Ahmedabad News : શહેર ક્રાઈમ બ્રાન્ચે વૃદ્ધોને નિશાન બનાવી નશીલો પદાર્થ પીવડાવી લૂંટ(Robbing) ચલાવતી એક શાતિર મહિલાને ઝડપી પાડી છે. દરિયાપુર વિસ્તારમાં બનેલી આ ઘટનામાં 81 વર્ષીય વૃદ્ધનું મોત થતા કેસ હવે હત્યામાં પરિવર્તિત થયો છે.
વિશ્વાસ જીતીને ઘરમાં પ્રવેશ, પછી લૂંટ(Robbing)

પકડાયેલ આરોપી લતાબેન ઉર્ફે ગુલાબ ઉર્ફે લકડી ચૌહાણ (૫૫) એકલા રહેતા વૃદ્ધો અથવા દંપતીને ટાર્ગેટ કરતી હતી. તે પોતે સેવા આપવા તૈયાર હોવાનું બતાવી, જમવાનું બનાવવાના બહાને ઘરમાં પ્રવેશ મેળવી વિશ્વાસ જીતી લેતી હતી.
દરિયાપુરના દિલ્હી ચકલા વિસ્તારમાં તેણે એક વૃદ્ધ દંપતીને લસ્સીમાં નશીલો પદાર્થ(Intoxicating Lassi) ભેળવી પીવડાવ્યો હતો. બંને બેભાન થતાં આરોપી ઘરમાંથી રોકડ રકમ લઈ ફરાર થઈ ગઈ હતી. જોકે દવાની અસર ગંભીર થતાં વૃદ્ધને સારવાર દરમિયાન જીવ ગુમાવવો પડ્યો.
ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી
લૂંટના આ બનાવને ગંભીરતાથી લઈને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી હતી. અગાઉ સમાન પ્રકારના ગુનાઓના આધારે શંકાસ્પદોની યાદી તૈયાર કરી અને બાતમીના આધારે શાહપુર વિસ્તારમાંથી મહિલાને ઝડપી પાડી હતી.
રીઢા ગુનેગાર તરીકે ઓળખ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સામે અગાઉ પણ અમદાવાદના વિવિધ પોલીસ સ્ટેશનોમાં અનેક ગુનાઓ નોંધાયેલા છે. ચોરી, જુગાર અને અન્ય ગુનાઓમાં તે સંડોવાયેલી રહી છે.
હાલનો ગુનો અને કાર્યવાહી
વર્તમાન કેસમાં દરિયાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સહિંતા હેઠળ વિવિધ ગંભીર કલમો મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે સ્થાનિક પોલીસને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે.
પોલીસની અપીલ
પોલીસે નાગરિકોને ચેતવણી આપી છે કે અજાણ્યા વ્યક્તિઓ પાસેથી ખાદ્ય પદાર્થ કે પીણું સ્વીકારતા પહેલા સંપૂર્ણ સાવચેતી રાખવી અને શંકાસ્પદ પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક જાણ કરવી.
