Surat Rander Home Guard Rape Case: સુરતના રાંદેર વિસ્તારમાં રક્ષક જ ભક્ષક બન્યો હોય તેવી એક હચમચાવી દેતી ઘટના સામે આવી છે. એક હોમગાર્ડ જવાન દ્વારા પરિણીત મહિલાને પોતાની ઓળખ પોલીસ અધિકારી તરીકે આપી, પ્રેમજાળમાં ફસાવી અને ત્યારબાદ નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ આચર્યાની ગંભીર ફરિયાદ નોંધાઈ છે. આટલું જ નહીં, આરોપીએ મહિલાનો વીડિયો બનાવી તેને બ્લેકમેલ કરી લાખોની લૂંટ પણ ચલાવી છે.

મિસિંગની અરજીમાંથી નંબર મેળવી બિછાવી જાળ
ઘટનાની વિગતો મુજબ, આરોપી હોમગાર્ડ પ્રકાશ છબલાણીએ એક મિસિંગની અરજીમાંથી મહિલાનો મોબાઈલ નંબર મેળવ્યો હતો. ત્યારબાદ તેણે પોતાને પોલીસ અધિકારી તરીકે ઓળખાવી મહિલાનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં ડરાવીને અને ત્યારબાદ વિશ્વાસમાં લઈને તેણે મહિલા સાથે મિત્રતા કેળવી હતી.
નશીલું પીણું પીવડાવી દુષ્કર્મ અને બ્લેકમેલિંગ
આરોપી પ્રકાશ મહિલાને એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેને નશીલું પીણું પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ શર્મજનક હરકત દરમિયાન તેણે મહિલાનો વીડિયો પણ ઉતારી લીધો હતો. આ વીડિયોના આધારે આરોપીએ મહિલાને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. લાજ બચાવવા મહિલાએ હોમગાર્ડને લાખોના દાગીના આપી દીધા હતા. હદ તો ત્યારે થઈ જ્યારે આરોપીએ મહિલા પાસે લોન પર નવી બાઇક પણ લેવડાવી હતી.

હિંમત બતાવી પોલીસ ફરિયાદ કરી
લાંબા સમયથી ચાલતા આ શારીરિક અને આર્થિક શોષણથી કંટાળીને આખરે પરિણીતાએ હિંમત ભેગી કરી અને રાંદેર પોલીસ સ્ટેશનમાં નરાધમ હોમગાર્ડ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. પોલીસે આ મામલે દુષ્કર્મ અને બ્લેકમેલિંગ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપી પ્રકાશ છબલાણીને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.
Surat પોલીસની અપીલ, સાવચેત રહો
આ ઘટના બાદ પોલીસે લોકોને ખાસ અપીલ કરી છે કે કોઈપણ અજાણ્યા લોકો સાથે પોતાની અંગત માહિતી કે મોબાઈલ નંબર શેર ન કરવો. આ ઉપરાંત, જો કોઈ પણ વ્યક્તિ પોલીસના નામે ડરાવે કે ધમકાવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવો જોઈએ. ખાસ કરીને બ્લેકમેલિંગનો ભોગ બનનાર મહિલાઓએ કોઈપણ પ્રકારનો ડર રાખ્યા વગર હિંમતભેર પોલીસની મદદ લેવી જોઈએ.
આ પણ વાંચો: સુરત રેલવે સ્ટેશન નજીક હોટલમાં દુષ્કર્મ, ઈન્સ્ટાગ્રામ પર વીડિયો વાયરલ
આ પણ વાંચો: માઉન્ટ આબુમાં ન્યૂ યર પાર્ટીના નામે અમદાવાદની સગીરા સાથે દુષ્કર્મ, વીડિયો વાયરલ થતા ભાંડો ફૂટ્યો
આ પણ વાંચો: પરણીત પુરુષે 18 વર્ષની છોકરીને પ્રેમઝાળમાં ફસાવી આચર્યું દુષ્કર્મ
