World News :અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો ભીષણ તણાવ હવે વધુ એક વળાંક પર પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વૈશ્વિક વેપાર માટે અત્યંત સંવેદનશીલ ગણાતા ‘સ્ટ્રેટ ઓફ હોર્મુઝ’ (Strait of Hormuz) નું નામ બદલીને સત્તાવાર રીતે “ટ્રમ્પ સ્ટ્રેટ” (Trump Strait) કરી દીધું છે. આ જાહેરાતની સાથે તેમણે સોશિયલ મીડિયા પર એક નકશો પણ શેર કર્યો છે, જેના કારણે તેહરાનમાં ભારે રોષ ફેલાવાની પૂરી સંભાવના છે.

Strait of Hormuz : ટ્રમ્પની સોશિયલ મીડિયા પોસ્ટ અને ઈરાનનો પ્રસ્તાવ ફગાવ્યો
શનિવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ પર એક પોસ્ટ શેર કરતા ટ્રમ્પે સ્પષ્ટ કર્યું કે હવે આ સમુદ્રી માર્ગ અમેરિકા માટે ‘ટ્રમ્પ સ્ટ્રેટ’ તરીકે ઓળખાશે. આ પગલું એવા સમયે સામે આવ્યું છે જ્યારે થોડા સમય પહેલા જ ઈરાનના વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચીએ અમેરિકા સમક્ષ એક પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાત દિવસીય યોજનામાં હોર્મુઝ માર્ગને પૂર્વવત ખોલવા અને પરમાણુ (Atom)મુદ્દે વાટાઘાટો ફરી શરૂ કરવાની વાત હતી. જોકે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ તમામ પ્રસ્તાવોને ફગાવી દીધા છે.

મધ્ય-ગાળાની ચૂંટણી બાદ હુમલાના એંધાણ
અમેરિકી વહીવટીતંત્રના સૂત્રોના હવાલેથી મળતી માહિતી મુજબ, ટ્રમ્પે તેમના સહયોગીઓને સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી નવેમ્બરમાં યોજાનારી મધ્ય-ગાળાની ચૂંટણીઓ (Midterm elections) પતી ગયા બાદ ઈરાન વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી તેમજ બોમ્બમારાનો દોર ફરીથી શરૂ થઈ શકે છે. અમેરિકાનું મુખ્ય લક્ષ્ય ઈરાનને કોઈપણ સંજોગોમાં પરમાણુ શસ્ત્રો બનાવતા અટકાવવાનું છે, જ્યારે બીજી બાજુ ઈરાન પોતાના શાંતિપૂર્ણ પરમાણુ કાર્યક્રમનો બચાવ કરી રહ્યું છે. બંને દેશો વચ્ચેના આ અહમના ટકરાવને કારણે વૈશ્વિક શાંતિ પર સંકટના વાદળો ઘેરાયેલા છે.
આ પણ વાંચો: અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધનો અંત, હોર્મુઝ ખુલશે પણ 60 દિવસ બાદ લાગી શકે છે મોટો ટોલ ટેક્સ
આ પણ વાંચો:અમેરિકા અને ઈરાન વચ્ચે શાંતિ સમજૂતીની તૈયારી, ટ્રમ્પે ઈરાન સામે મૂકી 5 કડક શરતો
આ પણ વાંચો:મધ્ય પૂર્વમાં શાંતિની આશા મજબૂત, અમેરિકા અને ઈરાન વચ્ચે મહત્વપૂર્ણ સમજૂતી
