International News : હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માં ફરી એકવાર વાણિજ્યિક જહાજને નિશાન બનાવવામાં આવ્યું છે. ઓમાનના દરિયાકાંઠે પસાર થઈ રહેલા પનામા-ધ્વજવાળા MT On Peace પર મંગળવારે હુમલો થયો હતો. આ ઘટનામાં 12 ક્રૂ સભ્યો ઘાયલ થયા, જેમાં 11 ભારતીય નાગરિકોનો (Indian sailors)સમાવેશ થાય છે.
હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજ પર હુમલો
વિદેશ મંત્રાલય (MEA) અનુસાર, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz)માંથી પસાર થઈ રહેલા MT On Peaceને એક અસ્ત્રથી નિશાન બનાવવામાં આવ્યું હતું. જહાજમાં કુલ 19 ક્રૂ સભ્યો સવાર હતા, જેમાં 17 ભારતીય નાગરિકો (Indian sailors)હતા. હુમલા બાદ ઓમાની સત્તાવાળાઓ અને કોસ્ટ ગાર્ડે તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી.
11 ભારતીય સહિત 12 ક્રૂ સભ્યો ઘાયલ
હુમલામાં 12 ક્રૂ સભ્યોને ઈજા થઈ હતી. તમામ ઘાયલોને જહાજમાંથી સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા અને સારવાર માટે ખાસાબ, ઓમાનની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ભારત સરકારે ઝડપી બચાવ કામગીરી માટે ઓમાની સત્તાવાળાઓનો આભાર વ્યક્ત કર્યો છે.
ભારતે હુમલાની કરી કડક નિંદા
ભારતે વાણિજ્યિક જહાજ પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. MEAએ કહ્યું કે વાણિજ્યિક જહાજો (Commercial ship attack), નાવિકો અને નાગરિક માળખાને નિશાન બનાવવાની ઘટનાઓ ગંભીર ચિંતાનો વિષય છે. ભારતે આવા હુમલા તાત્કાલિક બંધ કરવાની અને આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં સુરક્ષિત નેવિગેશન તથા વેપારને વહેલી તકે સામાન્ય બનાવવાની અપીલ કરી છે.
અગાઉ પણ ભારતીય જહાજને બનાવાયું હતું નિશાન
આ અગાઉ 23 સપ્ટેમ્બરે ઓમાનના પૂર્વ કિનારે ભારત તરફ આવી રહેલા MV Cap Dhow પર પણ હુમલો થયો હતો. આ ઘટનામાં 19 ભારતીય ખલાસીઓના મોત થયાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ફોરવર્ડ સીમેન યુનિયન ઓફ ઈન્ડિયા (FSUI) અનુસાર, મૃતકોમાં ઉત્તર પ્રદેશના દેવરિયાના વાઇપર સૂરજ યાદવનો સમાવેશ થાય છે અને જહાજ પર બે ટોર્પિડોથી હુમલો કરવામાં આવ્યો હતો.
દરમિયાન, બ્રિક્સ સમિટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કટોકટીના સમયે નાવિકોને મદદ કરવા માટે ‘નાવિક ઇમરજન્સી સપોર્ટ નેટવર્ક’ બનાવવાની દરખાસ્ત કરી હતી. તેમણે વૈશ્વિક વેપારમાં નાવિકોની મહત્વપૂર્ણ ભૂમિકા ગણાવી તેમની સુરક્ષા અને કટોકટી દરમિયાન સહાયને પ્રાથમિકતા આપવાની વાત કરી હતી.
