World News:હોર્મુઝ જળસંધિ (Strait of Hormuz )પાસે ભારતીય ક્રૂ ધરાવતા એક ટેન્કર પર રવિવારે ડ્રોનથી હુમલો થયો હતો. જહાજમાં સવાર 11 ભારતીય નાવિકો (Indian Sailors)માંથી 9ને બચાવી લેવામાં આવ્યા છે, જ્યારે 2 નાવિકો હજુ પણ લાપતા છે. છેલ્લા 3 દિવસમાં આ સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં ભારતીય ક્રૂ ધરાવતા 3 વ્યાપારી જહાજો (Commercial ships)પર મિસાઈલ અને ડ્રોનથી હુમલા કરવામાં આવ્યા છે, જેને લઈને ભારતે ભારે ચિંતા વ્યક્ત કરી છે.
સોહાર બંદર પાસે એમટી પેટ્રો ડોલ્ફિન પર એટેક
નિકારાગુઆ (Nicaragua)ના ધ્વજવાળા ટેન્કર એમટી પેટ્રો ડોલ્ફિન પર ઓમાનના સોહાર બંદર (Sohar Port)નજીક ડ્રોનથી પ્રચંડ હુમલો કરવામાં આવ્યો હતો.કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનોવાલે જણાવ્યું છે કે ભારતીય અધિકારીઓ સ્થાનિક એજન્સીઓ સાથે મળીને ગુમ થયેલા નાવિકોની શોધખોળ માટે તમામ સંભવિત પ્રયાસો કરી રહ્યા છે. ઓમાનની રાજધાની મસ્કટ સ્થિત ભારતીય દૂતાવાસ પણ આ સમગ્ર આક્રમણ પર સતત નજર રાખી રહ્યું છે અને સંબંધિત દરિયાઈ અધિકારીઓના સંપર્કમાં છે. હાલમાં આ હુમલા પાછળ કયા સંગઠન કે દેશનો હાથ છે તેની સત્તાવાર પુષ્ટિ બાકી છે.

એમટી વાલ્થેરામાં આગ અને અન્ય હુમલાઓ
આ ઘટનાના માત્ર બે દિવસ અગાઉ એટલે કે 11 ઓક્ટોબરે માર્શલ આઇલેન્ડ્સના ધ્વજવાળા ટેન્કર એમટી વાલ્થેરા પર હોર્મુઝ સ્ટ્રેટમાં ડ્રોન અથવા મિસાઇલ હુમલો થયો હતો, જેના કારણે જહાજમાં ભીષણ આગ લાગી ગઈ હતી. સદનસીબે આ જહાજ પર સવાર તમામ 11 ભારતીય નાવિકો સુરક્ષિત છે.
તે પહેલાં 9 ઓક્ટોબરે પણ પનામાના ધ્વજવાળા કાચા તેલના જહાજ એમટી જેમ નંબર 2 પર શારજાહ નજીક ડ્રોન એટેક થયો હતો, જેમાં 22 ભારતીય નાવિકો સવાર હતા. સતત ત્રણ દિવસમાં આવા ત્રણ હુમલા થવાથી આંતરરાષ્ટ્રીય જળમાર્ગો પર વેપારી જહાજોની સુરક્ષા સામે મોટો ખતરો ઊભો થયો છે.
ભારતની કડક પ્રતિક્રિયા અને સુરક્ષાની માંગ
ભારતીય વિદેશ મંત્રાલયે આ તમામ વેપારી જહાજો પર થયેલા હુમલાઓની આકરી શબ્દોમાં નિંદા કરી છે. ભારતે તમામ પક્ષોને તાત્કાલિક તણાવ ઘટાડવા અને જહાજો, નાવિકો તેમજ નાગરિક સ્થળો પરના હુમલા રોકવા માટે અપીલ કરી છે.
મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે ભારતીય નાવિકોની સુરક્ષા સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ સંઘર્ષનો ઉકેલ માત્ર કૂટનીતિ તથા વાતચીત દ્વારા જ આવવો જોઈએ. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક સ્તરે વેપારી જહાજો માટે નાવિકો પૂરા પાડવામાં ભારત અગ્રણી દેશોમાં સામેલ છે અને 2025ના આંકડા મુજબ ભારતમાં 3.20 લાખથી વધુ સક્રિય નાવિકો નોંધાયેલા છે.
આ પણ વાંચો:હોર્મુઝમાં માઇનનો ખતરો: એક અઠવાડિયામાં ટેન્કરો સાથે 13 ઘટના, તેલ ટેન્કરમાં બ્લાસ્ટ બાદ આગ
આ પણ વાંચો:હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલો, 11 ભારતીય ઘાયલ; રેસ્ક્યૂ ઓપરેશન
આ પણ વાંચો:5 શરતો માનશો તો જ હોર્મુઝ ખુલશે! ઈરાને અમેરિકાને આપ્યું અલ્ટીમેટમ
