્યાનમાં રાખીને અટકાયતમાં લેવામાં આવ્યા છે.
ઇવીએમ ડિસ્પેચની કામગીરી પૂરી થઈ ગઈ છે. જો કે વોર્ડ 13,14,15 માટે ઇવીએમ ડિસ્પેચની કામગીરી સવારથી જ શરૂ થઈ થઈ ગઈ હત. સાત હજારથી વધારે પોલીસ કર્મચારીને સુરક્ષા વ્યવસ્થા માટે ગોઠવવામાં આવ્યા છે. ગરમીના કારણે પોલીસ કર્મચારીઓ માટે અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ કર્મચારીઓને ટેન્ટ, પંખા, પીવાના પાણી, કુલરની વ્યવસ્થા કરવામાં આવી છે. ડિસ્પેચિંગ સેન્ટર પર મેડિકલ ટીમ પણ હાજર છે. શાંતિપૂર્ણ માહોલમાં ચૂંટણી પૂરી થાય તે માટે પોલીસ પ્રતિબદ્ધ છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન મથકોએ પણ વહીવટીતંત્ર દ્વારા ગરમીને ધ્યાનમાં રાખીને ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉમેદવારોને છાંયડો મળી રહે તે માટે કેટલાય સ્થળોએ લાંબી લાઇન માટે મંડપ પણ ગોઠવાયા છે, કેટલાય સ્થળોએ વધારાના પંખા પણ રાખવામાં આવ્યા છે. આ સિવાય ઓઆરએસના પાઉચ પણ રાખવામાં આવ્યા છે, જેથી મતદારોને ડીહાઇડ્રેશનથી બચાવી શકાય. આ સિવાય મતદાનમથક પર ઉમેદવારની તબિયત લથડે તો તેને ઘટનાસ્થળે જ સારવાર આપવા દરેક મતદાન મથકની બહાર 108ની એમ્બ્યુલન્સ પણ તૈયાર રાખવામાં આવી છે. તેની સાથે સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરોને ઓન ડ્યુટી રહેવા માટે જણાવી દેવાયું છે.
